સાહિત્યિક સંરસન — ૪/કાગડાભૈનું ‘ક્રા’

From Ekatra Foundation
Jump to navigation Jump to search
8. કાગડાભૈનું ‘કા’

સંજય પટેલ

Sanjay Patel 1.jpg

‘મને પાંચેક દિવસ ઉપર થયા છે.’ શબ્દો કાને પડતાં જ સવારની પહેલી ચાનો પહેલો ઘૂંટડો ભરવા લંબાયેલા સમીરના હોઠ પાછા ખેંચાઈ ગયા. ચાની ચુસકી લીધા વિના પણ એ સખત દાઝી ગયો હોય એવું લાગ્યું. એ નીતા સામે માત્ર જોઈ રહ્યો. કેટલીક ક્ષણો માટે એ બંનેની આસપાસ શાંતિ છવાઈ ગઈ. આ અવકાશમાં નિતાના શબ્દોએ કાંકરી નાખીને ખાલીપો પૂર્યો. ‘સાંજે આવતી વખતે પેલું ટેસ્ટ કરવાનું લેતા આવશો?’ સમીરનું માથું કોઈ અદૃશ્ય ભારથી કે પછી પ્રશ્નના જવાબના હકારમાં પણ, ચાઇનીઝ બતકની જેમ ગરદનની ધરી પર ઝૂલી રહ્યું હતું. ચા-નાસ્તાની વિધિ ઝડપથી આટોપી તેણે ઓફિસ જવા ગાડી ચાંલુ કરી. વિચારોનો સેલ તો આજે સવારે જ વાગી ગયો હતો. ગાડી અને વિચારો બંનેએ પૂરપાટ ઝડપ પકડી લીધી હતી. “આ સ્ત્રીઓ....! શું ભૂસું ભર્યું છે દિમાગમાં? આ જિંદગી શું છોકરાં મોટાં કરવા માટે જ મળી છે? આ મોટો તો બિચારો સારો કે, ક્યાં મોટો થઇ ગયો એ ખબર જ ન પડી. ને એનેય નવ વર્ષ થયાં, અને હવે ?’ ચાર મહિના પહેલાં જ ભજવાયેલું કકળાટનું આવું જ એક દૃશ્ય પાછું એના મગજમાં ભજવાઈ રહ્યું. આ જ રીતે તે યુરિન ટેસ્ટર લઈ આવ્યો હતો. એના પર યુરિનનાં બે ટપકાં પડતાં જ ઊભરી આવેલા કોઈ દાનવના લોહિયાળ ભાલા જેવા લાલ ઊભા બે લીટા દિવસો સુધી એની આંખમાં ભોંકાયા કર્યા હતા. પછી તો એ જ દવાખાનાનો સિલસિલો ચાલ્યો, દર પંદર દિવસે, બે મહિના સુધી. પણ ચોથી મુલાકાત વખતે ડોક્ટરે ખાસ્સી વાર સુધી ચેક અપ કર્યા પછી ઊંડો શ્વાસ છોડીને સાવ ઠંડા અવાજે કહ્યું હતું ‘વિકાસ નથી’. આ શબ્દોને સમીરના કાને નહીં પણ આંખોએ ઝીલી લીધા હતા. તેણે આનંદમિશ્રિત આશ્ચર્ય વ્યક્ત કરી જરૂરી દવા કે એબોર્શનના ઉપાયો વિશે ડોક્ટરને વિગતવાર પૂછી લીધું હતું. એ પછીના બે દિવસ સુધી એ નીતાની સામે આંખ નહોતો મિલાવી શક્યો. ને ત્રીજે દિવસે નીતાનો હાથ પકડતાં જ રોકી રાખેલા આંસુઓનો બંધ તૂટી પડ્યો હતો. એ આંસુ સમીરે પહેરેલા શર્ટના સૂતરાઉ કપડામાં વિસ્તરીને રહી ગયાં હતાં. એ આંસુને સૂકવવા શબ્દોની ઉષ્માની જરૂરત નહોતી. નીતાની પીઠ પર ફરી રહેલા હાથની સાથે જ ફરીવાર આવી ભૂલ ન કરવાનો મક્કમ નિર્ધાર તેની નસેનસમાં લોહીની સાથે દોડી રહ્યો હતો. ગાડીએ લીધેલા એક વળાંકની સાથે જ તે વર્તમાનમાં પાછો ફર્યો. “સાલુ, કેટલીવાર કહ્યું કે ઓપરેશન કરાવી નાંખીએ! પણ, ના. આ એક સંતાન પછી ઓપરેશન ન જ કરાવાય એવા વણલખ્યા નિયમ કોણે ઠોકી બેસાડ્યા હશે? અને બીજા ઉપાયો પણ અનુકૂળ ન આવ્યા. પણ હવે શું?” સમીરની આંખમાં પાછા બે ઊભા લાલ કાપા ભાલાની જેમ ભોંકાઈ રહ્યા હતા. આખા દિવસની દોડધામ પછી સાંજે સાવ વાસી થઈ ગયેલા સ્મિતને હોઠની કિનારીએ લટકાવી એ પેકેટ એણે નીતાના હાથમાં મૂક્યું. રાત્રે સૂતી વખતે એક નાનકડા પ્રશ્નથી જ કામ ચલાવી લીધું, “જોયું?” નીતાએ પણ બહુ કરકસર કરીને શબ્દો વાપર્યા, “ના, સવારે ખબર પડે’ ને આ નાનકડા સંવાદે સમીર અને નીતાની વાણી એક રાત માટે છીનવી લીધી. બીજી સવારે સમીરના હોઠેથી ખેંચાતો ચાનો પ્રત્યેક ઘૂંટડો ઇચ્છિત એક સારા સમાચારના આશ્વાસનને પણ ખેંચી રહ્યો હતો, પણ એ વીસ મીનીટના અવકાશમાં કોઈ કશું બોલ્યું નહીં. ચા પૂરી કરી નીતા ઊભી થઈ. બાથરૂમ શેલ્ફ પર મૂકેલા યુરિન પ્રેગનન્સી ટેસ્ટરને લાવીને સમીરના હાથમાં મૂક્યું. સમીરને એક ક્ષણ માટે શંકા થઈ કે કોઈ ભૂલના લીધે પહેલેથી જ આ બે ઊભા લાલ કાપા અંકિત નહીં થઈ ગયા હોય ને? બીજી જ ક્ષણે એને પોતાની જાત અને આ જિવાતી જિંદગી પર સખત કંટાળો આવી ગયો. વ્યાખ્યાનોમાં કલાકો સુધી બોલ્યા કરતો સમીર સંવાદના ચાર શબ્દો શોધવા માટે ફાંફા મારી રહ્યો. એ બેચેનીભરી સ્થિતિને ટાળવા જ એણે ગમેતેમ બોલી નાખ્યું, ‘તો હવે શું કરીશું?’ નીતાએ ઢાળેલી પાંપણે જ જવાબ આપ્યો, “ તમને ઠીક લાગે એમ.” આ ‘ઠીક’ શબ્દની ઠોકર એ ઘણી વાર ખાઈ ચૂક્યો હતો. સમજાવટનું હથિયાર વાપર્યા સિવાય હવે છૂટકો નહોતો. “જો નીતા, આપણો ભઇલું હવે ચોથામાં આવ્યો, ને હવે આ બધું શોભે? એ તો ઠીક, પણ તારી ડિલવરી, મારી ઓફિસ ને ભઇલુની સ્કૂલ, આ બધું કેમ સચવાય? અને તને તો ખબર જ છે કે બીજું કોઈ આપણા માટે એક દિવસ પણ કાઢી આપે એમ છે ?” નીતાએ સામેથી આવતા શબ્દોની ગૂંચવણને જવાબમાં પ્રવેશવા દીધી નહીં ને સાવ ઠંડા કલેજે જવાબ વાળ્યો, ‘પણ એમાં હું શું કરું ?’ આ ‘શું કરું’ના જવાબમાં સમીર ઘણું કહેવડાવવા અને કરાવવા માંગતો હતો. પણ એ દૂધનો દાઝેલો .....! દરરોજ ચા-નાસ્તાની વીસ મિનિટનો સમય આજે કલાક સુધી લંબાયો. પણ એ લંબાતા જતા સમય પાસે પણ કોઈ ઉપાય હાથવગો નહોતો. ‘સારુ, સાંજે વહેલો આવું છું. ચેક-અપ માટે જઈ આવીએ.’ કહીને તે ઊભો થઈ ગયો. સાંજે ડોક્ટર સાથે થનાર વાર્તાલાપ આખો દિવસ એના માનસ પર છવાયેલો રહ્યો. ‘ડોક્ટર જ એમ કહી દે કે પાંત્રીસ વરસ પછીની ડિલવરી જોખમી ગણાય, તો?, આ ઉંમર પછી જન્મેલા બાળકને શારીરિક-માનસિક ખોડ-ખાંપણની શકયતા વધારે રહે છે, તો? ડોક્ટરના મોટાં તપાસ મશીનો સામે સવારનું એ સામાન્ય ટેસ્ટર વામણું સાબિત થાય તો? ડોક્ટર નીતાના જીવનું જોખમ બતાવે તો?’ આવા તો અનેક મનવાંછિત પ્રશ્નો એના મગજમાં આખો દિવસ ભટકતા રહ્યા. સાંજે ચેકઅપ બાદ દવાખાનાનાં પગથિયાં ઊતરતાં એના વિચારોએ ડોક્ટરને પણ આડા હાથે લીધો હતો. “સાલા...એકસો ચાલીસ કરોડની વસ્તીવાળા આ દેશમાં આવા વસ્તીવાદી ડોક્ટરો શું કામ જીવતા હશે? મને કહે છે, ‘કુદરતના ન્યાયને હસતા મોઢે સ્વીકારી લો.’ પણ એ બે-ચાર વર્ષ સુધી રડીરડીને મને હસવાનું ભુલાવી દેશે ત્યારે મને સથવારો આપવા તારો બાપ આવશે? એના લાલન-પાલન, ભણવાની ને કામધંધે લગાડવાની જવાબદારી હોસ્પિટલ ઉપાડશે? આ શકુનિએ તો મારા પક્ષમાં એકેય પાસું ન ફેક્યું. ને ઘરવાળાંઓ? એ તો વર્ષોથી ગલ નાખીને જ બેઠાં છે. સમાચાર મળતાં જ હરખ-પદુડા થઈ દોડશે ને એક જ કલાકમાં આવતા દસ મહિનાનું આયોજન ઘડી કાઢશે. ને બાપુજી તો એના જન્મ પછી કરવાની ઉજવણીઓની જાહેરાત પણ કરી નાખશે. આ સમાચાર પહોંચે એ પહેલાં જ કંઇક કરવું પડશે. પણ શું? દુનિયાભરના ચિંતકોનું જ્ઞાન આ સાંજે સમીરને નિરર્થક લાગતું હતું. અણુ-પરામાણુનાં સંભવિત ચિત્રો દોરાયાં પણ સમીરના મનમાં ચાલતા વિચારોનું ચિત્ર દોરવું મુશ્કેલ હતું. એને ઇચ્છિત એવા ચિત્રને આકાર આપવા માટે દિવસો સુધી તમામ રેખાઓને આડી, ઊભી, ત્રાંસી કરી જોઈ પણ પરિણામ શૂન્ય આવ્યું. એ ચિત્રને પરિસ્થિતિના કૂચડાને આધારે છોડી દઈ સમીરે જીવવા માંડ્યું. સતત સાડા-આઠ મહિના સુધી સેવેલી અનેક શંકા-કુશંકાઓને ખોટી પાડી સમયના શક્તિશાળી પુરુષે એને બીજા સંતાનનો પિતા બનાવ્યો. આજે તો બે મહિના પૂરા થતાં નીતા પિયરથી પોતાના ઘેર આવવાની હતી. પુત્રના જન્મ વખતે એ બે દિવસ હોસ્પિટલમાં રોકાયો હતો ને ત્યાર પછી પણ આઠ-દસ વખત મા-દીકરાને મળી આવ્યો હતો. પણ જ્યારે પણ ગયો નીતાના માથે હાથ ફેરવી સમાચાર પૂછ્યા છે. નવા-મહેમાનના ખબર-અંતર પૂછ્યા છે પણ પુત્રને ખોળામાં લઈ રમાડવાનો ઉમળકો જાગ્યો નથી. એની ને નીતાની વચ્ચે આ વિષયે બહુ વાત પણ ક્યાં થઈ છે? સાંજે ઓફિસથી આવ્યો ત્યારે નીતા નવા મહેમાન સાથે આવી ગઈ હતી. મોટો દીકરો ગાડી ઊભી રહે એ પહેલાં તો ગાડીનો દરવાજો ઉતાવળે ખોલીને સમાચાર આપી ગયો, ‘પપ્પા, ભઈલો આવી ગયો છે, ઊંઘે છે.’ ખાલી પડેલું ઘર ભરાઈ ગયું હતું. બધાં જ કામ માટે કામવાળી હતી પણ ઘરની મૂળ વ્યવસ્થામાં ઊણપ જ રહેતી. સોફા પર બેસતાં જ તે આજે અંતરથી કંઈક અલગ અનુભવી રહ્યો હતો. નીતાને બદલે મોટો દીકરો પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. સમીરે એની નોંધ લીધી ને મોટાની સમજદારી પર એને માન થઈ આવ્યું. નીતા પણ હસતાં મોઢે બાજુમાં આવી બેઠી. થોડીઘણી ઔપચારિક વાતો પછી સમીરને એકાએક સૂઝ્યું, ‘રસોઈવાળી નથી આવી?’ ‘ના, હવે તો હું જ બનાવીશ.’ ‘પણ, કેમ? તું જરા આરામ કર ને થોડા દિવસ!’ ‘હવે જરૂર નથી, બીજાં કામ કરશે એ બધાં, પણ જમવાનું તો હું જ બનાવીશ.’ ‘પણ.... એ બધું!’ “એ તો બધુંય થઈ રહેશે, એ જાગી જાય તો તમે થોડીવાર રમાડજો ને એટલામાં તો બધું ય બની જાય, વાર કેટલી ?” નીતા ઊભી થઈ રસોડાના કામમાં ગૂંથાઇ. મોટો આ નાના ભઈલા વિશે કંઇક કેટલાય પ્રકારની વાતો કરતો હતો. એને અચાનક પ્રશ્ના સૂઝ્યો, “હેં પપ્પા! તમે ભઈલાનેય મારી જેમ રોજ વાર્તા કહેશો?” ને સમીરની દૃષ્ટિ આ છેલ્લાં પાંચ-સાત વર્ષમાં રોજ રાતે એક નવી કહેલી હજારેક વાર્તાઓ પર ફરી વળી. એને થયું કે પોતે કાગડા, શિયાળ ને સસલાં પરથી ભીમ અને હનુમાનજી સુધી પહોચ્યો હતો. ફરી પાછા કાગડા, સસલાં ને શિયાળ...! હળવા હાસ્યનો એક નવો જ પ્રકાર એના હોઠ ઉપર રમી રહ્યો હતો. અંદરના રૂમમાં એક તીણા અવાજ સાથે સળવળાટ થયો તેની એણે નોંધ લીધી. એની નજર રસોડા તરફ સ્થિર થઈ. એણે જોયું કે રસોડાની ધમાલ વચ્ચે પણ નીતાએ એ અવાજ સાંભળ્યો હતો. એ ઉંહકાર સંભળાતાં જ નીતા ગેસ ધીમો કરી અંદર દોડી ગઈ. થોડીવારે એણે એ દીકરાને લાવી સમીરના ખોળામાં મૂક્યો. પગની સાઇકલ ચલાવતું એ છોકરું થોડી વાર સમીર સામે તાકી રહ્યું. પછી પેટના ભાગે થોડું જોર કરી, એણે મોઢાની રેખાઓ બદલી. મોઢામાંથી કંઈક અવાજ નીકળે એ પહેલાં તો સમીર તેને લઈને ઊભો થઈ ગયો. તેના બંને હાથ ઘોડિયું બનીને ઝૂલી રહ્યા હતા. આ ઝૂલાને શબ્દોનો સથવારો પણ સાંપડ્યો. “અલે મારો દીક્કો ! તારે વાર્તા સાંભલવી છે ? જો, જો, એક કાગ્ગાભઈ હતા... એ ચાંચમાં પુલી લઈને ઝાડ પર બેઠા’તા.... એતલામાં....” એટલામાં તો નીતા રસોડાના દરવાજે આવી સમીર સામે જોતી ઊભી હતી. સમીરની નજર પણ અચાનક નીતા પર પડી. એ ચારેય આંખો એક થઈ. નીતાની આંખો ઝીણું ઝીણું હસી રહી હતી ને સમીરનું મોં ‘કા’ બોલેલા કાગડાની ચાંચમાંથી પૂરી પડી ગયા પછી, ખૂલ્લી રહી ગયેલી ચાંચની જેમ ઉઘાડું જ રહી ગયું.

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

સન્તતિનિયમનનાં સાધનો ઉપલબ્ધ હોવા છતાં, માણસ કુદરતમાં શ્રદ્ધા સેવે અને સન્નતાનો ઈચ્છે, એ મનુષ્યસહજ રૂઢ માનસિકતામાં બદલાવ નથી આવ્યો. સંજયની આ વાર્તામાં, એક સન્તાન પછી ઑપરેશનને નકારવું એ જનમાનસમાં વસી ગયેલી માન્યતાનો ઉલ્લેખ છે. એ પણ એ જ માનસિકતા સૂચવે છે. રચનામાં, ડૉક્ટર જેવો ડૉક્ટર પણ સમીરને એ જ દિશા સૂચવે છે - ‘કુદરતના ન્યાયને હસતે મોઢે સ્વીકારી લો’.

