સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/નસેનસમાં વીરતાના સંસ્કારો
અધ્યાપક ધર્માનંદ કૌશાંબીજીએ પોતાના કેટલાક ખાસ ખાસ જીવન-પ્રસંગો ‘આપવીતી’માં આલેખ્યા છે. જેણે ‘આપવીતી’ વાંચી હશે તેના ઉપર કૌશાંબીજીનાં બુદ્ધિ, પુરુષાર્થ અને ચારિત્ર્યની ઊડી છાપ પડ્યા વિના રહી નહિ હોય. હું પોતે તો કોઈપણ જિજ્ઞાસુ ભાઈ કે બહેનને વાંચવાલાયક પુસ્તકો સૂચવવાં હોય ત્યારે તેમાં ‘આપવીતી’ની પસંદગી પ્રથમ કરું છું. ‘શું કરવું? રસ્તો કોઈ સૂઝતો નથી, સહાયકો નથી,’ એવા એવા માયકાંગલા વિચાર સેવનારાઓ માટે મારી દૃષ્ટિએ કૌશાંબીજીની ‘આપવીતી’ એ પ્રેરણાદાયી ‘બાઇબલ’ બને તેવી છે.
સૌથી પહેલાં હું કૌશાંબીજીને પૂનામાં ૧૯૧૭માં તેમના મકાને મળ્યો. તે વખતે તેઓ ફરગ્યુસન કોલેજમાં પાલિના અધ્યાપક હતા. મેં તેમનું ‘બુદ્ધધર્મ આણિ સંઘ’ એ પુસ્તક વાંચેલું એટલે તેમના પ્રત્યે મારો અનન્ય આદર તો પ્રથમથી જ ઉત્પન્ન થયેલો.
કૌશાંબીજી મૂળે ગોવાના અને મહારાષ્ટ્રમાં વિશેષ રહેલા. તેઓએ બૌદ્ધ ભિક્ષુ તરીકે સીલોન, બર્મા અને ભારતમાં જીવન ગાળેલું. વિદેશમાં વિશેષે કરી અમેરિકામાં એમણે જીવન ગાળેલું એટલે પાશ્ચાત્ય રહેણીકરણીના પણ એમનામાં સંસ્કારો હતા. કોઈપણ સ્થાન કે કામને સનાતનની પેઠે ચોંટી રહેવાની તેમની પ્રકૃતિ ન હતી. નવું નવું વાંચે અને વિચારે તેમજ લાંબા વખત લગી સેવેલા સંસ્કારોને એક ક્ષણમાત્રમાં ફેંકી દેવા સુધીનો પુરુષાર્થ પણ કરે. તેમ છતાં જે કામ એમણે લીધું હોય, જેનું વચન આપ્યું હોય તે ગમે તે ભોગે પૂરું કરે. અને પોતાના કામને બને તેટલું સર્વાંગીણ તેમજ વિચારયુક્ત કરવાની કોશિશ પણ કરે.
કૌશાંબીજી પાસે બેસવું એટલે ટુચકા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સામાજિક જીવન વગેરે જ્ઞાનગંગાની અનેક ધારાઓ વચ્ચે સ્નાન કરવું; તેથી અનેક મિત્રો તેમને નોતરતા, અનેક તેમની પાસે ચર્ચા અર્થે જતા, અને તેમનાથી સાવ જુુદું દૃષ્ટિબિંદુ ધરાવનાર પણ તેમની સાથેના વાર્તાલાપ માટે લલચાતા. કૌશાંબીજી જેટલા ઉગ્રપ્રકૃતિ તેટલા જ સ્પષ્ટભાષી. એમને કાંઈ છુપાવવાનું ન હતું. ગમે તેવી વિરોધી અને સમર્થ વ્યકિતને પણ પોતાની વાત ચોખ્ખા શબ્દોમાં સંભળાવતા. લોકમાન્ય તિલકે ‘ગીતા-રહસ્ય’માં ‘ધમ્મપદ’ના એક પદ્યનો અર્થ અન્યથા કરેલો. કૌશાંબીજીએ તેમને પૂરી રીતે ઠીકઠીક પકડ્યા અને ભૂલ કબૂલ કરાવી. ત્રિપિટકાચાર્ય તરીકે પ્રસિદ્ધ શ્રી રાહુલજીએ ‘ધમ્મપદ’નો અનુવાદ કર્યો છે, જેમાં એમની મૌલિક ભૂલ રહી ગઈ છે. કૌશાંબીજીએ એમને એક વાર આડે હાથે લીધા અને રાહુલજી તેમને નમી પડ્યા