સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/તેજોમૂર્તિ ભગિની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીસથી વધારે વર્ષ થયાં હશે, મેં પ્રસિદ્ધ હિંદી પત્રિકા ‘સરસ્વતી’માં શ્રીમતી હેલન[કેલર]નું સંક્ષિપ્ત પણ અદ્ભુત પુરુષાર્થ અને પ્રતિભાનું સૂચક જીવનચિત્ર વાંચેલું. ત્યારે જ એ બહેન તરફ મારું આકર્ષણ સહજભાવે થયું. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અદ્યપિ જાગરિત જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્યક્ષેત્રમાં એને સંતોષવાની તક મને મળી ન હતી. તેટલામાં શ્રીયુત ગોપાલદાસભાઈએ મને એક દિવસ કહ્યું કે, વર્ધાથી મગનભાઈ [દેસાઈ] પુછાવે છે કે તેમણે શ્રીમતી હેલનની જીવનકથાનો ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઇચ્છે છે, ને જો તે સ્વીકારો તો તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાંઈક લખી આપો એમ પણ ઇચ્છે છે. મેં તરત જ કહ્યું, “હું એ વાંચી પછી હા-ના કહું. જો એના વાચન પછી જરા પણ મને લખવાનો મારો અધિકાર જણાશે તો અવશ્ય કાંઈક લખીશ.” મને તરત જ અનુવાદના ફરમા મળ્યા. મારું ઘણાં વર્ષ પહેલાંનું શ્રીમતી હેલન પ્રત્યેનું આકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બંને એટલાં બધાં તીવ્રપણે સજીવ થઈ ગયાં કે, તે વખતના ચાલુ લેખન અને સતત મનનકાર્યના પ્રવાહો મારા મનને બીજી દિશામાં જતાં રોકી શક્યા નહીં. કાંઈક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારો ઊભરાયા. મેં શ્રીમતી હેલનને ‘તેજોમૂર્તિ’ અને ‘ભગિની’ એવાં બે વિશેષણો આપ્યાં છે, તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરુષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય બીજું કાંઈ જ દૃષ્ટિગોચર નથી થતું. એ તેજના અંબારમાં એની શરીરમૂર્તિ અદ્ભુત થઈ જાય છે. અનેક રીતે જુદાઈ હોવા છતાં ઉંમર અને સમાનશીલતાની દૃષ્ટિએ મેં એને આપેલું ‘ભગિની’ એ વિશેષણ એની સાથેનો મારો સાદૃશ્ય-સંબંધ ઠીક ઠીક વ્યક્ત કરી શકે. હેલનને દર્શન, શ્રવણ અને વાચનની ત્રણે શકિતઓ એક જ સાથે અને તે પણ છેક શૈશવકાળથી ગઈ, જ્યારે મારી તો માત્ર દર્શનશકિત ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃભાષાના પૂરા અભ્યાસ તેમજ આજુબાજુના બધા દૃશ્ય પદાર્થોના પ્રત્યક્ષ અવલોકન તેમજ તત્સંબંધી ભાષા અને લેખનવ્યવહાર સિદ્ધ થયા પછી—લગભગ પંદરેક વર્ષની ઉંમરે. ઇન્દ્રિયવૈકલ્ય અને તે પ્રાપ્ત થવાની ઉંમરની દૃષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે લાચાર, વધારે બંધનવાળી ખરી. પણ દેશ, કુટુંબ અને બીજા સંયોગોની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેક ગણું વધારે સાધનસંપન્ન અને વધારે સ્વતંત્ર. ક્યાં