સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કૃષ્ણલાલ શ્રીધરાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૃષ્ણલાલ શ્રીધરાણી

[‘પૂજારી’ કાવ્યમાં ઈશ્વર પૂજારીને પૂજાનો મર્મ સમજાવે છે. સાચી પૂજા કઈ? ઘંટ વગાડવો, ફૂલમાળા અર્પવી, ધૂપ કરવો એ સાચી પૂજા છે? એ પ્રશ્નનો જે ઉત્તર છે તેમાં જ આ કાવ્યનું હાર્દ રહેલું છે. આ ભાવનું રવિબાબુનું એક અતિ પ્રખ્યાત કાવ્ય ગીતાંજલિમાં છે, જેનું ધ્રુવપદ છે : ‘તે (ઈશ્વર) ત્યાં છે જ્યાં દીન, હીન, દલિત, પીડિત, અછૂત રહે છે.’ ‘પૂજારી’માં એ જ ભાવનો પડઘો છે. ગરીબ અને શ્રમજીવીના જીવન પ્રત્યે સહાનુભૂતિ અને સમભાવનાં આપણા સાહિત્યમાં જે પ્રતિબિમ્બ પડી રહ્યાં છે તેને આ એક વધુ નમૂનો છે. ‘સર્જક શ્રેષ્ઠ આંગળાં’માં આપણા દેશની એક અતિ કરુણ કથા આલેખાઈ છે. ઢાકાની મલમલ જેવા અતિ બારીક કાપડ વણનાર આપણા કારીગરોએ પોતાના અંગૂઠા કાપી નાખ્યા હતા, તે અતિ કમકમાટી-ભરી કથા છે. તે કથાને અહીં કવિએ અસરકારક રીતે ગૂંથી છે. પ્રસંગને અનુરૂપ વાતાવરણ કવિએ ઊભું કરી છંદ પણ એ વાતાવરણને વેગ આપે એવો પસંદ કર્યો છે. આ ઘટના માટે સૂર્યાસ્તની વેળા પસંદ કરી કવિએ ઘણું ઔચિત્ય વાપર્યું છે. સન્ધ્યા જે અનેક અર્થની સૂચક છે તે તો એમાં આવી જ જાય છે, પણ તે સાથે સંધ્યાકાળ જે ગંભીરતા અને વાતાવરણની ઘેરાશ સૂચવે છે તે પણ એમાં આવે છે, અને આ પ્રસંગ પણ એવો જ ગંભીર અને ગમગીન છે ને! સૂર્યાસ્તના વર્ણનમાં કવિએ સજીવારોપણ અલંકારનો ઉપયોગ કર્યો છે.]