સાહિત્યચર્યા/સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે
ગુજરાતી સાહિત્ય પરિષદે ૧૯૯૯ના વર્ષનું ‘સચ્ચિદાનંદ સન્માન’ મને અર્પણ કર્યું એ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો હૃદયથી આભાર માનું છું અને એનો સ્વીકાર કરવામાં આનંદ અને ગૌરવ અનુભવું છું. આ સન્માન જેમના નામથી અંકિત છે તે પુરુષ અર્વાચીન ગુજરાતના એક અગ્રણી ચિંતક છે. મણિલાલ નભુભાઈથી માંડીને કિશોરલાલ મશરૂવાળાની પરંપરામાં એમણે ભારતીય સમાજ અને સંસ્કૃતિ, ધર્મ અને રાજ્ય વિશે મૌલિક વાચન-મનન-ચિંતન અને લેખન કર્યું છે. એમાં એમના આધુનિક, વૈજ્ઞાનિક માનસ અને સ્વતંત્ર મિજાજનું દર્શન થાય છે. એથી આ સન્માનનો સ્વીકાર કરવામાં વિશેષ આનંદ અને ગૌરવ અનુભવું છું. ૧૯૯૭ના વર્ષનું સન્માન ભોગીલાલ ગાંધીને અને ૧૯૯૮ના વર્ષનું સન્માન નારાયણ દેસાઈને અર્પણ થયું હતું. આ બન્ને સન્માનિત પુરોગામીઓ મારા મુરબ્બી મિત્રો છે. ભોગીલાલ ગાંધી માક્સની વિચારધારામાં અને નારાયણ દેસાઈ ગાંધીની વિચારધારામાં પ્રતિબદ્ધ છે. બન્ને માત્ર સાહિત્યકારો નથી, કર્મશીલો – activist પણ છે. એમનાં સાહિત્ય અને જીવનકાર્યમાં એમની બૌદ્ધિક પ્રામાણિકતાનું દર્શન થાય છે. નારાયણ દેસાઈમાં ગાંધી વિચારધારા પ્રત્યે એક બૌદ્ધિકની શ્રદ્ધા હતી. ભોગીલાલ ગાંધીએ તો ૧૯૫૩માં જ્યારે માક્સની વિચારધારાનું વિકૃતીકરણ થયું ત્યારે સામ્યવાદી પક્ષના સભ્યપદનો ત્યાગ કર્યો હતો. આમ, આ બે સાહિત્યકારો દ્વારા આજ પૂર્વે આ સન્માન એના પ્રારંભથી જ પ્રતિષ્ઠિત થયું છે. એથી આ સન્માનનો સ્વીકાર કરવામાં સવિશેષ આનંદ અને ગૌરવ અનુભવું છું. જેણે સત્ત્વશીલ સાહિત્યસર્જન કર્યું હોય અને એ દ્વારા સમાજમાં મૂલ્યનિષ્ઠાનું સંવર્ધન કર્યું હોય એવા સાહિત્યકારને આ સન્માન અર્પણ કરવામાં આવે છે. એક તો, આ બોલનારે ઝાઝું સાહિત્યસર્જન કર્યું નથી. થોડાંક કાવ્યો અને એથી યે થોડા વિવેચનલેખો લખ્યાં છે. બીજું, જે કંઈ સાહિત્યસર્જન કર્યું છે તે સત્ત્વશીલ છે? અને એ દ્વારા, સાહિત્યસર્જન દ્વારા સમાજમાં મૂલ્યનિષ્ઠાનું સંવર્ધન થયું છે? આ સન્માન એ આ પ્રશ્નોનો ઉત્તર આપવા માટેનું આહ્વાન છે એમ હું સમજું છું. આ સન્માનનો સ્વીકાર કરું છું એથી આ પ્રશ્નોનો ઉત્તર આપવા માટેના આ આહ્વાનનો પણ સ્વીકાર કરું છું એમ હું સમજું છું. