સાહિત્ય પલ્લવ – ભાગ ૧/આબુનાં મંદિરો અને અનુપમાદેવી
રસિકલાલ છોટાલાલ પરીખ
ગુજરાતના સ્થાપત્યમાં આબુનાં મંદિરો સૌથી વધારે આકર્ષક છે. ભારતવર્ષના સ્થાપત્યમાં તાજમહાલ અને વસ્તુપાલનાં મંદિરો પરદેશીઓનું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. તાજમહાલ એક પ્રેમી સમ્રાટનો મૂર્ત થયેલો પ્રેમ છે; એક શહેનશાહના ખજાના જેટલો એની પછવાડે ખરચ થયેલો છે. આબુનાં મંદિર બે પોરવાડ ભાઈઓએ બંધાવેલાં છે. એમાં તીર્થંકરની ‘શુકલધ્યાન‘ની ભાવના મૂર્ત કરવા અઢળક ધન ખરચાયું છે. પણ એની કારીગરી, લોકો કહે છે, અઢળક ધન ખર્ચ્યે પણ સિદ્ધ થાય એવી નથી. કલા અને કલાકારોનો પ્રેમી જ એવી કારીગરી સિદ્ધ કરાવી શકે. આ ઉદારતા અને આ કલાપ્રેમનો પાઠ શીખવનાર એક સ્ત્રી હતી. તેનું નામ એ કુશળ પ્રધાનો જેટલું પ્રસિદ્ધ નથી. એ દેવીનું નામ — અનુપમાદેવી, અને તે તેજપાલની ધર્મપત્ની હતી.
૧
ગુજરાતના મંત્રીઓ થયા એ પહેલાં, અઢળક ધનના દાતા થયા એ પહેલાં, એક વાર બંને ભાઈઓ કુટુંબ સાથે સોરઠ તરફ તીર્થયાત્રા કરવા નીકળ્યા; ઘરમાં જે કાંઈ ધન હતું તે બધું સાથે લઈ લીધું. રસ્તામાં હડાળા ગામ આગળ મુકામ કર્યો. ત્યાં માલૂમ પડ્યું કે સોરઠમાં જોઈએ તેવી શાન્તિ નથી. સાંજે તે વાણિયાઓએ વિચાર્યું કે બધું ધન સાથે લઈ જવું ઠીક નથી. ભવિષ્ય માટે થોડુંક ધન ક્યાંક દાટીને જઈએ તો ઠીક. બંને ભાઈઓ લક્ષ્મી ગણવા બેઠા. ત્રણ લાખ દામ થયા. તેમાંથી એક લાખ લઈ રાતે દાટવા નીકળ્યા. ઝાડની નીચે ધન દાટવા જમીન ખોદતા હતા ત્યાં નીચેથી સોનાનો ભરેલો એક ઘડો પ્રકટ થયો. ધન દાટવા જતાં કોકનું દાટેલું ધન હાથમાં આવ્યું, એટલે બંને ભાઈઓ વિચારમાં પડી ગયા કે હવે શું કરવું? તેઓએ નાના ભાઈ તેજપાળની પત્નીની સલાહ લેવા વિચાર કર્યો. સરસ્વતીના જેવી, ઉદાર અને તાત્ત્વિક બુદ્ધિ આપનારી, સદા માન્ય અનુપમા નામની દેવીને પૂછવા લાગ્યા. બધો વૃત્તાન્ત જણાવ્યો, અને પૂછ્યું : ‘હવે અમારે આ ધનનું શું કરવું? હે મનસ્વિની! પરિણામમાં ગુણવાળી સલાહ આપ.’ અનુપમાદેવીએ વાણિયાઓને માર્મિક વચન કહ્યું : ‘દ્રવ્યઉપાર્જનથી થયેલા રજોભારથી જાણે (રજના ભારથી અને પાપના ભારથી) અધોગતિને પામવાની ઇચ્છાવાળા પોતાનું બધું નીચે નાખે છે – જમીનમાં દાટે છે.’ આ વચનથી બન્ને ભાઈ પોતે જે કરવા ગયા હતા તે કામ કહ્યું હતું તે બરાબર સમજી ગયાં હશે. પછી દેવી આદેશ આપે છે: ‘માટે જગતની દૃષ્ટિમાં ઉચ્ચ પદવીની સ્પૃહા હોય તેવાઓએ તો ઉચ્ચ સ્થાને પોતાના ધનને સ્થાપવું જોઈએ.’ અનુપમાએ ઉચ્ચત્વનો પાઠ આપ્યો. બન્ને ભાઈઓએ સ્વીકાર્યો — જીવનભર એનું પાલન કર્યું. તાત્કાલિક પરિણામ શત્રુંજય અને ગિરિનાર ઉપર મંદિરોમાં આવ્યું.
