સાત પગલાં આકાશમાં/૨૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૩

એક દ્વાર બંધ થાય છે ત્યારે બીજું દ્વાર ઊઘડે છે એમ કહેવાય છે, પણ એનાએ તો એક દ્વાર બંધ થતાં, બધાં દ્વાર ફટોફટ ભિડાઈ જતાં અનુભવ્યાં. તેને હતું કે આ પશ્ચિમ છે, અહીં વિચારો વધુ મુક્ત, વધુ ઉદાર, વધુ તર્કયુક્ત છે. પણ આ વાતાવરણમાં પોતાની આગવી અસ્મિતા ને સંસ્કૃતિ ક્યાંક લુપ્ત થઈ જશે એવા ભયે અહીં વસતા ભારતીયો પોતાના રીતરિવાજોને વધુ ચુસ્તપણે વળગી રહ્યાં હતાં. વિપુલના મૃત્યુ પછી તેઓ એનાને વિધવાના શોકાકુલ વેશમાં જોવાની અપેક્ષા રાખી રહ્યાં હતાં. પણ એનાએ પોતાની વેશભૂષા બદલી નહિ, ત્યારે એ લોકોને બધી માનમર્યાદા લોપાઈ જતી લાગી. ‘હાય હાય, વિધવા થઈ તોયે કેવી લાલલીલા રંગની સરસ સાડી પહેરે છે!’ ‘શનિવારે હું સુપર માર્કેટમાં ગઈ ત્યારે મેં એને રસ્તા પર જોઈ હતી. જરીના મોટા પટ્ટાવાળી સાડી પહેરીને જતી હતી.’ ‘અરે, તે દિવસે વિલાયતખાંનો સિતારનો કાર્યક્રમ સાંભળવા અમે ગયાં, ત્યારે તો એ મંગળસૂત્ર પહેરીને ત્યાં આવી હતી.’ ‘મંગળસૂત્ર?’ સાંભળનારી બધી સ્ત્રીઓને મૂર્ચ્છા આવી જતી હોય એમ લાગ્યું. ‘ખરેખર, એ હજી મંગળસૂત્ર પણ પહેરે છે?’ ‘અને કપાળે મોટો ચટક ચાંલ્લો પણ કરે છે! એને તો સહેજે ક્ષોભસંકોચ નથી!’ પોતાના વિશે થતી આ બધી વાતોની હવા કોઈક ને કોઈક દ્વારા એનાને કાને પહોંચી જતી. તેને ખૂબ ખરાબ લાગતું. હજી ગઈ કાલ સુધી આ બધાં લોકો હોંશથી તેને આવકારતાં હતાં, માન આપતાં હતાં અને પોતાની વચ્ચે એક કવયિત્રી છે એ વિશે અભિમાન લેતાં હતાં. ‘હું તો હતી તેની તે જ છું’ — એનાને થતું. વિપુલના મૃત્યુથી મને જે દુઃખ થાય તે મારી અંગત બાબત છે. એ શોકને બાહ્ય રૂપે પ્રગટ કરવો જ જોઈએ એવાં ધારાધોરણ ઘડવાં અને એ રીતે મૃત્યુ જેવી અતિ ગંભીર ઘટનાના સંબંધમાં પણ યાંત્રિક વ્યવહાર ઊભો ક૨વો, એ મૃત્યુની પવિત્રતાનું અપમાન કરવા જેવું છે. તેને લાગતું કે આ બધી બહુ સાદી-સરળ બાબત છે. કોઈ પણ માણસ, જેનું મન ખુલ્લું ને સંવેદનશીલ હોય તે સહેલાઈથી આ સમજી શકે. પણ સ્ત્રીઓ… સ્ત્રીઓનાં મન આટલાં બંધ કેમ છે? એનાનું વીમાનું કામ મુખ્યત્વે હિંદુઓ, ગુજરાતીઓ વચ્ચે જ હતું. મોં પર કોઈ કશું કહેતું નહિ, પણ તેને ખ્યાલ આવ્યો કે પહેલાં જેવો આવકાર હવે તેને મળતો