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સુજ્ઞ સંસ્થાએ આ સન્માન મને અર્પણ કર્યું એથી એણે તો આ પ્રશ્નોનો ઉત્તર આપ્યો જ છે. મેં આ સન્માનનો સ્વીકાર કર્યો એથી મારે પણ અહીં આ ક્ષણે આ પ્રશ્નોનો ઉત્તર આપવો રહ્યો, આ આહ્વાન સ્વીકારવું રહ્યું. આ આહ્વાન હું સ્વીકારું છું. સત્ત્વશીલ સાહિત્યસર્જન એટલે શું? સત્ત્વશીલ સાહિત્યસર્જન એટલે જેમાં માત્ર સદ્ હોય એવું જ સાહિત્યસર્જન નહિ. કારણ કે જગતમાં અને જીવનમાં માત્ર સદ્નું જ અસ્તિત્વ નથી, અસદ્નું અસ્તિત્વ પણ છે અને અસદ્નું અસ્તિત્વ છે માટે જ સદ્નું મહત્ત્વ છે, અસદ્ની અનુપસ્થિતિમાં સદ્નો કોઈ અર્થ જ નથી. મનુષ્યમાત્ર સ્ખલનશીલ અને પતનશીલ છે, અપૂર્ણ અને અપર્યાપ્ત છે એથી મનુષ્યને માટે અસદ્ વિશેષ મોહક અને આકર્ષક છે. તો જે સાહિત્યસર્જનમાં સદ્ અને અસદ્ બન્નેનો સ્વીકાર હોય અને બન્નેમાંથી કોઈપણ એકની પ્રત્યે પક્ષપાત કે પૂર્વગ્રહ વિના, પુરસ્કાર કે તિરસ્કાર વિના, રાગ કે દ્વેષ વિના, ગમા કે અણગમા વિના સાક્ષીભાવે, તટસ્થભાવે બન્નેનું સમ્યક અને સમતોલ દર્શન અને વર્ણન હોય તે સત્ત્વશીલ સાહિત્યસર્જન. ફ્રેંચ વિવેચક બુફોની એક ઉક્તિ છે : ‘Le style est l’homme meme’. The style is the man himself. એનો અર્થ ‘શીલ તેવી શૈલી’ નથી, એ તો અનર્થ છે. એનો અર્થ છે ‘શૈલી તેવું શીલ’. અહીં શીલ એટલે શૈલીમાં પ્રગટ થતું, સાહિત્યસર્જનમાં, સાહિત્યિક અભિવ્યક્તિમાં વ્યક્ત થતું શીલ. સર્જકના સમગ્ર જીવનમાં વ્યક્ત થતું, સમગ્રપુરુષમાં પ્રગટ થતું શીલ નહિ અથવા સર્જકની વાણીમાં અને વર્તનમાં બન્નેમાં વ્યક્ત થતું, પ્રગટ થતું, શીલ નહિ. સર્જકની વાણીમાં, એના કાવ્યમાં જે શીલ વ્યક્ત થતું હોય તે એક સમગ્રપુરુષ તરીકેના એના વર્તનમાં, પ્રગટ ન પણ થતું હોય. આપણે ઇચ્છીએ કે વાણીમાં અને વર્તનમાં, કાવ્ય અને કાર્યમાં બન્નેમાં એ એકરૂપ વ્યક્ત થાય, પ્રગટ થાય પણ સર્જકોનાં જીવનચરિત્રો વાંચીએ ત્યારે એમનાં જીવનમાં આ ઐક્યનું, આ સમન્વયનું દર્શન થતું નથી. જીવન તેવું જ કવન અને ક્વન તેવું જ જીવન એવા અદ્વૈતનો અનુભવ થતો નથી. યેટ્સે કહ્યું છે, ‘The intellect of man is forced to choose Perfection of the life, or of the work.’ એથી જ વિવેચનમાં સર્જકનું જીવનચરિત્ર અપ્રસ્તુત છે એવો આગ્રહ હોય છે. શીલ તેવી શૈલી અથવા શૈલી તેવું શીલ એટલે સાહિત્યસર્જનમાં સંપૂર્ણતા, પૂર્ણતા માટેનો સર્જકનો પરિશ્રમ અને પુરુષાર્થ; સાહિત્યસર્જનમાં સર્જકની એકાગ્રતા, તલ્લીનતા; કામચોરી કે દિલચોરી વિનાનું સર્જન; આત્મદયા કે આત્મશ્લાઘા વિનાનું સર્જન; સાક્ષીભાવે, તટસ્થભાવે સર્જન; નિષ્કામભાવે, અનાસક્ત ભાવે સર્જન. બોદલેરે એમની એક અગ્રંથસ્થ પ્રસ્તાવનાના કાચા મુસદ્દામાં અંતે કહ્યું છે, ‘I have performed my task like a chemist or a saint, for from all things I have extracted the quintessence. You have given me your mud, I have turned it into gold.’ આવા સર્જકનું સાહિત્યસર્જન એ સત્ત્વશીલ સાહિત્યસર્જન. મૂલ્યનિષ્ઠાનું સંવર્ધન એટલે શું? જગતમાં અને જીવનમાં કોઈ એક જ મૂલ્ય નથી, અનેક મૂલ્યો છે એટલું જ નહિ, એકમેકથી ભિન્ન, વિભિન્ન એવાં મૂલ્યો છે, એકમેકથી વિશેધી એવાં મૂલ્યો છે. કોઈ એક સમાજ કે સંસ્કૃતિનું મૂલ્ય, કોઈ એક ધર્મ કે રાજ્યનું મૂલ્ય એ સ્વ-અર્થી, સ્વાર્થી મૂલ્ય હોય છે, સંકુચિત મૂલ્ય હોય છે. એ મૂલ્ય અહંથી દૂષિત અને દોષિત મૂલ્ય હોય છે. સર્જક આવા કોઈ એક મૂલ્યનો પ્રચારક નથી. સર્જક જો એના સર્જનમાં આવા મૂલ્યનો પ્રચાર કરવા જાય તો એનું સર્જન અને એનો પ્રચાર બન્ને નિષ્ફળ થાય. પ્રચારકના વેશમાં સર્જક વરવો લાગે. સાહિત્યસર્જનમાં આવું કોઈ એક જ મૂલ્ય ન હોય. સત્ત્વશીલ સાહિત્યસર્જનમાં જેમ સદ્ અને અસદ્ બન્નેનો સ્વીકાર હોય તેમ એમાં પૂર્વોક્ત સૌ મૂલ્યોનો સ્વીકાર હોય. એમાંથી કોઈ પણ એક મૂલ્ય પ્રત્યે પક્ષપાત કે પૂર્વગ્રહ વિના, પુરસ્કાર કે તિરસ્કાર વિના, રાગ કે દ્વેષ વિના, ગમા કે અણગમા વિના, તટસ્થભાવે, સાક્ષીભાવે થયેલાં દર્શન અને વર્ણન હોય. પછી સમાજમાં એમાંથી કોઈ એક મૂલ્ય પસંદ થાય, પ્રતિષ્ઠિત થાય. એનો અર્થ મૂલ્યનિષ્ઠાનું સંવર્ધન. મૂલ્યનિષ્ઠા એટલે નૈતિક પસંદગી – Moral Choice. ઑડને કહ્યું છે, ‘Poetry is not concerned with telling people what to do, but with extending our knowledge of good and evil, perhaps making the necessity of action more urgent and its nature more clear but only leading us to the point where it is possible for us to make a rational and moral choice.’ – કવિતાનું કામ મનુષ્યોને એમણે શું કરવું જોઈએ એ કહેવાનું નથી પણ મનુષ્યોનું સદ્ અને અસદ્ વિશેનું જ્ઞાન વિકસાવવાનું છે; કદાચને કર્મ કેવું હોવું જોઈએ એ સ્પષ્ટ કરવાનું અને એ કેવું તો તત્કાલ કરવું જોઈએ એનું સૂચન કરવાનું છે અને તે પણ જે બિંદુ પછી બુદ્ધિપૂર્વકની નૈતિક પસંદગી તો મનુષ્યો સ્વેચ્છાએ જ કરે તે બિંદુ લગી જ. આ નૈતિક પસંદગીનું સૂચન એ મૂલ્યનિષ્ઠાનું સંવર્ધન. મારા સાહિત્યસર્જનમાં છ કાવ્યો – ‘ઘડીક સંગ’, ‘હરિવર મુજને હરિ ગયો’, ‘મુંબઈ નગરી’, ‘હાથ મેળવીએ’, ‘પથ્થર થરથર ધ્રૂજે’ અને ‘ફરવા આવ્યો છું’ લોકહૃદયમાં સ્થાન પામ્યાં છે. કેટલાંક ગીતો અને સૉનેટોમાં વસ્તુને ઉથલાવી-ઉલટાવીને એની બીજી બાજુ જોવી-જાણવી; બે વિભિન્ન વસ્તુઓને સાથે સાથે જોડી-ગોઠવીને જોવી-જાણવી એવી એક સંકુલ સંવેદના, સૌંદર્યાનુભૂતિ અને સહાનુભૂતિ પ્રગટ થાય છે, એક ચૈતસિક દ્વિધા – metaphysical dilemma, metaphysical dialectics, metaphysical wit – પ્રગટ થાય છે તો ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં મૂલ્યો અથવા મૂલ્યોનો અભાવ વ્યક્ત થાય છે. ‘પાત્રો’ અને ‘ગાયત્રી’માં એની પરાકાષ્ઠા છે. ૧૯૪૬થી ૧૯૫૬ના દાયકામાં મુંબઈના અનુભવમાંથી ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો રચાયાં છે. એમાં નાગરિક સમાજની, નગરસંસ્કૃતિની, નાગરિકતાની, – urban society, urban civilization, urbanism –ની કવિતા છે. એટલે કે આધુનિકતાની કવિતા છે. ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોથી ગુજરાતી કવિતામાં આધુનિકતાના યુગનો આરંભ થયો એવું વિવેચકો માને છે. હવે પછીના યુગમાં વૈશ્વિકનગર અસ્તિત્વમાં આવશે. અત્યારે જ વિરાટનગરો તો અસ્તિત્વમાં આવી રહ્યાં છે. પછી જગતભરમાં એક જ સમાજ અને સંસ્કૃતિ હશે અને તે નાગરિક સમાજ અને નગરસંસ્કૃતિ, વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિ. ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો રચાયાં એ મારું સદ્ભાગ્ય છે એમ સમજું છું અને એ મારા જીવનની ધન્યતા છે એમ સમજુ છું. ભવિષ્યમાં આ કાવ્યો, મારું આ અલ્પ અને નમ્ર સાહિત્યસર્જન સમાજમાં મૂલ્યનિષ્ઠાનું સંવર્ધન કરવામાં સહેજ પણ સહાયરૂપ થશે તો એ મારું મોટું સદ્ભાગ્ય હશે અને એ મારા જીવનની પરમ ધન્યતા હશે. આ સદ્ભાગ્ય અને ધન્યતાના ભાવ સાથે આ સન્માનનો સ્વીકાર કરું છું અને ગુજરાતની ગુણજ્ઞતાને વંદન કરું છું.
(ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘સચ્ચિદાનંદ સન્માન’ પ્રસંગે પ્રતિભાવ. ૭ ઑગસ્ટ ૨૦૦૦)