સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ખર્ચાળ કરકસર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ખર્ચાળ કરકસર

આજે એક પાઈ ઘણા વખતથી મારી પાસે પડી રહી હતી તે મેં એક ભિખારીને આપી. ભિખારીએ તિરસ્કારથી એ પાઈ પાછી વાળતાં કહ્યું, ‘શેઠ, પૈસો હોય તો આપો.’ પાઈનું હવે મૂલ્ય રહ્યું નથી — ભિખારીઓને પણ પાઈની કિંમત નથી. નાનપણમાં હોળીમાં અમે ચકલેથી પસાર થનાર પાસે ‘કાકા! હોળીની પાઈ!’ કહી પાઈની માગણી કરતા. હવેના હોળૈયાઓ, હોળૈયા મટી કાકા થયેલા મારા જેવા પાસે ‘કાકા, હોળીનું દોઢિયું!’ કહી પૈસાની માગણી કરે છે. રૂપિયાનું મૂલ્ય વધ્યું કે ઘટ્યું, વેપારમાં મંદી આવી એ શા કારણે, ઇત્યાદિ અર્થશાસ્ત્રના પ્રશ્નો તજ્ઞો માટે રહેવા દઈ આપણે એટલું તો કહી શકીએ કે મોંઘવારી સોંઘી થઈ છે, સોંઘવારી મોંઘી થઈ છે. હિંદુસ્તાન સમૃદ્ધ થતું જાય છે એમ માનનારાઓ માટે આ સારા સમાચાર નથી એ ખરું, પણ આવી બાબતમાં સત્યને આપણે જોવા ન માગીએ તોયે એ આપણને પોતાની જાત દેખાડ્યા વિના રહેતું નથી. વસ્તુસ્થિતિ આવી હોવાથી ને એ લાંબો વખત રહે એવો સંભવ હોવાથી, કરકસર કરવી એ આજનો યુગધર્મ થઈ પડ્યો છે. અને જે જે યુગમાં પ્રજાનો જે વિશિષ્ટ ધર્મ થઈ પડે છે તે તે યુગની પ્રજાને તે યુગધર્મનું જ્ઞાન થતાં બીજો એક યુગ નીકળી જાય છે, ને તે સમયે એ યુગધર્મ બદલાઈ ગયેલો હોય છે. પરંતુ આ બાબતમાં તેમ થયું નથી એ આનંદની વાત છે. સાહિત્યકારો ભલે પોતાનો સંદેશો લોકહૃદયમાં પહોંચાડી નહિ શકતા હોય, નેતાઓ ભલે લોકનું સાચું પ્રતિનિધિત્વ નહિ મેળવી શકતા હોય, ચિત્રકારો ભલે લોકદીવાલો પર પોતાનાં ચિત્રો નહિ ટંગાવી શકતા હોય, ગવૈયાઓ ભલે લોકઓરડામાં પોતાની મહેફિલ નહિ જમાવી શકતા હોય, પરંતુ કરકસરનો યુગધર્મ જેણે પ્રબોધ્યો હશે તે તો લોકગજવાના ને લોકતિજોરીના ઊંડામાં ઊંડા તલ સુધી પહોંચી ગયો છે, એ નિ:સંશય છે. લોકોએ પોતાના ખર્ચ ઉપર સજડ કાપ મૂક્યો છે. નાટક કંપનીઓએ દેવાળાં કાઢ્યાં છે; સિનેમાના ભાવ ગગડી ગયા છે; મોટી મોટી વેપારી કંપનીઓને પોતાના વાર્ષિક ‘સેલ’ની સંખ્યામાં વધારો કરવો પડ્યો છે; મેં મારે ખર્ચે ચા પીવા જવાનું કમી કર્યું છે; એ સૌ આ કાપના આડકતરા કે સીધા પરિણામરૂપ છે. સામાન્ય રીતે લોકનો અવાજ સરકારને સંભળાતો નથી. કવચિત્ સંભળાય છે તો તે વિકૃત રૂપે. લોકોનો આર્તનાદ એને આનંદના આલાપ જેવો સંભળાય છે; લોકોની ઉત્કંઠાભરી માગણી એને સંતોષના સ્વાભાવિક ઉદ્ગાર જેવી સંભળાય છે; લોકોનો વિરોધનો પોકાર એને સંમતિના સૂચન જેવો સંભળાય છે, અને આમ થાય એ સ્વાભાવિક છે; કારણ કે સરકાર સામાન્યત : કાને જરા બહેરી હોય છે અને લોકો પ્રાયશ : નિર્બળ અવાજના હોય છે. મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું. એ સદ્ગૃહસ્થની બીજી બધી ઇંદ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી. તે દિવસે