સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘પથિક’ પરમાર/તો ખરા!
Jump to navigation
Jump to search
ઝાંઝવાંને બાથ ભીડો, તો ખરા;
પેટમાં અજગરને પાળો, તો ખરા.
દીવડાને દૂર રાખી જ્યોતથી
અંધકારોને ઉલેચો, તો ખરા.
પાનખરને આમ હડસેલો નહીં;
શક્યતાને આવકારો, તો ખરા.
સામસામે જોઈ લેવું ઠીક છે;
ભીંત સોંસરવા નિહાળો, તો ખરા.
ચાર પળનો ચટકો ક્યાંથી પાલવે?
શ્વાસના સંબંધ રાખો, તો ખરા.
એક હોઠે સ્મિત ફરકાવો અને
એક આંખે ગમ વહાવો, તો ખરા.
દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.
[‘વિશ્વમાનવ’ માસિક : ૧૯૭૭]