સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિપ્રસાદ શાસ્ત્રી/શિષ્ટ સાહિત્યનો પ્રભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આ ઘટના છે સાતેક દાયકા પહેલાંની. સંખેડા તાલુકાના કોસીંદ્રા ગામમાં શ્રી કરુણાશંકર કુબેરજી ભટ્ટ નામે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક. વડોદરાની ટ્રેનિંગ કોલેજમાં કવિ ‘કાન્ત’ પાસેથી કેળવણીની જે વિભાવના ગ્રહણ કરેલી, તેના પ્રતાપે તેઓએ સમસ્ત ગામમાં સંસ્કારની સુવાસ પ્રસારી હતી. આ સુવાસની અસર આસપાસનાં ગામોમાં પણ વરતાતી. એમાંનું એક ગામ હતું સરગૈ. આગળ જતાં શ્રી કરુણાશંકર અમદાવાદમાં શ્રી સારાભાઈ કુટુંબના મુખ્ય શિક્ષક તરીકે કામ કરવા લાગ્યા. ત્યારે પણ કોસીંદ્રાના ગ્રામજનો પોતાના આ સંસ્કારસિંચક કેળવણીકારને ભૂલ્યા નહોતા. સમય જતાં તેઓએ એમને કોસીંદ્રામાં તેડાવી એમના આદર્શને આત્મસાત્ કરતી આશ્રમશાળા સ્થાપેલી. શ્રી કરુણાશંકર ત્યાર પછી પણ અવારનવાર કોસીંદ્રાની મુલાકાત લેતા રહેતા. એવી એક મુલાકાત દરમિયાન એમના જાણવામાં આવ્યું કે બાજુના સરગૈ ગામમાં ગોરધનદાસ અને એના પુત્ર વાઘજી વચ્ચે એવો ખટરાગ થયો છે કે પિતાપુત્ર વચ્ચે બોલવાનો વ્યવહાર પણ રહ્યો નથી. આ જાણી એ કેળવણીકારના દિલમાં ભારે દુ:ખ થયું. પરંતુ એ દુ:ખથી હતાશ થઈ બેસી રહે તેવા કેળવણીકાર નહોતા. એમને ગુરુદેવ ટાગોર અને મહાત્મા ગાંધી જેવા મહાનુભાવોના શિષ્ટ સાહિત્યના પ્રભાવમાં શ્રદ્ધા હતી. ગુરુદેવનું એક બંગાળી કાવ્ય ‘કર્ણ-કુંતી સંવાદ’ તે દિવસોમાં પ્રકાશિત થયું હતું. શાંતિનિકેતનમાં ભણેલા મોહનદાસ નામે વિદ્યાર્થી ત્યારે ત્યાં હતા તેમની સાથે સરગૈ ગામે કરુણાશંકર ગયા. પહેલાં તેઓ પેલા ગોરધનદાસને ત્યાં ગયા. કરુણાશંકર એમના પરિવારના ખબરઅંતર પૂછવા લાગ્યા. એમાં વાઘજીનું નામ પડતાં ગોરધનદાસ બોલી ઊઠ્યા, “તમે એનું નામ ન દેશો. મારે એની સાથે બોલવા વ્યવહાર રહ્યો નથી.” આ સાંભળી કરુણાશંકર ચૂપ રહ્યા. દરમિયાન ગોરધનદાસ કહે, “ગુરુજી, હમણાં કોઈ સારું સાહિત્ય બહાર પડ્યું હોય, તો અમને એની વાત કરશો?” કરુણાશંકર કહે, “જરૂર. હમણાં ગુરુદેવ ટાગોરનું એક સરસ કાવ્ય બહાર પડ્યું છે.” ગોરધનદાસ કહે, “તો અમને એનો લાભ આપો ને!” કરુણાશંકર કહે, “આ મોહનદાસ શાંતિનિકેતનમાં ભણેલા છે. અમે પેલું બંગાળી કાવ્ય લેતા આવ્યા છીએ. મોહનદાસ એ બંગાળી કાવ્યમાંથી કેટલાક અંશ વાંચતા જશે ને હું એનો ભાવાર્થ ગુજરાતીમાં સમજાવતો રહીશ. પણ પહેલાં હું અડોશપડોશમાં સહુને મળી આવું. તેઓમાંથી જેમને એ સાંભળવા આવવું હોય, તેમને પણ નોતરું દેતો આવું. તમારા વાઘજીને આવવું હોય તો એને પણ કહેતો આવું.” ગોરધનદાસ કહે, “હું એને બોલાવું નહીં. એને એની મેળે આવવું હોય તો આવે. બધા વચ્ચે બેસે ને સાંભળે.” “ભલે”, કહી કરુણાશંકર અડોશપડોશમાં ગયા ને સહુને આમંત્રણ આપતા ગયા. એમ કરતાં વાઘજીભાઈનું ઘર આવ્યું, તેમને પણ ગુરુજીના આવવાથી ઘણો આનંદ થયો. કરુણાશંકરે એમને પણ ગુરુદેવના નવા કાવ્યના વાચનની વાત કરી. આ સાંભળી વાઘજીભાઈ બોલી ઊઠ્યા, “મોટે ઘેર? ત્યાં તો મારાથી ન અવાય. મારા બાપુ તો મારી સાથે બોલતાય નથી. મને એમને ઘેર પેસવા ન દે.” કરુણાશંકર કહે, “એ એવું નહીં કરે. મેં પૂછી રાખ્યું છે. તમે તમારી મેળે આવજો ને બધાની સાથે બેસી જજો.” વાઘજીભાઈ કહે, “તો તો હું જરૂર આવીશ. તમારી વાતો સાંભળવાનું કોને મન ન થાય?” થોડી વારમાં ગોરધનદાસને ત્યાં શ્રોતાઓ આવી પહોંચ્યા. એમાં વાઘજીભાઈ પણ હતા. ‘કર્ણ-કુંતી સંવાદ’નું વાચન શરૂ થયું. કાવ્ય થોડું મોટું હતું, પણ એમાંના ઉપયોગી અંશ પસંદ કરી રાખ્યા હતા. પહેલાં મોહનદાસ બંગાળી કાવ્યની થોડી પંકિતઓ વાંચે ને કરુણાશંકર એનો ભાવાર્થ ગુજરાતીમાં સમજાવે. વચ્ચે વચ્ચે કેટલુંક વિવેચન પણ કરતા રહે. પછી મોહનદાસ આગળ થોડી પંકિતઓ વાંચે ને પછી ગુરુજીનો વારો. આમ એ કાવ્યનું વાચન, એનો ભાવાર્થ, એ પરનું વિવેચન એવો ક્રમ ચાલતો રહ્યો. હવે આપણે પણ એના શ્રવણમાં સહભાગી થઈએ. કરુણાશંકર: આપણા ઘણા વિદ્યાર્થીઓ શાંતિનિકેતન ભણવા ગયા છે. ત્યાંના ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર ભારતના એક મહાન કવિ, કલાકાર અને કેળવણીકાર છે. એમણે રચેલું ‘કર્ણ-કુંતી સંવાદ’ નામે કાવ્ય તાજેતરમાં પ્રકાશિત થયું છે. એમનું આ કાવ્ય બંગાળી ભાષામાં છે. મારી સાથે આવેલા મોહનદાસ શાંતિનિકેતનમાં ભણ્યા હોઈ બંગાળી સારી રીતે જાણે છે. તેઓ પહેલા આ બંગાળી કાવ્યની થોડી પંકિતઓ વાંચશે, હું તમને એનો ભાવાર્થ ગુજરાતીમાં સમજાવતો રહીશ. આપણને સહુને મજા