સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કૃતિ-પરિચય

‘સાહિત્ય પલ્લવ’ને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાહિત્યરસિકોના હાથમાં મૂકતાં અમને આનંદ થાય છે. આ પુસ્તકનું સંપાદન અમે શિક્ષક તરીકે કર્યું છે. અમારે જો વિદ્યાર્થીને શીખવવાનું હોય તો આપણા સાહિત્યમાંથી તેમની સમક્ષ અમે કઈ કૃતિઓ રજૂ કરીએ તેનો ખ્યાલ આ સંગ્રહમાંથી આવી શકશે. આમાંના કેટલાક પાઠ વિદ્યાર્થીઓ સમક્ષ એ રીતે અમે રજૂ પણ કરી જોયા છે, અને તે ઉપરથી મળેલા અનુભવે અમારી પસંદગીમાં અમને સારી સરખી મદદ કરી છે.

આ સંપાદન અમે વિદ્યાર્થી તરીકે પણ કર્યું છે એમ કહીએ તો કોઈ આશ્ચર્ય ન પામે. અમે આ કક્ષાના વિદ્યાર્થી હતા ત્યારે અમને આવી આવી વસ્તુઓ મળી હોત તો? – એ દૃષ્ટિ પણ અમારા ખ્યાલ બહાર ન હતી.

કવિતાની જેમ ગદ્યમાં પણ જુદા જુદા ગદ્યપ્રકારોનો વિદ્યાર્થીને પરિચય કરાવવાની દૃષ્ટિ રાખી છે. જુદી જુદી જાતના નિબંધો, નવલકથા, નવલિકા વગેરેના સૂક્ષ્મ પ્રકારો, સંવાદ, નાટકો આદિ વીણી વીણીને નમૂનાઓ ભેગા કર્યા છે. કલા-દર્શનને પણ અમે આ પુસ્તકનું એક મહત્ત્વનું અંગ લેખ્યું છે. એમાં આપણા ઘરઆંગણે ખીલી રહેલી કલાથી માંડી સદીઓ પહેલાંની આપણી ભવ્ય સંસિદ્ધિઓ અને મહાન આંતરરાષ્ટ્રીય કલાકૃતિઓ અમે રજૂ કરી છે.

શિક્ષકનું કામ અમે કરી આપ્યું એવો આરોપ વેઠીને પણ પ્રત્યેક પાઠની આગળ નોંધ આપી છે. દૂર કસબાઓમાં શિક્ષકો પાસે પૂરતાં સાધન હોતાં નથી, એટલે માત્ર પુસ્તકોમાંથી પાઠ કાપી કાઢી ભેગા કરી છપાવી દઈને હાથ ધોઈ નાખવાનો માર્ગ અમને ઠીક લાગ્યો નથી. ઉપરાંત સાહિત્યરુચિ અને ભાષાજ્ઞાનની દૃષ્ટિએ તે તે પાઠ વિષે અમારે શું કહેવાનું છે તે ચોરી રાખવું પણ અમે પસંદ કર્યું નથી. છતાં અમે માનીએ છીએ કે ૯૦ ટકા કામ તો હજી શિક્ષકને માટે બાકી જ છે. સામાન્ય રીતે ‘સાર્થ જોડણીકોશ’માં ન મળી શકે તેવા અને વિશેષ અર્થમાં વપરાયેલા શબ્દોના જ અર્થ આપ્યા છે. સ્વાધ્યાયમાં પણ ઘણુંખરું પાઠ તરફ કઈ દૃષ્ટિએ જોઈ શકાય છે તે સૂચવવા જ પ્રયત્ન કર્યો છે.

આ સંગ્રહ શિક્ષકની મદદ વિના વાંચવા ઇચ્છતા વિદ્યાર્થીઓથી માંડી, એક બાજુ ઓછાં સાધનવાળી ગામડાંની શાળાઓ અને બીજી બાજુ શહેરોની અનેક સગવડ ભોગવતી સારાં પુસ્તકાલયોવાળી શાળાઓના વર્ગોમાં જ નહિ, પણ ગુજરાતી સાહિત્યમાં રસ લેતા વાચનના શોખીનોને પણ ઉપયોગી થઈ પડશે, એવી અમારી આશા છે.

સ્નેહરશ્મિ
ઉમાશંકર જોશી
(સંપાદકોના નિવેદનમાંથી સંકલિત)