સાહિત્યિક સંરસન — ૩/રમણીક અગ્રાવત

From Ekatra Wiki
Jump to navigation Jump to search



++ રમણીક અગ્રાવત ++


૧. : સ્ત્રીઓ —

એ હોય છે ત્યારે બધું જ તેની આસપાસ વહેતું હોય છે
નદીના ગુપ્ત પ્રવાહ સમી સઘળું વહાવતી ચુપચાપ
એને પણ ખબર ન હોય એમ આખ્ખાય ઘરનો ઘટાટોપ
એના દુર્બળ ખભા પર ઊંચકી એ વહેતી હોય છે.
એ વહી જાય પછી ક્યાંય વરતાતી નથી
જાણે એ કદી ક્યાંય હતી જ નહીં.
પોતાની કોઈક સમયની નક્કર હાજરીની છેલ્લામાં છેલ્લી નિશાની
પોતે જ ભૂંસી નાખી ક્યાંય વહી જાય છે
વહેતા પ્રવાહ જેવી સ્ત્રીઓ…

પગલેપગલું દબાવતી આ રહી સ્ત્રીઓ
સ્ત્રીઓ ઘરમાં હોય છે
સ્ત્રીઓ બહાર હોય છે
અહીં, ત્યાં, ચારે તરફ સ્ત્રીઓ જ સ્ત્રીઓ
હવાના લયમાં વહેતી
કશા હિલ્લોળમાં સદાય રહેતી સ્ત્રીઓ.

બાનું સરાવણું કરવા બેઠો હતો
યજમાન, માતાનું નામ લઈ જળ મૂકો
માનું નામ તો સાવ હોઠે
હજી ખોળા હેઠ જ ક્યાં ઊતર્યો છું?

નાની -માતામહીનું નામ લઈ જળ મૂકો, યજમાન
એકાદ બે ક્ષણ સ્મરણપથ પર સાવ જ સૂનકાર
નાની નાની નાની… હૈયે ચઢે નહીં ઝટ
યજમાન, કહો ગંગા જમના સરસ્વતી.
નાનીની માતાનું નામ લઈ જળ મૂકો-
વળતાં જ સંભળાય : યજમાન, બોલો ગંગા જમના સરસ્વતી

હળાહળ વાસ્તવની ગંગા અને રૂડાં સપનાંની જમના સંગે
સદા વહે ગુપ્ત સરસ્વતી : સ્ત્રીઓ
સાવ વીસરાઈ જાય સ્ત્રીઓ
ક્યાં ગયાં ગંગાફઈ?
એમણે તો સંસાર માંડયા પહેલાં જ પાછો પગ કર્યો
વાડ પર ચડ્યા પહેલાં વેલ સુકાઈ.

દાદી, મોટાં બા, બા, બહેન, ભાભી
માસી, મામી, કાકી, ફઈ, દીકરી, ભાણી, ભત્રીજી, પૌત્રી, સખી
વડસાસુ, સાસુ, પાટલાસાસુ, સાળી, સાળાવેલી
જીવનના વિવિધ વળવળોટે
ગોઠવાઈ ગઈ છે માધુર્યમૂર્તિ માતૃકાઓ
કેટકેટલી રીતેભાતે ઓળઘોળ થતી રહે સ્ત્રીઓ.
કીડીઓ કીડીઓ કીડીઓ
ઊભરાઈ ઊભરાઈ દરમાં સમાય
નામરૂપ ઓગળી ઓગળી સંબંધોમાં વિલાય
જેમ પૃથ્વીમાં સીતા સમાય.

પૃથ્વી સમી ઘૂમતી આ રહી સ્ત્રીઓ

પ્રિયજનોની વચ્ચે આમથી તેમ ભટકતી
અડી શકાય એટલે જ છેટે હોય છે હંમેશાં
પોતાની મધુરતામાં ગરકાવ.
પોતાના જ આયના સામે ઊભી રહીને
નિરખ્યા કરે પોતાને નિરંતર.
પોતાના પર હોય જાણે સાવ લુબ્ધ.
આ સ્ત્રીઓ ન હોય તો
સઘળેસઘળું બની જાય ક્ષુબ્ધ.

સ્ત્રીઓ ખરેખર તો ક્યાંય હોતી જ નથી.
એમના પોતાનામાં પણ નહીં.
વહેતો પ્રવાહ કદી ક્યાંય ટક્યો છે કે ટકશે?


૨ : વસ્તુમાળા —

વસ્તુઓ પોતાની બહાર ક્યાંય હોવાનો
દાવો કરતી નથી.
પોતાના જ વસ્તુપણામાં વ્યાપ્ત હોય છે વસ્તુઓ.
કદી પણ પોતાને જોવાની ફુરસદ
નથી હોતી વસ્તુઓને
એ કાં તો હોય છે, કાં નથી હોતી.
હોવા-ન હોવાના દ્વિધાભાવની બહાર
નીકળી ચૂકી હોય છે વસ્તુઓ.
એક વાર વસ્તુરૂપ લીધું કે
એને સદા નિભાવે છે વસ્તુઓ.
વસ્તુઓને નથી ભૂતકાળ કનડતો
કે નથી તેમને ભવિષ્યકાળ ગમતો.
સતત વર્તમાનને જ વળગેલી રહે છે વસ્તુઓ.
ઉપયોગોમાં બેઠી બેઠી
આપણને તાગતી હોય છે વસ્તુઓ.
એક વાર એને તાબે થાઓ
કે આપણને ક્યારેય છોડતી નથી વસ્તુઓ.
વસ્તુઓ ત્યારે પણ હોવાની
જ્યારે વસ્તુઓ નહીં હોય.