આવશે. શરૂ કરો, મોહનદાસ. મોહનદાસે મૂળ બંગાળીમાં વાંચવાનું શરૂ કર્યું. કરુણાશંકરે એનો ગુજરાતી સારાંશ આ રીતે આપ્યો: કર્ણ પાસે કુંતી આવે છે, ત્યારે કર્ણ પહેલાં પોતાનો પરિચય આપે છે. “પવિત્ર ગંગાને તીરે, સંધ્યા-સૂર્યની વંદના કરી રહ્યો છું. રાધાને પેટે જન્મેેલો, અધિરથ સૂતનો પુત્ર કર્ણ તે હું જ.” ને પછી કુંતીને પૂછે છે: “કહો, માતા, તમે કોણ છો?” ‘મહાભારત’માંના કર્ણની વાત તો જાણતા હશો. એને એની જનેતાની જાણ નથી. એ તો એમ જાણે છે કે, હું અધિરથ નામે સૂતનો પુત્ર છું ને મને મારી માતા રાધાએ ઉછેર્યો છે. કુંતીને ખબર હતી કે કર્ણ પોતાનો પુત્ર છે, પરંતુ કર્ણ જાણતો નહોતો કે મારી જનેતા કોણ છે. આથી એ કુંતીને પૂછે છે, “કહો, માતા, તમે કોણ છો?” કુંતી કહે છે: “વત્સ, તોર જીવનેર પ્રથમ પ્રભાતે પરિચય કરાયે છીએ તોરે વિશ્વ સાથે... બેટા, તારા જીવનના પ્રથમ પ્રભાતે મેં જ વિશ્વ સાથે તારો પરિચય કરાવ્યો હતો.” એટલે કે, મેં તને જન્મ આપી, બહારના જગતમાં આણેલો. કર્ણ વિમાસણમાં પૂછે છે, એ કેવી રીતે? તો એ સ્ત્રી સ્પષ્ટતા કરે છે: “કુંતી આમિ... હું કુંતી છું.” કર્ણ: “તુમિ કુંતી! અર્જુન—જનની!... તમે કુંતી! અર્જુનનાં માતા!” કર્ણ પોતાની જનેતાને અર્જુનનાં માતા તરીકે જ ઓળખે છે! પછી કુંતીએ એને હસ્તિનાપુરમાંની અસ્ત્ર પરીક્ષાનો પ્રસંગ યાદ કરાવ્યો. પડદા પાછળ બેઠેલી સ્ત્રીઓમાં કુંતી મૂંગી મૂંગી બેઠી હતી ને એને આશિષ આપતી હતી. કૃપાચાર્યે કર્ણને એના પિતાનું નામ પૂછ્યું ને એ રાજકુલમાં જન્મ્યો ન હોઈ એને અર્જુન સાથે યુદ્ધ કરવાના અધિકારથી વંચિત રાખ્યો. કર્ણ મૂંગો થઈને ઊભો રહ્યોે; કુંતીના અંતરમાં અગ્નિની ઝાળ લાગી! તે જ ક્ષણે દુર્યોધને કર્ણનો અંગરાજ તરીકે અભિષેક કર્યો, ત્યારે કુંતીના નેત્રમાં હર્ષનાં આંસુ આવેલાં. રંગભૂમિ પર આવી ચડેલા અધિરથને કર્ણે ‘પિતા’ તરીકે સંબોધ્યા, ત્યારે પાંડવોના મિત્રોએ કર્ણનો તિરસ્કાર કર્યો, પણ કુંતીએ એને ‘વીર’ કહી આશીર્વાદ આપ્યા. આગળ જતાં કર્ણ કહે: “પ્રણામ તમને, આર્યે. તમે રાજમાતા છો. અહીં એકલાં કેમ? આ તો રણભૂમિ છે ને હું કૌરવોનો સેનાપતિ છું.” કુંતી: “પુત્ર, મારે એક ભિક્ષા માગવાની છે, પાછી ના ઠેલતો.” કર્ણને આ સાંભળી આશ્ચર્ય થયું. કુંતી