અમેરિકા અને ક્યાં હિંદુસ્તાન? ક્યાં હેલનના કૌટુંબિક સંયોગો અને ક્યાં મારા? એનાં માતાપિતા એને વાસ્તે દરેક જાતનો માર્ગ તૈયાર કરવા બુદ્ધિપૂર્વક સર્વસ્વ હોમે છે, જ્યારે મારા પ્રત્યે પૂર્ણ સદિચ્છાવાળા પણ મારા વડીલો સ્વયં વિદ્યાહીન હોઈ મારા વિકાસમાર્ગની કોઈપણ દશા સ્વયં જાણવા તેમજ કોઈ જણાવે તો તે સમજવા અસમર્થ. ક્યાં ઇંદ્રિયવિકલ માનવબંધુઓને વિવિધ રીતે શિક્ષિત અને સંસ્કારી બનાવવા કામ કરતા અખૂટ ધીરજવાળા તપસ્વી શિક્ષકોથી શોભતી તપોભૂમિ જેવી અમેરિકાની અપંગ શિક્ષણસંસ્થાઓ; અને ક્યાં અપંગને અનુપયોગી સમજી તેના દુ:ખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી બે નિસાસા નાખી, બહુ તો તેને કાંઈક દાન આપી સંતોષ માનનાર, પણ એ અપંગની ઉપયોગિતા અને તેના વિકાસમાર્ગની શક્યતાના વિચારથી છેક જ અજાણ અને અશ્રદ્ધાળુ, એવા પૌરુષહીન પુરુષોની જનની કહેવાતી કર્મભૂમિ આર્યાવર્ત? એક દેશમાં જાતિથી અબળા ગણાતી અને ત્રણ ત્રણ ઇંદ્રિયોથી વિકલ એવી અપંગ વ્યકિતને પોતાનું સુષુપ્ત બધું બળ પ્રગટાવવાની પૂરી તક મળે છે, ને તે એ દ્વારા પોતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે; ત્યારે બીજા દેશમાં અપંગની તેમજ અબળાઓની વાત જ શું, પૌરુષવાન ગણાતા પૂર્ણાંગ પુરુષો સુધ્ધાંને, પશુતામાંથી મુક્ત થવાની અને માનવતા પ્રગટાવવાની ઓછી અને નજીવી તક છે. અમેરિકા અને હિન્દુસ્તાન વચ્ચે જે અંતર છે, તે હેલન અને મારા જીવનની અનેક શકિતઓના આવિર્ભાવમાં વ્યકત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇંદ્રિયોથી વિકલ એ બાલિકા ૨૧ વર્ષની ઉંમરે પોતાનું અભ્યાસવિષયક જે જીવનચિત્ર ખેંચે છે તેની તો મને તેથી બમણાં વર્ષે પણ બહુ ઓછી કલ્પના આવી છે. બાહ્ય વિશ્વમાં પ્રવેશવાનાં શ્રીમતી હેલનનાં અગત્યનાં ત્રણ ઇંદ્રિયદ્વારો બંધ, અને છતાંય એમાં પ્રવેશવાનો એને પ્રબળ ઉત્સાહ તેમજ પુરુષાર્થ, તેથી એણે એ બધું કામ અંતરિંદ્રિય ઉપર ભાર મૂકી સાધ્યું. પરિણામે, પ્રાપ્ત ઘ્રાણ અને સ્પર્શન ઇંદ્રિય દ્વારા જ એણે ભૌતિક વિશ્વમાં પ્રવેશવાનો માર્ગ કર્યો. એની ઘ્રાણ અને સ્પર્શન શકિતમાં એવું જાદુઈ બળ પ્રગટ્યું કે, તે એ બે ઇંદ્રિયો દ્વારા જ પાંચે ઇંદ્રિયોનું કામ લેવા લાગી. બીજી બાજુ, તેને આ બધું કાર્ય અંતરિંદ્રિય ઉપર ભાર આપીને જ કરવાનું હોવાથી, તેની એ શકિત એટલી બધી તીવ્ર ખીલેલી દેખાય છે કે, જ્યારે તે કોઈ દૃશ્ય, શ્રવ્ય કે સ્પૃશ્ય પદાર્થનું વર્ણન કરે છે અગર તેના ભાવોનું વર્ણન કરે છે, ત્યારે એ વાંચતા તે ઇંદ્રિયવિકલ છે એ ભાન ભૂલી જવાય છે. આ ઉપરાંત તેની પ્રજ્ઞાઇન્દ્રિયનો એટલો બધો વિકાસ થયો છે કે, તે દિશકાલાતીત સદાસ્થાયી ભાવોનું જ્યારે ચિત્રણ કરે છે ત્યારે તે જાણે તેનાં ઉપમા અને રૂપક