ર
બંને ભાઈઓ ગુજરાતના મહામંત્રીઓ બની ગયા છે. પોતાની બુદ્ધિ અને પોતાના શૌર્યથી આખા ગુજરાતને એક તંત્ર નીચે આણ્યું છે. અકુણ્ઠિત ઉદારતાથી સર્વસંપ્રદાયોના વિરોધ-કલહ દૂર કરાવ્યા છે. પોતે ‘દાઢીવાળી સરસ્વતી’ બિરુદ પ્રાપ્ત કર્યું છે. અને સરસ્વતીના પુત્રોને અપ્રતિમ ઉદારતાથી પોષ્યા છે. સર્વ પ્રકારની લૌકિક ઋદ્ધિને પ્રાપ્ત કરી છે; અનુપમાની આજ્ઞાનું પાલન સર્વથા સફળ થયું છે. આ સ્થિતિમાં એક વાર નાગેન્દ્રગચ્છના સૂરિએ આવી અર્બુદગિરિનું માહાત્મ્ય ગાયું: ‘આ ગિરિરાજ શ્રીજૈનશાસનમાં અને શૈવશાસનમાં વિશેષતઃ પ્રખ્યાત છે; અને વિવિધ ઋષિઓએ એ સેવ્યો છે,’ ઇત્યાદિ. છેવટે નાગેન્દ્ર મુનિ કહે છે, ‘રૈવતાચલ જેવું આ ગિરિ ઉપર નિર્માણ કરેલું ચૈત્ય સ્થિરાતલ ઉપર એટલે પૃથ્વીતલ ઉપર સ્થિર સ્થાયી થશે.’ વસ્તુપાલે મનમાં વિચાર્યું, ‘અમે ચાર ભાઈ હતા. તેમાંથી બે તો નાનપણમાં જ દેવલોક પામ્યા. તેમાં મલ્લદેવના શ્રેય અર્થે તો શત્રુંજયગિરિ ઉપર અષ્ટાપદ સરખું અષ્ટાપદ મંદિર બંધાવ્યું છે. પણ લૂણિગના શ્રેય માટે કાંઈ ‘કીર્તન’ કરાવ્યું નથી.’ આબુ ઉપર મંદિર બંધાવવાનો વસ્તુપાલ વિચાર કરે છે. નાનાભાઈ તેજપાલ મંત્રીને બોલાવ્યો, અને પોતાનો વિચાર જણાવ્યો. તેજપાલે અનુમોદન આપ્યું. અને નેમિનાથનું ચૈત્ય બંધાવવાનો બંને ભાઈઓએ ઠરાવ કર્યો. તેજપાલ ચંદ્રાવતીના રાજા પાસે સહાય માગવા તુરત જ ઊપડ્યો.
૩
મંદિર બાંધવાનું કામ શરૂ થઈ ગયું છે, કારીગરો ઉપર દેખરેખ રાખવા ઉદા નામના વાણિયાને નીમ્યો છે. સર્વ વૃત્તાન્ત તેજપાલે આવી વસ્તુપાલને જણાવ્યો. વસ્તુપાલે કસોટીના પથ્થરની નેમિનાથની મૂર્તિ બનાવી તેજપાલ સાથે આબુ મોકલી. ઘણા દિવસોથી કામ ચાલતું હતું પણ હજી ફક્ત ગર્ભમંડપ તૈયાર થયો હતો. તેનું કારણ ઉદાને પૂછ્યું. ઉદાએ કહ્યું: ‘દેવ, આ સૂત્રધારોને હું તો અનેક વાર પ્રેર્યા કરું છું. પણ થોડીક વારમાં બધા થાકી જાય છે. અને કામમાં જરાયે ઉતાવળ કરતા નથી; અને હઠથી આગળથી પૈસા લઈ દામને વેડફી નાખે છે.’ ‘દામને વેડફી નાખે છે,’ એ ‘શ્રુતિકટુ’ શબ્દો સાંભળી સચિવે કહ્યું : ‘ચૈત્ય કરવા માટે નીમેલા લોકોના ઉપકારમાં આવતાં કામ અનેક ગણાં વધે છે, માટે આ સ્થપતિઓને યથારુચિ દામ આપવાં; કેમ કે વિવેકીઓએ ધર્મકાર્યમાં ઉદાર વૃત્તિવાળા રહેવું જોઈએ. લક્ષ્મી તો દીપશિખાની જેમ સ્નેહ (સ્નેહ — અને તેલ), દશાગુણ (દશાના ગુણ — દિવેટ) સર્વનો નાશ કરી ફક્ત મેશ રહેવા દઈ નાશ પામે છે.’ પણ કામ જલદી થાય તેનો ઉપાય તો કરવાનો હતો. એ ઉપાય અનુપમાદેવીએ કર્યો; એક વાર — તેજપાલ પૂજાની તૈયારીમાં હતો તે સમયે — ‘ચતુરાઈમાં સરસ્વતી સમી’ અનુપમાએ કારીગરોની કામમાં મંદતા જોઈ મુખ્ય સ્થપતિ ‘શિલ્પીઓના અગ્રેસર શોભન’ને બોલાવી કહ્યું : ‘જો આ એક સ્તંભ ઊંચો કરતાં તમને આટલો વિલંબ થયો તો આ પર્વત ઉપર ચૈત્ય ક્યારે તૈયાર થશે? ધર્મની તો પ્રાજ્ઞો ત્વરિત ગતિ કહે છે. અને દેહધારીઓની ભાવી ક્ષણ કેવી છે તે કોણ જાણે છે? લક્ષ્મી અને આયુષ્ય બન્ને ચંચલ છે. માટે વિવેકીએ પુણ્યકાર્ય, સ્વજન્મ સફળ કરવા, વિના વિલંબે કરવું જોઈએ; અને અધિકારીએ તો ખાસ કરીને.’ શોભને જવાબ આપ્યો : ‘સ્વામિનિ! આ પર્વત દેવોને પણ ચઢતાં કઠણ પડે એવો છે. અહીંયાં જે ઉગ્ર શીત પડે છે તેથી સવારનું કામ અટકી જાય છે; અને હિમથી શીતલ વાયુ મર્મ વીંધી નાખે છે. બપોરે બધા સ્થપતિઓ પેટ ભરવા માટે રાંધવાના કામમાં પડી જાય છે. જમ્યા પછી જ્યાં કામ શરૂ કરીએ છીએ કે સાંજે વિષરૂપ ઠંડી પડવા માંડે છે. વળી ખોરાકમાં શાક અને દૂધ મળતાં નથી. એટલે શરીરમાં શક્તિ પણ જોઈએ તેવી રહેતી નથી. આથી પર્વત ઉપર થોડું થોડું કામ થાય છે. સામગ્રી સિવાય ધનથી પણ કાર્યસિદ્ધિ થતી નથી.’ આ બંનેમાં આમ વાત ચાલતી હતી ત્યાં તેજપાલ આવી પહોંચ્યો અને શોભનને પૂછ્યું : ‘ભાગ્યશાળી અનુપમાદેવી તમને શું કહે છે?’ તેજપાળે બધી હકીકત જાણી અને પત્નીની સલાહ માગી. અનુપમાએ મુદિત થઈ કહ્યું; ‘દિવસે અને રાતે જુદા સ્થપતિઓ નીમો. બધા શિલ્પીઓને અમૃતસમાં સર્વદા યથારુચિ ભોજન જમાડો. તેઓને નાહવાધોવા અને આરામ લેવાની સગવડ કરવા જુદા જુદા માણસોની ગોઠવણ કરો. દુનિયામાં આ રીતે જ ધર્મકૃત્યો થાય છે; શાથી જે સર્વે સંતોષ મળતાં કામમાં ઉત્સાહવાળા થાય છે.’ ‘કાન્તાનો કાન્ત ઉપદેશ’ સાંભળી મંત્રીએ તે પ્રમાણે બધી વ્યવસ્થા કરી. આબુનાં મંદિરો કોણે બંધાવ્યાં? આબુનાં મંદિરો અનુપમાદેવીએ બંધાવ્યાં. આબુનાં મંદિરોમાં અનુપમાદેવીની મહાનુભાવના મૂર્ત થાય છે. ઉદારતાનો – ધન ખર્ચવાનો – પ્રથમ પાઠ અનુપમાએ એ ભાઈઓને શીખવ્યો. શિલ્પીઓને સંતોષી કામ લેવાનો પાઠ પણ અનુપમાએ આપ્યો. જે ગુર્જર દેશમાં આવી સ્ત્રીઓ હોય ત્યાં ધર્મ અને કલા કેમ વૃદ્ધિ ન પામે?
સ્વાધ્યાય