કહે, “હું તો તને લેવા આવી છું.” કર્ણ કહે, “ક્યાં લઈ જશો મને?” કુંતી કહે: “મારી તરસી છાતીમાં, માતાના ખોળામાં.” તો કર્ણ કહે: “હે ભાગ્યવતી, તમે પાંચ પાંચ પુત્રે ધન્ય થયાં છો. હું તો કુલશીલ વગરનો ક્ષુદ્ર રાજા છું. મને ક્યાં સ્થાન આપશો?” કુંતી: “સહુથી ઊચે, મારા બધા પુત્રો કરતાં પહેલો બેસાડીશ તને. તું જયેષ્ઠ પુત્ર છે.” કર્ણનો જન્મ કુંતીની કુંવારી અવસ્થામાં થયેલો, તેથી તે પાંચ પાંડવોથીય જયેષ્ઠ હતો. આગળ જતાં કુંતી કહે: “બેટા મારા, એક વાર તું વિધાતાનો દીધો અધિકાર લઈને જ આ ખોળામાં આવ્યો હતો. તે જ અધિકારપૂર્વક, ગૌરવ સાથે તું પાછો આવ. કશો પણ વિચાર કર્યા વગર ચાલ્યો આવ. બધા ભાઈઓની વચમાં આ માતાના ખોળામાં તારું પોતાનું સ્થાન લઈ લે.”...... ગોરધનદાસ તરફ જોઈ કરુણાશંકરે વચ્ચે કહ્યું: “જોયું? પોતાના પુત્ર માટે માતાપિતાનું હૈયું કેવું તલપે છે!”...... કર્ણ: “હે સ્નેહમયી, આવો, તમારો જમણો હાથ ક્ષણભર મારે લલાટે અને ચિબુકે લગાડો. આજ રાતે અર્જુનની જનનીના કંઠથી મારી માતાનો સ્નેહભર્યો સ્વર મેં શાને સાંભળ્યો? મારું નામ તેમને મુખે કેમ આટલા મધુર સંગીતથી ગુંજી ઊઠ્યું! મારું ચિત્ત એકાએક પાંચ પાંડવો પ્રત્યે ‘ભાઈ ભાઈ’ કરતું દોડી જાય છે.”...... વાઘજીભાઈ તરફ જોઈ, કરુણાશંકરે વચ્ચે કહ્યું: “જોયું? પુત્રનું મન પોતાની જનેતા અને પોતાના ભાઈઓ તરફ કેવું દોડી જાય છે!”...... કુંતી: “ચાલ્યો આવ, બેટા, ચાલ્યો આવ.” કર્ણ: “દેવી, ફરી વાર કહો કે હું તમારો પુત્ર છું.” કુંતી: “પુત્ર મારા!” કર્ણ: “તમે મને શા માટે ત્યજી દીધો હતો તે ન કહેશો. પણ મને કહો તો ખરાં કે આજે કેમ મને પાછો ગોદમાં લેવા આવ્યાં છો?” કુંતી: “મેં તારો ત્યાગ કર્યો હતો તેના શાપથી તો પાંચ પાંચ પુત્રો છાતીએ હોવા છતાં મારું ચિત્ત સદા પુત્રહીણું રહ્યું છે. મારા હાથ આખા વિશ્વમાં તને શોધતા ફરે છે.”...... કરુણાશંકર (ગોરધનદાસને): “જોયું? સગા પુત્રનો વિરહ માતાપિતાને કેવો સંતાપ આપે છે!”