આદિ અલંકારો દ્વારા કવિવર ટાગોરનું અનુગમન કરતી હોય એમ લાગે છે. પુરુષાર્થની મૂતિર્ હેલને છેવટે એ વિકાસ દ્વારા વાણીનું બંધન તો તોડ્યું જ. ઇંદ્રિયો પરસ્પર એકબીજાની શોક જેવી છે. જે જાગતી અને બળવતી તે બાકીની ઇંદ્રિયોનું સામર્થ્ય પૂર્ણપણે ખીલવામાં આડી આવે. નેત્ર સૌમાં બળવાન, એનો સંચરણ અને કાર્ય-પ્રદેશ અતિ વિશાળ. તેથી માણસ નેત્ર હોય તો તેનાથી જ કામ લે, અને સંભવ હોય ત્યાં પણ સ્પર્શન-ઘ્રાણથી કામ લેવાની માથાફોડમાં ન પડે. પણ દૈવયોગે નેત્રનું સામર્થ્ય જાય ત્યારે બધો બોજો સ્પર્શન-ઘ્રાણ ઉપર પડતાં જ તેની ગુપ્ત શકિતઓ બહાર આવી તે ઇંદ્રિયો જ નેત્રનું પ્રધાનત્વ મેળવી લે છે, અને નેત્રવાનની કલ્પનામાં પણ આવી ન શકે એવાં ચમત્કારી કાર્યો બતાવી દે છે. હેલનની સ્પર્શન ઇંદ્રિય આ વાતનો પુરાવો છે. હસ્તલેખન દ્વારા એ બધું શ્રવણકાર્ય સાધે છે. એની ત્વચા બીજા કોઈના હાથની કે મોઢાની રેખાઓ પારખી શકે છે, એ સાંભળતાં તો ભારેમાં ભારે વિચારક પણ થોડી વાર મૂંઝાય ખરો; બોલતા બીજા માણસોના હોઠો ઉપર આંગળી રાખી તેના શબ્દો ઉકેલવાના તેના ત્વચાસામર્થ્યનો વિચાર કરતાં તો હું આશ્ચર્યમુગ્ધ બની જાઉં છું. ‘પણ, પાણી, થાળ, થાળી, હાથી, હાથ’ જેવા શબ્દો ઉચ્ચારતા મારા પોતાના જ હોઠો ઉપર આંગળી મૂકી ભેદ પારખવા પ્રયત્નો કર્યા અને એ દિશામાં શૂન્યતા જ અનુભવી, ત્યારે તો હેલન એક દિવ્ય તેજરૂપે જ સામે આવી. અલબત્ત, તેજની આ મૂતિર્ના સમગ્ર આશ્ચર્યકારી વિકાસનો મૂળ આધાર-ઉપાદાન માત્ર તેનો આત્મા જ નથી. તેનો આત્મા ગમે તેવો સામર્થ્યશાળી હોત અને છતાં તેને અમેરિકાસુલભ જડચેતન સગવડ મળી ન હોત, તો એ તારો ઊગતાં જ આથમી જાત. ઇંદ્રિયખોડની નિબિડતમ બેડી છતાં જ્યારે અભ્યાસમાર્ગમાં આગળ ધપવાની હેલનને તાલાવેલી લાગે છે, તેમજ ખોડ વિનાના સહચારીઓ સાથે રહેવાની અને તેમનાથી પણ આગળ વધવાની ધૂન લાગે છે, ત્યારે જે મુશ્કેલીઓ અને જે નિરાશાઓ અનુભવાય છે, તે ઘણે સ્થળે મારી અને હેલનની એક જેવી છે. હેલને કોલેજ વાસ્તેની તૈયારી કરવાનો વિચાર કર્યો. તેની લાચાર સ્થિતિમાં જે મુશ્કેલીઓ સંભવે તેના વિચારથી હેલનના હિતૈષીઓએ એ બાબત ભારે વિરોધ કર્યો. પણ ક્યાં એ હિતૈષીનો તીવ્ર વિરોધ અને ક્યાં એનો દુર્દમ તીવ્રતર કાર્યોત્સાહ? અંતે હેલન જીતી. મારામાં અણધારી ક્યારેક કાશી જવાની ભાવના પ્રગટી. બધા જ હિતૈષીઓનો પ્રબળતર વિરોધ; પણ અંતે એ ભાવનાના તીવ્રતમ વેગે મને કાશીમાં જ જઈ પટક્યો. પરીક્ષાનો પ્રસંગ તો અમારા બંનેનો લગભગ એક જેવો છે. હેલન પરીક્ષામાં પ્રથમ બેઠી ત્યારે એને પ્રશ્નપત્ર સમજાવનાર કુશળ, ઉત્તર લખવાનો સમય પૂરતો, અને લખ્યા પછી બચત સમયમાં ભૂલ સુધારવાની નિરીક્ષકે કરી આપેલી તક; આ બધી પૂરી સગવડ. પણ પછી જ્યારે તે આગલી