તથા પોતાની ભૂલ પણ કબૂલ કરી. લખાણ, ઉચ્ચારણ, વાચન, પ્રૂફ આદિ કોઈપણ બાબતમાં પોતે સહેજ પણ ભૂલ ચલાવી ન લે. ગાયકવાડ મહારાજ સયાજીરાવ કૌશાંબીજીના અનન્ય ભક્ત. પણ એવા ચકોર, સમર્થ અને સહાયક રાજવી સુધ્ધાંને કૌશાંબીજી તેમની ભૂલો કે કુટેવો વિશે ખખડાવી નાખતા. કૌશાંબીજી મને કહેતા કે, “અમેરિકામાં ‘યંગ ઇન્ડિયા’ વાંચતો ત્યારે મને ઘણી વાર આંસુ આવી જતાં.” કૌશાંબીજીની ગાંધીજી પ્રત્યે ઠેઠ સુધી અનન્ય શ્રદ્ધા હતી. આમ છતાં કૌશાંબીજી ગાંધીજીની ટીકા કરતા, કેટલીક વાર બહુ સખતપણે પણ કરતા. ગાંધીજી ઉપવાસ અને બીજાં દેહદમનો ઉપર જે ભાર મૂકે છે તેેને કૌશાંબીજી બુદ્ધિની દૃષ્ટિએ નિહાળી અયોગ્ય લેખતા. તેઓ બૌદ્ધ હોવા છતાં બૌદ્ધ-પરંપરાની ત્રુટીઓની પણ પૂર્ણપણે ટીકા કરતા.
છેલ્લાં બે-ત્રણ વર્ષ થયાં કૌશાંબીજી જ્યારે મળતા ત્યારે એક માત્ર જીવનાન્તની જ ચર્ચા કરતા. તેઓ કહેતા કે “મેં મારું કામ પૂરું કર્યા છે. લખવાનું બને તેટલું લખ્યું છે. મળ્યા તે પાત્ર છાત્રોને શીખવવામાં પણ કચાશ રાખી નથી. છોકરા-છોકરીઓને પૂરતું શિક્ષણ આપ્યું છે અને સ્વાવલંબી બનાવ્યાં છે. તો પછી હવે વધારે જીવી મોંઘવારીમાં ઉમેરો શા માટે કરવો? અને વધારે ઘડપણ ભોગવી, બિસ્તરે પડી અનેક લોકોની સેવાશકિતનો નકામો ઉપયોગ શા માટે કરવો? તેથી હવે જીવનનો અંત કરવો એ જ મારી ચિંતાનો વિષય છે” ઇત્યાદિ. તેમના આ વિચારો સાંભળી અમે બધા પરિચિતો અકળાતા અને કહેતા કે “તમારા જીવનનો, તમારી વિચારણાઓનો રાષ્ટ્રને બહુ ખપ છે. અને ભલે તમને સિત્તેર જેટલાં વર્ષ થયાં હોય છતાં તમે અમારા કરતાં બહુ સશક્ત છો.” અને છતાંય કૌશાંબીજીની જીવનાન્ત કરવાની વૃત્તિ કેમે કરી શમી નહિ. પોતાની વૃત્તિના સમર્થનમાં જે કેટલાક આધુનિક અને પુરાતન દાખલા એ ટાંકતા તે ઉપરથી હું એટલી જ કલ્પના કરી શકતો કે કૌશાંબીજી ઘડપણનો ભાર કોઈપણ ઉપર નાખવા માગતા નથી અને પગ ઘસીને પરાણે જીવન પૂરું કરવા ઇચ્છતા નથી. તેઓ જેવી રીતે હસતે મોઢે જન્મ્યા, હસતે મોઢે આખી જિંદગી ગાળી, તેવી જ રીતે પ્રસન્ન ચિત્તે કોઈના ઉપર ભાર નાખ્યા સિવાય મૃત્યુને ભેટવા માગે છે. બૌદ્ધગ્રંથો અને બીજાં શાસ્ત્રોમાંથી તેઓ અનેક ઉદાહરણો ટાંકી મને કહેતા કે, “જુઓ! પાકું પાન ખરી પડે તે રીતે પ્રાચીન સંતો અને તપસ્વીઓ વૃદ્ધાવસ્થામાં ખરી પડતા. જીવનનો અંત બહાદુરીથી કરતા, મૃત્યુથી ન ડરતા અને કર્તવ્ય કર્યાનો સંતોષ મેળવ્યા પછી તેઓ જીવવા માટે તડફડિયાં ન મારતા. તેથી હું પણ વીરતા, સ્મૃતિ અને જાગૃતિપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છું છું.”