...... કુંતી: “તું સૂતપુત્ર નથી, રાજાનો પુત્ર છે. હે વત્સ, બધાં અપમાનોને દૂર કરી જ્યાં તારા પાંચ ભાઈઓ છે ત્યાં ચાલ્યો આવ.” પણ કર્ણ પોતાનાં પાલક માતપિતાને વફાદાર રહેવામાં મક્કમ છે. એ કહે છે: “માતા, હું સૂતપુત્ર છું ને રાધા મારી માતા છે. એના કરતાં અધિક ગૌરવ મને કશું નથી.” છતાં કુંતી તેને પ્રલોભન આપતાં કહે છે: “યુધિષ્ઠિર શુભ્ર ચામર ઢોળશે, ભીમ છત્ર ધરશે, વીર ધનંજય તારા રથનો સારથિ થશે, પુરોેહિત ધૌમ્ય વેદમંત્રો ઉચ્ચારશે. શત્રુઓને જીતીને ભાઈઓની સાથે શત્રુહીન રાજ્યમાં તું રત્નસિંહાસન ઉપર બિરાજશે.” પણ કર્ણે મક્કમતાથી કહી દીધું: “સૂતજનનીને છેહ દઈને આજે જો હું રાજજનનીને માતા કહું, કૌરવપતિ જોડે હું જે બંધનથી બંધાયો છું તેને તોડી નાખી જો હું રાજસિંહાસન ઉપર બેસી જાઉં, તો મને ધિક્કાર છે.” કુંતીને અફસોસ થાય છે કે પોતે જે ક્ષુદ્ર શિશુને અસહાય અવસ્થામાં ત્યજી દીધો હતો, તે પોતાની માતાનાં પેટનાં સંતાનોને અસ્ત્ર લઈને મારશે. તો કર્ણ એને સાંત્વન આપતાં કહે છે કે, “માતા, ભય પામશો નહીં. હું તમને કહું છું કે પાંડવોનો વિજય થવાનો છે. પાંડવો ભલે વિજયી થતા, રાજમાતા, હું તો નિષ્ફળ અને હતાશના પક્ષમાં જ રહીશ. મને એટલો આશીર્વાદ આપતાં જાઓ કે જય, યશ ને રાજ્યના લોભમાં પડીને હું વીરની સદ્ગતિથી ભ્રષ્ટ ન થાઉં.”...... કરુણાશંકર (ગોરધનદાસ ભણી જોઈ): “કહેવાય છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય.” (વાઘજીભાઈ તરફ જોઈને) “ને પુત્રના દિલમાંય વહેલીમોડી પોતાનાં માતાપિતા માટે કુદરતી સ્નેહની સરવાણી ફૂટ્યા વિના રહે?” ગુરુદેવ ટાગોરના ‘કર્ણ-કુંતી સંવાદ’ કાવ્યમાંની આ પ્રેરક-પ્રભાવક ઉકિતઓ તેમ જ તેના અનુવાદની સાથે તેમાંના મર્મ અંગે ગુરુજીએ કરેલાં વિશદ વિવેચનના પ્રતાપે, જેવું આ પઠનપાઠન પૂરું થયું કે તરત જ એક બાજુ સમારંભના યજમાન ગોરધનભાઈ અને સામેના ખૂણામાં બેઠેલા એમના પુત્ર વાઘજીભાઈ પોતપોતાના સ્થાનથી ઊભા થયા, પિતાપુત્રે ધીરે પગલે એકબીજા ભણી ડગ માંડ્યાં ને પાસે આવી તેઓ એકબીજાને ભેટી પડ્યા. અબોલા ધરાવતા પિતાપુત્રનું આ સુભગ મિલન જોેઈ સહુ શ્રોતાઓના અંતરમાં આનંદ છવાયો. કોઈ સીધો ઉપદેશ દીધા વિના, કેવલ ગુરુદેવ ટાગોરની શિષ્ટ પ્રબળ રચનાએ તેમ જ કરુણાશંકર ગુરુજીનાં માર્મિક વિવેચને પિતાપુત્ર વચ્ચેના અબોલા કાયમ માટે દૂર કરી દીધા! એવો હતો એ શિષ્ટ સાહિત્યનાં વાચન, શ્રવણ અને વિવેચનનો પ્રભાવ. [‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૫]