નથી. એનાને માઠું લાગતું. ગુસ્સો આવતો. કંઈ કંઈ કહી નાખવા તેનું મન તલસી રહેતું. અને એક વાર એક મિત્રને ત્યાં થોડા લોકો મળ્યા હતા ત્યારે એક સ્ત્રીએ તેના વિશે સહેજ ટકોર કરતાં તે આવેગથી બોલી પડી : ‘બીજા લોકોએ શું પહેરવું ને શું નહિ એની તમે જેટલી ચિંતા કરો છો, તેનાથી અડધી ચિંતા પણ વિપત્તિમાં આવી પડેલાં મિત્રોને સહાયભૂત કેમ થવું તે વિશે કરશો તો મિત્રોને તો એથી લાભ થશે જ, તમારી પણ મનુષ્યતા ખીલશે.’ બધાં ક્ષણ વાર તો સ્તબ્ધ થઈ ગયાં. વાતાવરણ જરા તંગ થઈ ગયું. પેલી સ્ત્રીએ સહેજ ઉચ્ચ અવાજે કહ્યું : ‘આપણે સ્ત્રીઓ જ જો આપણાં રીતરિવાજ ને રહેણીકરણી નહિ સાચવીએ તો આપણા સમાજનું, આપણી સંસ્કૃતિનું શું થશે? પરદેશમાં આપણી સંસ્કૃતિ જાળવવાની શું આપણી જવાબદારી નથી?’ બધાંની નજ૨ એના પર મંડાઈ રહી. એનાથી પોતાની જાત પર કાબૂ રાખી શકાયો નહિ. તેનું ઊંચું ખુમારીભર્યું શરીર પણછની જેમ ખેંચાયું અને તેના મોંમાંથી ઝડી વરસી : ‘મને ખબર છે, વિપુલના ગયા પછી પણ મારો વેશ મેં બદલ્યો નથી તેથી તમે મારી નિંદા કરો છો. પણ હું બંગડી પહેરું કે ચાંલ્લો કરું ન કરું તેથી હું શું વધુ સારી કે ઓછી સારી થાઉં છું? એથી કરીને શું હું તમને નુકસાન કરું છું કે તમારા હિતને ઈજા પહોંચાડું છું? અલંકારો તો આપણે આપણા કલા ને સુંદરતાના શોખ માટે શોધી કાઢ્યા છે. એક સમાજ તેના બાહ્ય નિયમો, રિવાજો ને આચારો પર ટકે છે કે તેની આંતરિક નીતિમત્તા પ૨? અને આ નીતિમત્તાનો આધાર યાંત્રિક વ્યવહારો છે કે સત્યનિષ્ઠા, કરુણા, નિઃસ્વાર્થ પ્રેમ? આપણા હૃદયમાં શું સાચી લાગણી, કોઈના દુખે દુખી થવાની સંવેદના છે? કોઈનું મૃત્યુ થતાં આપણે સરસ મઝાનાં ઊજળાં ઇસ્ત્રીબંધ કપડાં પહેરી શોક પ્રગટ કરવા દોડી જઈએ છીએ, પણ આપણા દિલમાં સાચી સહાનુભૂતિનું એક ટીપુંયે હોય છે? આપણે તો સાદડીમાં એક વાર જઈ આવીએ ને દિલાસાનાં બે વેણ બોલી આવીએ, એટલે કર્તવ્ય સમાપ્ત થઈ ગયું માનીએ છીએ. મૃત્યુ પછી એ કુટુંબમાં શી તકલીફો ઊભી થઈ છે, અને એમને કોઈ મદદની જરૂર છે કે નહિ તેનો વિચાર પણ કરતાં નથી. આપણે ટીકા-નિંદા કરીએ છીએ પણ પ્રેમનો કે સહાયનો હાથ લંબાવતા નથી. આ બધો નર્યો દંભ ને દેખાવ નથી? બીજા લોકો શું કરે છે ને શું નહિ તેની પંચાત ક૨વાને બદલે આપણે થોડા ઓછા સ્વાર્થી બનીએ, થોડા વધુ પ્રેમાળ, લોકોને સમજવામાં થોડા વધુ ઉદાર ને ખુલ્લા થઈએ તો આપણાં સમાજ ને સંસ્કૃતિ વધુ મજબૂત બનશે અને આપણું પોતાનુંયે જીવન બે તસુ ઊંચું ચડશે.’ ખંડમાં ખૂબ ચણભણાટ વ્યાપી ગયો, પણ તેઓ પોતાની પ્રતિક્રિયા શબ્દોમાં વ્યક્ત કરે તે પહેલાં એના ત્યાંથી ચાલી ગઈ. આ ધડાકો કર્યા પછી હવે આ જૂથ પાસે કામ માટે કે સહજ મૈત્રીસંબંધે પણ જવાનું અસંભવિત હતું. એનાના બંડખોર વિચારોની વાતો બધે પહોંચી ગઈ હતી. પુરુષોને બહુ વાંધો નહોતો પણ સ્ત્રીઓને ગળે આ વિચારો ઊતરવાનું મુશ્કેલ હતું, નાનાં મિલનો ને ઉત્સવો માટેનાં આમંત્રણો હવે ઓછાં થવા લાગ્યાં. એનાને એની બહુ ચિંતા નહોતી, પણ આમાંના મોટા ભાગના લોકોની સાથે તેને સ્નેહ-સંબંધ હતો. પ્રસંગોપાત્ત એમાંનાં ઘણાંને તેણે નાનીમોટી સહાય કરી હતી, પણ આજ એ બધાંએ પોતાનાં હૃદય સંકોડી લીધાં હતાં. ધારો કે મારા વિચાર તેમને સ્વીકાર્ય ન હોય, પણ પોતાથી ભિન્ન વિચા૨ો હોવા છતાં સંબંધ ટકી રહે તો જ એ ખરી મૈત્રી ગણાય ને! તો શું આટલાં બધાં વરસનો આ બધાં સાથેનો ઘરોબો માત્ર ઉપરછલ્લી, નાનો-શો મતભેદ થતાં નાશ પામનારી બાબત હતી? તેનું વીમાનું કામ આ બધાં વચ્ચે જ હતું, એટલે હવે એ કામ ઓછું થવા લાગ્યું. પુરુષોની તેના પ્રત્યેની દૃષ્ટિ બદલાવા લાગી. વિપુલના જતાં તેની એકલીની કમાઈ પર જ ઘર ચલાવવાનું હતું. અને એ આવક પણ ઓછી થવા લાગી. હવે તે સાંજે ઘે૨ આવતી ત્યારે થાકેલી ને નિસ્તેજ દેખાતી. તેના મનમાં એક દ્વિધા સળવળવા લાગી. જે બન્યું અને જે બની રહ્યું છે તેમાં શું મારો વાંક છે? લોકો પરંપરા પ્રમાણે, પૂર્વજો ભૂતકાળમાં પોતાની સમજથી જે ચોકઠાં ઘડી ગયા તેમાં ગોઠવાઈને જીવે છે. સમાજથી અલગ પડી જવાના, અસ્વીકૃત થવાના ભયે, જે સાચું ને યોગ્ય લાગતું હોય તેને મનમાં ભંડારી દઈને જીવે છે. ગતાનુગતિકતાની આ જીર્ણ દીવાલો વચ્ચે ઊભાં રહી પોતે એક શંખ ફૂંક્યો છે અને થોડી ઈંટો ખરી પડી છે. મેં આ બરોબર કર્યું છે? ‘હું મૃત્યુ પામી હોત તો વિપુલને આવું કાંઈ સહન કરવું ન પડત. લાગણીને કારણે તેને દુઃખ થાત તે જુદી વાત છે, પણ સામાજિક સ્તરે તેને કશી હાનિ વેઠવી ન પડત.’ — તેના મનમાં એક કટુતા વ્યાપી જતી. ઘણી વાર હવે તે સાંજે આવી, એકલી એકલી વિચા૨ોમાં ખોવાયેલી બેસી રહેતી. જયાબહેન આ જોતાં ને તેમનું હૃદય દ્રવતું. ઊતરતા અંધારામાં વરંડામાં છાયામૂર્તિ જેવી એકલી બેઠેલી જોઈ તેમનો સ્નેહ ઊભરાઈ આવતો. અરે, મેં તો વિપુલને જ મારો આધાર માન્યો હતો, પણ તેને તો મારી પાસે શાંતિથી બેસવાની ફુરસદ જ ક્યાં મળતી? મારી જરૂરિયાતો તરફ તો એના જ ધ્યાન આપતી, તે જ મારી વાતો ને ફરિયાદો સાંભળતી. તેમના મનમાં એના વિશે એક નવી દૃષ્ટિ અને નવા ભાવનો ઉદય થયો. એ વહુ અને હું સાસુ…એવી સ્થગિત-બંધિયાર લાગણીઓમાંથી તેમનું હૃદય મુક્ત થવા લાગ્યું, સંબંધના એક નવા સૂર્યોદયથી સીંચાઈને તે વધારે જીવંત બન્યાં અને એના પ્રત્યે વધારે સ્નેહથી વહી રહ્યાં. સાસુના આ રૂપાંતરથી એનાને ઘણું બળ મળ્યું. આભા ને અગ્નિ પણ નવી આવી પડેલી પરિસ્થિતિ સમજીને એને સાથ આપતાં. પણ આર્થિક મુશ્કેલી વધવા લાગી. એના ચિંતાથી ઘેરાઈ રહી. એક દિવસ રોબ તેને મળવા આવ્યો. રોબ વિપુલનો એક નવો મિત્ર હતો. ‘એના, તારે આમ ભાંગી પડવું ન જોઈએ.’ એનાનો ઉદાસ ચહેરો જોઈને રોબે કહ્યું : ‘હજુ તો તારી ઉંમર નાની છે.’ એનાની આંખમાં ભીનાશ તારી આવી. ‘છોકરાંઓ હજી ભણે છે. મારે કેમ બધી વ્યવસ્થા કરવી તે સૂઝતું નથી.’ ‘તું શોકમાંથી બહાર નીકળીશ તો કંઈક સૂઝી આવશે. વિપુલ કાંઈ પાછો આવવાનો નથી, પણ તારે હજી જીવવાનું છે. તું આમ નંખાઈ જઈશ, તો તારો વ્યવહાર કેમ ચાલશે?’ જેમને પોતે સ્નેહ આપેલો તે લોકોએ તેને તજી દીધી હતી. તેવે વખતે પરદેશના એક અલ્પ-પરિચિત માણસના મોંએથી કાળજીનાં વેણ સાંભળી એનાનું હૃદય ભરાઈ આવ્યું. તે કૃતજ્ઞ નજરે રોબ ભણી જોઈ રહી. કદાચ એના દ્વારા નવા સંપર્કો, નવું કામ મળે. ‘અમારું એક ગ્રૂપ છે, ત્યાં આવતી જા. તારું મન હળવું થશે.’ ‘શાનું ગ્રૂપ છે તમારું?’ એનાએ પૂછ્યું. આવીશ એટલે ખબર પડશે. જરા રૂઢિ બહા૨નું છે, પણ તું કાંઈ બહુ રૂઢિચુસ્ત નથી. ત્યાં તને નવા માણસોનો પરિચય પણ થશે. તારી નિરાશા ને થાક ત્યાં ઊતરી જશે.’ એના જરા વિચારમાં પડી, પણ તેને આત્મવિશ્વાસ હતો કે અપરિચિત લોકો પર પોતાની પ્રામાણિકતા અને દક્ષતાની અસર પડશે અને તેમની પાસેથી કામ મળી રહેશે. તેણે પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું. અને એક દિવસ રોબે આગ્રહપૂર્વક તેને પોતાના ગ્રૂપની પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેણે તે સ્વીકારી લીધું.