૩ : બારીઓ —

બારીઓ ન હોત તો
પ્રાર્થનાની જેમ ઊડતાં પંખીઓ
આપણને કદી ન સંભળાત.

બારીઓ ન હોત તો
ભેરુઓની બૂમ આપણા લગી આવતાં આવતામાં
વૃદ્ધ થઈ જાત.

બારીઓ ન હોત તો
મારી અને તમારી દીવાલ વચ્ચેનો પ્રાણવાયુ
હડેહડે ગંધાઈ ઊઠત.

બારીઓ ન હોત તો
રસ્તા પરના નમણાં દ્રશ્યો
નધણિયાતાં રહેસાઈ જાત.

બારીઓ ન હોત તો
આપણા સંબંધોમાં વસાઈ જતી હવડ ઈસ્ટાપડીઓ
ખૂલવાનું ભૂલી જાત.

બારીઓ ન હોત તો
હું ને તમે પોતપોતાના દીવાલવટામાં
હજી ય સબડતા હોત.

બારીઓ ન હોત તો
ઘર થોડાં વધુ સાંકડાં થઈ જાત
પૃથ્વી થોડી વધુ વાસી.



તન્ત્રીનૉંધ :

૧. સ્ત્રીઓ — સ્ત્રીઓ વિશે અહીં છ માર્મિક ઉક્તિઓ છે : ‘નદીના ગુપ્ત પ્રવાહ સમી સઘળું વહાવતી ચુપચાપ : એને પણ ખબર ન હોય એમ આખ્ખાય ઘરનો ઘટાટોપ / એના દુર્બળ ખભા પર ઊંચકી એ વહેતી હોય છે’ : ‘હવાના લયમાં વહેતી કશા હિલ્લોળમાં સદાય રહેતી સ્ત્રીઓ’ : ‘હળાહળ વાસ્તવની ગંગા અને રૂડાં સપનાંની જમના સંગે / સદા વહે ગુપ્ત સરસ્વતી -સ્ત્રીઓ’ : ‘પૃથ્વી સમી ઘૂમતી આ રહી સ્ત્રીઓ’ : ‘સ્ત્રીઓ ખરેખર તો ક્યાંય હોતી જ નથી. / એમના પોતાનામાં પણ નહીં’. આ દરેક ઉક્તિ વિશે વિવરણ અને અર્થઘટન થઈ શકે એવી એ સમૃદ્ધ છે. પણ એ ઉક્તિઓ કોઈ ફિલસૂફે કે સમાજવિજ્ઞાનીએ નથી આપી, કાવ્યના કથકે આપી છે, રચી છે પણ એણે જ. તાત્પર્ય, આ ઉક્તિઓ કવિતાની ભૂમિ માંથી પ્રગટી છે.

આ ઉક્તિઓના સહયોગમાં સ્ત્રીઓનાં દાદી વગેરે સમ્બન્ધસ્વરૂપો વિશે કેટલીક વાસ્તવદર્શી ઉક્તિઓ પણ સાંપડે છે : ‘જીવનના વિવિધ વળવળોટે / ગોઠવાઈ ગઈ છે માધુર્યમૂર્તિ માતૃકાઓ / કેટકેટલી રીતેભાતે ઓળઘોળ થતી રહે સ્ત્રીઓ’. કાવ્યકથક બાનું સરાવણું કરવા બેઠો હતો ત્યાં એને સ્ત્રીઓનું આ વૈવિધ્યભર્યું માતૃકા રૂપ જોવા મળ્યું છે. એટલે કે આ ઉક્તિઓ પણ એની સ્વસંવેદનભૂમિ માંથી પ્રગટી છે.

એક લાક્ષણિક સત્ય અહીં એ સમજાશે કે વર્ણનાત્મક ઉક્તિઓથી પણ કાવ્ય સરજી શકાય છે.

૨ : વસ્તુમાળા — અહીં વસ્તુઓનાં સ્વરૂપ / કાર્ય વિશે અનોખાં વર્ણન અનુભવવા મળે છે, જેમકે : ‘વસ્તુઓ પોતાની બહાર ક્યાંય હોવાનો / દાવો કરતી નથી’ : ‘હોવા-ન હોવાના દ્વિધાભાવની બહાર / નીકળી ચૂકી હોય છે વસ્તુઓ’ : ‘સતત વર્તમાનને જ વળગેલી રહે છે વસ્તુઓ’ : ‘ઉપયોગોમાં બેઠી બેઠી / આપણને તાગતી હોય છે વસ્તુઓ’. આ રચના પણ ઉક્તિવિશેષોથી રચાઈ છે. એની જન્મભૂમિ પણ કાવ્યકથકનું સર્જકસંવિદ છે.

૩ : બારીઓ — સાત કંડિકાઓમાં કાવ્યકથકે દર્શાવ્યું છે કે બારીઓ ન હોત તો શું થાત. બારીઓ ન હોત તો શું થાત -માં વધારે સર્જનાત્મક અને રસપ્રદ આ છે : ‘મારી અને તમારી દીવાલ વચ્ચેનો પ્રાણવાયુ / હડેહડે ગંધાઈ ઊઠત’ : ‘આપણાં સંબંધોમાં વસાઈ જતી હવડ ઈસ્ટાપડીઓ / ખૂલવાનું ભૂલી જાત’ : ‘ઘર થોડાં વધુ સાંકડાં થઈ જાત / પૃથ્વી થોડી વધુ વાસી’.

કાવ્યકથક એ તો સમજી જ ગયો હશે કે બધો વખત ઉક્તિઓ સરજાયા કરે તો ચેતવું જોઈશે; એ એટલો સુજ્ઞ તો વરતાય જ છે.