પરીક્ષામાં બેઠી ત્યારે સગવડનું તંત્ર અગવડમાં પરિણમ્યું અને હેલનને પરીક્ષાની ભયંકરતાનો સાક્ષાત્કાર થયો. મારી પણ એ જ દશા. કાશી ક્વીન્સ કોલેજમાં પહેલી વાર પરીક્ષા આપવા બેઠો ત્યારે લેખકની ખામીનું ફળ ભોગવવાનો પ્રસંગ આવતાં જ એક ભલા નિરીક્ષક ભટ્ટાચાર્ય એ પામી ગયા અને નવેસર સગવડ થતાં હું ઉચ્ચ ધોરણે જ પસાર થયો. પણ આગલાં વર્ષોમાં વ્યવસ્થાપક અને પરીક્ષકોની બેપરવાઈ તથા અનાવડત જોઈ મને પણ પરીક્ષાનું મૂલ્ય સમજાયું અને પરીક્ષાનો અર્ધો રસ્તો કાપ્યા પછી સંક્લ્પ કર્યો કે આજ પછી પરીક્ષા નિમિત્તે આ કતલખાનામાં દાખલ ન થવું. મને યાદ છે કે એ નિશ્ચય પછી લગભગ ચોવીસ વર્ષે હું ફરી એ ક્વીન્સ કોલેજમાં અભ્યાસક્રમ ઉપર વિચાર કરવાના ત્યાંના રજિસ્ટ્રારના આમંત્રણને સ્વીકારી એક અધ્યાપક તરીકે જ ગયો, પણ પરીક્ષ્ય વિદ્યાર્થી તરીકે નહીં. સ્કૂલ અને કોલેજના વિદ્યામય વાતાવરણમાંથી હેલન જ્યારે જ્ઞાનતૃષા શમાવે છે, ત્યારે એ પોતાની અપંગતાનું ભાન ભૂલી ચિત્ત-શકિતના એલૌકિક આનંદનો અનુભવ કરે છે ને એમાંથી જીવનકથા જેવાં મધુર ફળો પીરસે છે. મારી પણ લગભગ એ જ દશા રહી છે. બાહ્ય અને આંતરિક વિક્ષેપોના મૃત્યુને તટે લાવી મૂકે એવા સંભાર વચ્ચે મને વિવિધ શાસ્ત્રોના અભ્યાસે, ચિંતને અને લેખને જ બચાવી એલૌકિક આનંદભૂમિકા ઉપર મૂક્યો છે. કોલેજમાં યાંત્રિક રીતે શીખવતા અધ્યાપકોની શુષ્ક દોડની હેલન ટીકા કરે છે ત્યારે પણ તેને સમુદ્રમાં મીઠી વીરડી જેવા વિરલ અધ્યાપકો મળે છે, જેઓ હેલનને રસમય શિક્ષણથી તરબોળ કરી દે છે. સાંકડી અભ્યાસ—કોડમાં સતત પુરાયેલ શાસ્ત્રગાયોનાં અર્થહીન શબ્દસ્તનોમાંથી દૂધને બદલે રક્ત ખેંચી તેને દૂધ માની-મનાવી પિવરાવનાર પંડિત-ગોપો વચ્ચે મને પણ સતત શુદ્ધ દુગ્ધવર્ષી કામદુઘા જેવા વિરલ અધ્યાપક બહુ મોડે મોડે પણ મળેલા. જેમ હેલનનું માનસ વિવિધ વિષયસંચારી શિક્ષણમાં રસ લે છે, તેમ મારું માનસ પણ. પ્રમાણ અને સાધનનો ભેદ બાદ કરતાં વનવિહાર, જલવિહાર, પર્વતપર્યટન, સમુદ્રયાત્રા, પશુપક્ષીપરિચય આદિનો રસ બંનેનો સમાન જ. અલબત્ત, એનો સાઇકલ-સવારીનો તંરગ મને કદી આવ્યો નથી. પણ હું ધારું છં મારો અશ્વારોહી તરંગ એને ભાગ્યે જ થયો હશે. સમૂહમાં અને એકલાં શેતરંજ રમવાની શોધેલી એની નવી રીતે આજે પણ મારું મન લોભાયું. પુસ્તકો અને શિક્ષકો એનાં અને મારાં સમાન મિત્રો. હેલન અંતમાં લખે છું એમ, “મારી જીવનકથા મારા મિત્રોએ ઘડી છે” એ સૂત્ર મારા જીવન વિષેે પણ પૂર્ણપણે સત્ય છે. મારા પણ મિત્રોની યાદી ભારે વિશાળ અને તે પણ અનેક તેજસ્વી નામ અને ગુણના રંગોથી ભૂષિત છે. શ્રુત, પરિશીલિત અને અભ્યસ્ત વિવિધ વિષયોનાં પુસ્તકોની યાદી મારી ખંત પણ બતાવે અને કાંઈક એકાંગી જડતા પણ. હેલનને પરિચિત ધર્મગુરુઓમાં કોઈ સંકીર્ણ મનનો દેખાતો નથી. તેને જે જે બિશપ વગેરે મળ્યા છે તે બધાએ તેને અસાંપ્રદાયિક સત્યને જ માર્ગે દોરવા યત્ન કર્યો છે. મારી બાબતમાં તેમ નથી બન્યું. છેક લઘુવયથી તે બહુ મોડે મોડે સુધી આપણા દેશમાં જડ જનતાને સુલભ એવા જ અતિ સાંકડા મનના અને અંધારામાં પ્રકાશ તેમજ કૂવામાં સમુદ્ર માની બેઠેલા અનેક ધર્મગુરુઓ એક પછી એક મને મળતા જ રહેલા. છતાં તેમનાં ચરણોમાં બેસી ઝીલેલ ધર્મબોધ ઉપર ફરી વિચાર કરવાની ફરજ પડે અને આખું માનસ બદલી નાખે એવું વ્યાપક ધર્મભાન કરાવનાર ધર્મપ્રાણ પુરુષોનું પણ મારા જીવનમાં સ્થાન છે. આમ અમારા બંનેનું કૅટલંક સામ્ય છતાં એકવીસ વર્ષ જેટલી નાની ઉંમરે હેલનના—“એવી ક્ષણ હોય છે જ્યારે મને એમ લાગે છે કે શાયલોક તથા જ્યૂડા જેવા લોક અને સેતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચક્રના ભાંગી ગયેલા આરા છે અને તેઓ યોગ્ય સમયે પાછા સમારી લેવાશે”—આ વાક્યમાં મહાવીર, બુદ્ધ, ક્રાઇસ્ટ અને ગાંધીજીની જે સહજ શ્રદ્ધા અને પ્રજ્ઞાઇંદ્રિયના સ્ફુરણનું ભાન થાય છે, તે આટલી પ્રૌઢ ઉંમરે પણ સ્વાભાવિક રીતે મારા જીવનક્રમમાં મને દેખાતું નથી. અલબત્ત, આર્યાવર્તનાં વિવિધ દર્શનોના અનેક જટિલ, કંટકિલ અને ગ્રંથિલ વાદવિવાદ વચ્ચે પણ મેં તેની પારના પ્રજ્ઞામય, શાંત અને સર્વવ્યાપક ભાવનું વિસ્મરણ કદી કર્યંુ નથી. આ પુસ્તકનો અનુવાદ સ્વતંત્ર લખાણ જેવો સીધો છે. અર્થ સમજવામાં શબ્દની, વાક્યની કે તેવી જ આંટીઘૂંટી આડે આવતી નથી. અનુવાદકે મૂળગત ભાવો સ્પષ્ટ કરવા અને પોતાની નવશબ્દરચના સમજાવવા જે ટૂંકાં પણ મહત્ત્વનાં ટિપ્પણો કર્યાં છે, તે ન હોત તો અનુવાદનો આત્મા આટલો અર્થપૂર્ણ ન બનત. અનુવાદકમાં જે ભાવપૂર્ણ નવશબ્દસર્જનનું સામર્થ્ય દેખાય છે તે ગુજરાતી ભાષાના સમૃદ્ધ અભ્યુદયનું એક મહત્ત્વનું લક્ષણ છે. હું શ્રીયુત મગનભાઈ પાસે એટલી માગણી અવશ્ય કરું છું કે, તેઓ શ્રીમતી હેલનના પછીની વયના ઉત્તરોત્તર પક્વતર વિચાર તેમજ અનુભવવાળાં બાકીનાં પુસ્તકો અનુવાદિત કરે. વાચકો આ અનુવાદમાંથી જીવનરસદાયી ઘણું મેળવી શકશે. તેમ છતાં બહેનોેને તો આમાંથી ઘણું શીખવાનું મળશે. તેઓ આ અનુવાદ વાંચી એટલું તો વિચારતાં થશે જ કે, જ્યારે ત્રણ ત્રણ બંધનોના કિલ્લા પાછળ પુરાયેલ એક લઘુ બાળા એ બંધનો તોડી બહાર આવવા દૃઢ નિશ્ચય કરે છે અને અનવરત પુરુષાર્થમાં ભાન ભૂલી છેવટે અપંગપણાના સહજ બંધનની પેલી પાર રહેલા પોતાના આત્માને પ્રગટાવે છે, ત્યારે એવા એકે બંધન વિનાની તે બહેનો નિશ્ચય અને પુરુષાર્થ દ્વારા શું શું સાધી ન શકે? શિક્ષણની ઘણી માધ્યમિક સંસ્થાઓમાં પાઠ્ય તરીકે નહીં તો છેવટે આ પુસ્તક [‘અપંગની પ્રતિભા’] વાંચવાની ખાસ ભલામણ કરવા જેવું છે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]