સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/રંગરંગવાદળિયાં
રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે ઊડ્યાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે થંભ્યાં
હો મહેલના મિનારે,
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથવીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢ્યાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયાં ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં....
[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]