*

શેરોલને ત્યાં પાર્ટી હતી. રોબે ઓળખાણ કરાવી. આ ક્લારા, આ લિન, આ જ્યૂડી, આ એવેલિન, આ જૉર્જ…વીસ-પચીસ જણનો સમૂહ હતો. એના એમાંના કોઈ-કોઈને અછડતાં ઓળખતી હતી. બધી જ સ્ત્રીઓ ૩૦–૩૨ ઉંમર આસપાસની હતી, આકર્ષક હતી અને પોતાને વધુ આકર્ષક બનાવવા તેમણે ઠીકઠીક મહેનત લીધી હતી. એના વીમાના કામ માટે જે થોડાંક પરદેશી ઘરોમાં જતી ત્યાં તેણે આ સ્ત્રીઓને જોઈ હતી. ત્યારે એમના મેક-અપ વગરના ચહેરા, હાથમાં કામનાં કોઈક ને કોઈક સાધનો અને આંખોમાં એક અંતહીન થાક જોઈને તેના મનમાં હંમેશા વિષાદની લાગણી જન્મતી. પણ આજે એ બધામાં જાણે આમૂલ પરિવર્તન થઈ ગયું હતું. સુંદર, કદાચ આ પાર્ટી માટે જ ખાસ ખરીદેલાં વસ્ત્રો, અલંકારો, અવનવીન કેશસજ્જા, આંખનાં પોપચાં પર રંગછાયા, ગાલ પર લાલી, ઘેરા રંગથી રંગેલા હોઠ — આ બધાંને લીધે તેઓ છટાદાર અને મોહક લાગતાં હતાં. એના ક્લારા, જ્યૂડી અને કેરોલિન પાસે જઈને બેઠી. કેરોલિને ત્રણે માટે ગ્લાસમાં બીયર રેડ્યો અને એના સામે જોયું. ‘હું ઑરેન્જ જૂસ લઈશ,’ એના બોલી અને પોતાને માટે એક ગ્લાસ લઈ આવી. ત્યાંના ગુજરાતી સમાજમાં મદ્યપાન સામાન્ય હતું, પણ એના ને વિપુલ કદી પીતાં નહોતાં. ‘શું થયું પછી તારી નોકરીનું?’ જ્યૂડીએ પૂછ્યું. ‘છોડી દીધી.’ ક્લારાએ કહ્યું. ‘મને બહુ ફાવતું નહોતું.’ ‘મને પણ મારા કામમાં “સ્ટ્રેઇન” પડે છે.’ કેરોલિને કહ્યું, ‘પણ બિલ કહે છે કે બીજું કામ ન મળે ત્યાં સુધી છોડતી નહિ.’ તે હસી, ‘તેને બીક લાગે છે કે ઘરનો બધો આર્થિક ભાર હું તેના પર નાખી દઈશ.’ ‘મને તો નોકરી કરવી ગમતી જ નથી. માથા પર ઘણો બોજ રહે છે. આવડશે કે નહિ, બીજા લોકોના જેટલી સારી રીતે કામ કરી શકીશ કે નહિ, એક વાર ટોચ પર પહોંચીશ તો પછી એ સ્થાન ટકાવી રાખી શકીશ કે નહિ — એવો અજંપો મનમાં રહ્યા કરે છે. એના કરતાં ઘરનું કામ કરવું સારું.’ જ્યૂડી બોલી અને તેણે પોતાનો ગ્લાસ ફરી ભર્યો. ‘પણ માત્ર ગૃહિણી બની ૨હેવાનું પોસાય નહિ.’ એ હસી. ‘એક જણની કમાણી પર સરખી રીતે જીવી શકાય નહિ આ મોંઘવારીમાં.’ ‘ચાર્લી ઘણું કમાય છે. એટલે હું નોકરી છોડી શકી, પણ મને ભય તો છે જ…’ ક્લારા બોલી. ‘શાનો ભય?’ એનાએ ધીમેથી પૂછ્યું. ક્લારાએ એની વાદળી સુંદર આંખો એના ૫૨ ઠે૨વી. ‘આવતી કાલે ચાર્લી મારાથી વધુ નાની, વધુ જુવાન, વધુ સુંદર સ્ત્રીના પ્રેમમાં પડે ને મને છૂટાછેડા આપી દે, તો મારું શું થાય?’ આ બધી સ્ત્રીઓ એનાની ઉંમરની જ લગભગ હતી. તેમનાં માબાપોએ તેમને સ્વતંત્ર, સ્વનિર્ભર થવાની તાલીમ નહોતી આપી. તેમને તો હંમેશાં એમ જ શીખવવામાં આવેલું કે લગ્ન પછી પતિ તમારી બધી સંભાળ લેશે, તમારે કશી ચિંતા નહિ ક૨વી પડે. યુવાન થતાં આ સ્ત્રીઓએ સિમોન દ બુવાનાં પુસ્તકો વાંચેલાં. બેટી ફ્રીદાનનું ‘ફેમિનિન મિસ્ટિક’ વાંચી, કેવળ ઘર-વ૨માં મર્યાદિત રાખવાને બદલે નવાં નવાં ક્ષેત્રમાં પોતાની શક્તિથી ઝળકી ઊઠવાનાં સ્વપ્નાં સેવેલાં. પહેલાંની પેઢીની સ્ત્રીઓએ જે રીતે જીવન વિતાવેલું તેના કરતાં જુદું, વધુ આત્મગૌરવવાળું જીવન તેમને જોઈતું હતું. સ્વતંત્ર થવા માટે તેઓ સ્વતંત્ર હતા. તેઓ ઘરના સંચાલનમાં પોતાનો આર્થિક ફાળો આપતાં હતાં, પણ અંતરના ઊંડાણમાં તેમને સ્વતંત્રતાનો ભય લાગતો હતો. પતિ કે પુરુષના ટેકા વગર તેઓ પોતાને અસલામત અનુભવતાં હતાં. પતિની એ અપેક્ષા રહેતી કે પત્નીએ પણ કમાવું જોઈએ. સિમોન દ બુવાનું પેલું પ્રસિદ્ધ વાક્ય એ બધાં જાણતાં હતાં કે : ‘સ્ત્રીઓ પુરુષનું આધિપત્ય સ્વીકારી લે છે, જેથી સ્વતંત્રપણે જીવન જીવવામાં જે સંઘર્ષ ને પરિશ્રમ કરવાં પડે છે તે ટાળી શકાય.’ ના, આ સ્ત્રીઓ પણ સ્વતંત્ર નહોતી — એનાએ વિચાર્યું. બહારના કામની તાણ અનુભવતી હતી. ઘરનું જીવન સાંકડું લાગતું હતું. સંબંધમાં સલામતી નહોતી. તેમાંનાં મોટા ભાગનાં લગ્નોમાંથી છૂટા થયેલાં, ‘સિંગલ’ હતાં. ભારતીય સ્ત્રીઓ કરતાં તેમના પ્રશ્નો જુદા હતા, પણ તેઓ પુરુષો સાથે સમાન ભૂમિકાએ જોડાયેલાં નહોતાં. હવે કોઈકે રેકર્ડ વગાડવા માંડી. વાતાવરણમાં એક માદકતા ફેલાવા લાગી. બધાંએ જ ત્રણ-ચાર પ્યાલા બીયરના પી લીધા હતા. તેમના ગોરા ચહેરા પર મસ્તીની ચમક આવી ગઈ હતી. કેસરી રંગના ડ્રેસમાં જ્યૂડીનો ગૌર દેહ પારિજાતના ફૂલ જેવો દેખાતો હતો. જૉર્જ તેને તાકી રહ્યો. કેરોલિનની આંખો એડવર્ડ પર મંડાઈ. એડવર્ડે એ જોયું ને તે આગળ આવ્યો. અનાયાસે વચ્ચેની જગ્યા ખાલી થઈ ગઈ અને કેરોલિન અને એડવર્ડ નૃત્ય કરવા લાગ્યાં. ધીમે ધીમે બધાંએ એક એક સાથીદાર શોધીને નૃત્ય કરવા માંડ્યું. એ લાવણ્યયુક્ત શરીરો, ઢળેલી પાંપણો, મૃદુ શબ્દો, હવા જ સાંભળે એવાં હાસ્યો… એના બાજુએ બેઠી બેઠી જોઈ રહી. બધાં ઉત્તેજિત હતાં. જાણે તેમને પૂરો ખ્યાલ નહોતો કે શું બની રહ્યું છે. સંગીતની લહરીઓમાં તેઓ તરતાં હતાં, ખેંચાતાં હતાં, વહી જતાં હતાં. બીજાના પતિ કે બીજાની પત્નીઓ સાથે વાત કરતાં તેમનામાં વધુ ચતુરાઈ, વધુ મોહકતા ને માધુર્ય પ્રગટ થતાં હતાં. રેકર્ડ બદલાઈ, ગીતનો લય બદલાયો, જોડીઓ બદલાઈ. હવે કોઈ કોઈનો પતિ નહોતો, કોઈ કોઈની પત્ની નહોતી. અહીં માત્ર સ્ત્રીઓ હતી ને પુરુષો હતા. અહીં હવે ફક્ત શરીરો હતાં. ઇચ્છાથી ધબકતાં, સળગતાં, રોમેરોમ તૃષિત, તૃપ્તિ શોધતાં શરીરો… એક જોડું નાચતાં નાચતાં એનાની નજીક આવી ગયું. એનાએ જોયું. પુરુષનો હાથ સ્ત્રીના હાથ પર દબાયો. એમાં એક પ્રશ્ન હતો. એક આગ્રહ હતો. સ્ત્રીએ પાંપણો ઊંચકી. એ નજ૨માં સંમતિ હતી. નાચતાં નાચતાં તેઓ બારણાં પાસે પહોંચ્યાં ને ત્યાંથી બહાર ચાલ્યાં ગયાં. ક્લારા ને રોબ નાચતાં થાકી ગયાં, એનાની બાજુમાં આવીને બેઠાં. બન્ને કોલેટને જિમ સાથે નાચતી જોતાં હતાં. ‘કેવી સરસ ગરદન છે એની!’ ક્લારાએ ઈર્ષ્યાપૂર્વક કહ્યું. ‘હાથ વીંટાળી દેવાનું મન થાય એવી!’ રોબ સ્વપ્નિલન આંખે બોલ્યો. એકાએક એનાએ પોતાના હાથ પર કોઈનો હાથ અધિકારપૂર્વક મુકાતો અનુભવ્યો. તે ચોંકી ગઈ. ક્લારા ફરી નાચવા લાગી ગઈ હતી. રોબ તેની બહુ નજીક સરી આવ્યો હતો. ‘ચાલ, આપણે નૃત્ય કરીએ.’ તેણે એનાની આંખમાં આંખ પરોવીને કહ્યું : ‘ચાલ, તારો બધો વિષાદ ધોવાઈ જશે.’ એનાએ હળવેથી પોતાનો હાથ સેરવી લીધો. ‘હું દિલગીર છું રોબ, મને નાચતાં આવડતું નથી.’ તે દૂર સરી અને તેણે ડોકું ધુણાવ્યું. ‘હું હવે જઈશ.’ તે ઊભી થઈ. ‘હું થાકી ગઈ છું. મને મોડી રાત સુધી જાગવાની ટેવ નથી.’ ‘ખરી મઝા તો હવે આવશે. હવે જ આત્મવિસ્મૃતિનો આનંદલોક ઊઘડશે. આજે બધો ભય છોડી દે, બધાં નિયંત્રણો ફેંકી દે. જીવનની મઝા માણ. થોભ, હું તારે માટે બીયર લઈ આવું…’