કિંચિત્ આધુનિક વિચારો ધરાવતો સમીરને ‘વિકાસ નથી’ એમ જાણ્યા પછી આશ્ચર્યમિશ્રિત આનન્દ થાય છે, પણ એનમાં વસતો વ્યવહારુ પિતા પ્રૅગ્નન્સી કન્ફર્મ કરતા ટેસ્ટથી, બીજા સન્તાનના ઉછેરની ચિન્તાથી, કોઇ સગાંની મદદની અશક્યતા હોવાથી, ચિન્તિત અને નાસીપાસ થાય છે. સમીરના એ સમયગાળાનો રચનામાં પૂરો ચીતાર સરસ રીતે અપાયો છે, પણ એનું ધાર્યું નથી થતું, પુત્ર જન્મે છે. અને એની નિષ્ફળતાને સ્થાને હકારાત્મક પરિવર્તન શરૂ થાય છે. એણે નવા મહેમાનના ખબર-અંતર પૂછ્યા છે, ભલે એનામાં પુત્રને ખોળામાં લઈ રમાડવાનો ઉમળકો જાગ્યો નથી, પણ ક્રમે ક્રમે એ નમ્ર બન્યો છે, અને અન્તે એણે બધું સ્વીકારી લીધું છે. એ સ્વીકાર પણ એટલો જ મનુષ્યસહજ છે. જોકે, કથક પાસે વાત કરવાની સારી પડતી આવડત છે, ક્યાંક જરૂરતથી વધારે, એની નૉંધ લેવી જોઈશે. જુઓ આ દૃષ્ટાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- પહેલી ચાનો પહેલો ઘૂંટડો ભરવા લંબાયેલા સમીરના હોઠ ‘પાછા’ ખેંચાઈ ગયા. -- સમીરનું માથું કોઈ અદૃશ્ય ભારથી કે પછી ‘પ્રશ્નના જવાબના હકારમાં’ પણ, ‘ચાઇનીઝ બતકની જેમ’ ગરદનની ‘ધરી’ પર ઝૂલી રહ્યું હતું. -- કોઈ ‘દાનવના લોહિયાળ ભાલા જેવા’ લાલ ઊભા બે લીટા દિવસો સુધી એની આંખમાં ભોંકાયા કર્યા હતા. -- નીતાએ સામેથી આવતા ‘શબ્દોની ગૂંચવણને’ ‘જવાબમાં’ ‘પ્રવેશવા’ દીધી નહીં. -- અણુ-પરામાણુનાં સંભવિત ચિત્રો દોરાયાં પણ સમીરના મનમાં ચાલતા ‘વિચારોનું ચિત્ર’ દોરવું મુશ્કેલ હતું. એને ઇચ્છિત એવા ચિત્રને આકાર આપવા માટે દિવસો સુધી ‘તમામ રેખાઓને’ આડી, ઊભી, ત્રાંસી કરી જોઈ પણ પરિણામ શૂન્ય આવ્યું. એ ચિત્રને ‘પરિસ્થિતિના કૂચડાને આધારે’ છોડી દઈ સમીરે જીવવા માંડ્યું. સમીરમાં આવેલા પરિવર્તનની અવધિ છેલ્લા દૃશ્યમાં છે. એમાં ‘અલે મારો દીક્કો’ કરીને કાગડાભૈની વાર્તા કહેવા જાય, પણ એને એમ કરતાં નીતા જોઈ જાય, ચારેય આંખો એક થાય, નીતાની આંખો ઝીણું ઝીણું હસી રહી હોય, ને સમીરનું મોં ‘કા’ બોલેલા કાગડાની ખુલ્લી રહી ગયેલી ચાંચની જેમ ઉઘાડું જ રહી જાય, પૂરી પડી જાય... પણ એથી રચનાને લાભ થયો છે. એ રીતે કે કથક કાગડાભૈની જાણીતી વાર્તાનો ઉપયોગ કરીને સમીરની કથાને એક સુખદ અન્ત આપી શક્યો અને વાર્તાકાર પણ વાર્તામાંથી નીકળી શક્યા. એ સારું થયું, નહિતર, રચના જીવનના એક પ્રસંગનું રોચક નિરૂપણ બની ગઈ હોત.

= = =