જીવનનો અંત કરવાની ઉગ્ર વૃત્તિએ તેમને જૈનોના ચિરપ્રચલિત સંથારાવ્રત પ્રત્યે વાળ્યા. કૌશાંબીજી કાયરતાપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છતા નહિ, તેથી તેમને તત્કાળ મરણને શરણ થવાનો સહેલો રસ્તો પસંદ ન હતો. તેમની નસેનસમાં પૈતૃક વીરતાના સંસ્કારો હતા. એ જ વીરતાને લીધે તેઓ ૧૯૩૦ની સત્યાગ્રહની લડાઈના અનુસંધાનમાં જેલવાસ પણ કરી આવેલા, એ જ વીરતાને લીધે તેમણે સારનાથની અસહ્ય લૂના દિવસોમાં એક કપડાની ઓથે બેસી ધ્યાનનો અભ્યાસ કરેલો. એ જ વીરતાને લીધે તેઓ બ્રહ્મદેશનાં જંગલોમાં ભયાનક ઝેરી જંતુઓ વચ્ચે એકલા રહી સમાધિમાર્ગનો અભ્યાસ કરવા ગયેલા. એમના પ્રત્યેક જીવનકાર્યમાં વીરતા ભારોભાર દેખાતી.
એમની વીરતાએ એમને સુઝાડ્યું કે, તું મૃત્યુને ભેટ, પણ મારણાન્તિક સંલેખના જેવી તપશ્ચર્યાના માર્ગે જ મૃત્યુને ભેટ. કૌશાંબીજીએ આવી સંલેખનાનો વિચાર તો મને બેએક વર્ષ પહેલાં જ કહેલો, પણ તેઓ તે માટે યોગ્ય સ્થાન શોધતા અને મને પણ તેવા સ્થાન માટે પૂછતા. એવા સ્થાનની પસંદગીમાં તેમની મુખ્ય શરત એ હતી કે જ્યાં તેઓ સંલેખના શરૂ કરે ત્યાં દર્શનાર્થીઓની ધમાલ ન રહે, કોઈ જાણે નહિ, અને એમની એવી પણ ઇચ્છા હતી કે મરણ પછી કોઈપણ જાતનો આડંબર કરી ધનશકિત કે જનશકિત ન વેડફવી. મને તો ત્યાં લગી કહેલું કે, મૃતશરીર બાળવા માટે કરવો જોઈતો લાકડાંનો ખર્ચ ન કરતાં તમે બધા એને જમીનમાં જ દાટજો અગર જળપ્રવાહમાં વહેવડાવી દેજો. આ વિચારો પાછળ એમને હૈયે ગરીબો પ્રત્યેની લાગણી વસેલી હતી. તેઓ ઇચ્છતા કે તેટલો ખર્ચ ગરીબોને મદદ કરવામાં થાય. તેઓ જ્યારે જીવનાન્ત નિર્ણય વિષે વાત કરતા ત્યારે જૈન-પરંપરાના મારણાન્તિક ‘સંથારા’નું હૃદયથી સમર્થન કરતા. સ્થાનકવાસી સાધ્વી રંભાકુમારીએ અનશનપૂર્વક દેહોત્સર્ગ કર્યાનો દાખલો તેમની સામે હતો. એવું અનશન કૌશાંબીજીને પસંદ હતું; પણ એવા અનશન-પ્રસંગે જે ધમાલ થાય છે, જે દર્શનાર્થીઓની ભીડ જામે છે, જે દૂર-દૂરના યાત્રીઓથી લદાયેલી ટ્રેનો આવ-જા કરે છે અને જે આગળપાછળ બેસુમાર પૈસા અવિવેકથી વેડફવામાં આવે છે તે કૌશાંબીજીને જરાય પસંદ ન હતા.
[‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]