સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/નામ બદલાયાં છે
Jump to navigation
Jump to search
રજવાડામાં દરબારી કવિઓ અને ભાટચારણો હતા. જો કોઈ એમ માને કે એ દરબારો હવે ગયા તો એ નરી ભ્રાંતિ જ છે. એ દરબારનાં નામ બદલાયાં છે એટલું જ. હવે પ્રતિષ્ઠાનો દરબાર છે, લોકોનો પણ દરબાર છે. એને રીઝવનારો પણ લેખકોનો એક વર્ગ છે. આ આરાધના કરવા પાછળ અનેક પ્રકારની સાહિત્યેતર લાલસાઓ કામ કરતી હોય છે.
આપણો લેખક, પોતાની સગવડ ખાતર, પોતાના મોટા ભાગના વાચકોને નિરક્ષર માને છે. આ વાચકો પ્રત્યે એને અસીમ કરુણા છે. એને કશી તકલીફ ન પડે, એ કશો ક્લેશ કે આક્રોશ ન અનુભવે, એ કથાના સંમોહનમાં પરવશ થઈને લેખક જે આપે તે સુખદ જડતાથી સ્વીકાર્યે જાય, એ કશી પ્રતિક્રિયાનો ઉપદ્રવ ઊભો ન કરે એવી રીતે આપણું મોટા ભાગનું કથાસાહિત્ય રચાતું જાય છે.
[‘પશ્યન્તી’ પુસ્તક]