હવામાં શરદી હતી. ગળે પડવાની ટેવ બીજાં બધાં કરતાં શરદીને વધારે હોય છે એ જાણીતું છે, અને તેમાંયે મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે. એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી – કંઠ બેઠેલો ને મગજ તપેલું - એવી કંઈક મારી સ્થિતિ હતી. હું એ સદ્ગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઊતરી ગયેલો હતો; અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા.અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો : મને આવકાર આપતાં એ સદ્ગૃહસ્થ બોલ્યા : ‘ઓહો! આજ કંઈ આ તરફ? કેમ તબિયત તો સારી છે ને?’ ‘આપનું જરા કામ હતું. તબિયત મઝામાં છે, જરા શરદી થઈ છે; બાકી બીજી બધી રીતે કુશળ છું.’ ‘મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ તો જરા નહિ જેવાં સળેખમ ને ઉધરસ થયાં છે. તમારે જોવા આવવાની - અહીં સુધી આવવાની - તસ્દી લેવા જેવું કંઈ નથી.’ મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતાં મેં કહ્યું, ‘હવે કેમ છે? દવા બવા તો કરો છો ને?’ ‘હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવાફેર જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને?’ ‘કૉફીનો પણ અત્યારે વાંધો નથી.’ ‘કૉફીનો દાક્તર વાંધો લે છે? ઠીક ત્યારે, કોકો?’ મોઢેથી બોલીશ તો ચા અને કૉફીની પેઠે કોકોયે ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી, ને આખરે અમારે માટે કોકો મુકાયો. ‘આ ઘર તમને ફાવે છે કે નહિ?’ મેં પૂછ્યું. ‘વર? સુલોચના (એમની પુત્રી) માટે વર હજી શોધ્યો નથી. હજી નાની છે. શી ઉતાવળ?’ આ પ્રમાણે દવાને બદલે હવા ને ઘરને બદલે વર સાંભળનાર સાથે શી વાત થાય? જે કામની વાત કરવા હું આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું, અને તેથી પત્ર લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કરી થોડી ઘણી આડીઅવળી વાત, અલબત, ઉપર પ્રમાણે જ — કરીને મેં આખરે કહ્યું, ‘હવે રજા લઉં?’ ‘અરે! મારા મહેરબાન! એમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ! ઊલટો આનંદ થયો. આપણી વાત સાંભળનારા ને સાંભળે તોયે સમજનારા છે કેટલા?’ ‘બહુ ઓછા’ હું મનમાં બોલ્યો ને મૂંગે મોંએ એમની રજા લઈ ચાલતો થયો. ‘મારી સાસુએ એમ કહ્યું જે કોડમાં દીવો મેલ, મેં ભોળીએ એમ જાણ્યું જે સોડમાં દીવો મેલ.’ એ જાણીતા લોકગીતમાંનાં સાસુ-વહુ પણ આ જ પ્રમાણે એક નિર્બળ કંઠની અને બીજી બહેરી હશે. બીજી બધી બાબતમાં સરકારની ને પ્રજાની સ્થિતિ ઉપર્યુક્ત સદ્ગૃહસ્થ ને મારા જેવી અથવા લોકગીતમાંનાં સાસુ-વહુ જેવી થાય છે; પરંતુ કરકસર કરવાની બાબતમાં સરકાર અને પ્રજા વચ્ચે ઐકમત્ય છે. પ્રજાની પેઠે સરકારે પણ કરકસરની નીતિ શરૂ કરી દીધી છે. આવક વધારવી ને ખર્ચ ઓછો કરવો એ મહાસિદ્ધાંતનો અમલ કરવાની એણે તૈયારી કરી છે. નવા કર નંખાયા તે પહેલાં મને ચિન્તા થતી હતી કે હવે સરકાર શી રીતે પોતાની આવકમાં વધારો કરી શકશે. મારી આવક વધારવાના અનેક નિષ્ફળ પ્રયત્નોના અનુભવે કોઈ પણ પોતાની આવક વધારી શકે એ વિષે મને હંમેશ સન્દેહ રહેતો. ‘કર નાખીને સરકાર આવક વધારશે,’ મારા એક મિત્રે મને કહ્યું. ‘હવે કર શેના ઉપર નાંખશે?’ મેં પૂછ્યું. ‘પેલા રાજાની વાત ખબર નથી? બધી વસ્તુ ઉપર કર નાંખ્યા પછી કંઈ રહ્યું નહિ, ત્યારે એણે ચાલતા લોકો પાસેથી પૈસા લેવા માંડ્યા. ‘હાથ હિલાનેકા પૈસા દો’ કહી ચાલતો માણસ હાથ હલાવે તેના પણ એણે પૈસા ઉઘરાવવા માંડ્યા.’ ચાલતાં ચાલતાં હાથ હલાવવા એ સ્વાભાવિક છે. છતાં એને એક જાતની મોજ ગણી શકાય, અને વાર્ષિક હજાર રૂપિયાની આવક ઉપર આવકવેરો નાંખનારી સરકારે ચાલતી વેળા હાથ હલાવવાની ક્રિયા પર લક્ઝરી-ટેક્સ લાગુ નથી પાડ્યો તે, હું ધારું છું કે, એણે ઉપર્યુક્ત રાજાની વાત સાંભળી નહિ હોય તેમાં જ હશે. ખર્ચ ઘટાડવાની બાબતમાં કેટલાક લોકો સરકારે લીધેલા પગલા વિષે ટીકા કરે છે; ખર્ચ ક્યાં ને શી રીતે કમી કરવો તે માટે કમિટી નીમી પહેલાં પુષ્કળ ખર્ચ કર્યો; પછી ૫૦-૧૦૦ સુધીના કારકુનો કમી કરી ૨૦૦૦ના પગારદારોની કેટલેક સ્થળે નિમણૂક કરી. લશ્કરનો ખર્ચ કમી થઈ શકે ત્યાં ન કરતાં ઊલટો વધાર્યો, ઇત્યાદિ ઇત્યાદિ. પણ કરકસરનો વિષય જ એવો છે કે એમાં ભલભલા છક્કડ ખાઈ જાય. હું પોતે પણ એક વાર એમાં સજ્જડ ગૂંચવાયો હતો, તો બિચારી સરકારનું તો ગજું જ શું? કરકસરનું મોજું એક વેળા ફરતું ફરતું અમારી ઑફિસમાં આવી ગયું જે મારા પગારને સ્પર્શી ગયું. આથી મારે ખર્ચમાં કાપકૂપ કરવાનો વખત આવ્યો. મેં ઘરના માણસોની મંડળી સમક્ષ આ વાત મૂકી. મારા ભાઈએ કહ્યું, ‘તમે ઓફિસે જવાઆવવાનું ટ્રામને બદલે ચાલતા રાખો તો દર મહિને રૂા. ૩-૮-૦ નો બચાવ થાય.’ મારાં ધર્મપત્નીએ સૂચના કરી, ‘તમે વાળ હજામ પાસે કપાવો છો તેને બદલે હાથે જ કાપવાનું રાખો તો?’ ચાનો ત્યાગ કરનારા મારા એક મિત્રે મને ચા છોડી દેવાનું સૂચવ્યું. એક બીજા મિત્રે કપડાંનો ખર્ચ કમી કરવાનું ને બને તો એક જ ધોતિયે વરસ ખેંચી કાઢવાનું તથા રાતે ટુવાલ પહેરીને સૂવાનું સૂચવ્યું!: આ બધી સૂચનાઓનો એકસામટો અમલ કરવો અઘરો લાગ્યાથી મેં દરેકનો - ટુવાલ પહેરીને સૂવા સિવાયની દરેક સૂચનાનો – વારાફરતી અમલ કરી જોવા ધાર્યું. પહેલાં ઑફિસે ચાલતા જવા આવવાનું શરૂ કર્યું. બેએક દિવસ તો ઠીક ચાલ્યું. પણ પછી રસ્તે ચાલતાં ચાની સુવાસથી મઘમઘી રહેતાં રેસ્ટોરાંઓને વટાવી જતાં મારું હૃદય ઝાલ્યું ન રહેતું. એકાદ બે રેસ્ટોરાંઓ સામે નજર પણ નાખ્યા વગર હું ચાલ્યો જતો; પણ મુંબઈમાં કંઈ બે ત્રણ જ રેસ્ટોરાં છે? ત્રીજા ચોથા આગળ જરા અંદર નજર કરી ચાલ્યો જતો, પણ છઠ્ઠે કે સાતમે રેસ્ટોરે, સાતમે કોઠે અભિમન્યુનું થયું તેમ, મારું પતન થતું. દરરોજ આનો બચાવું છું તો એક દહાડો ચા પાછળ આનો ખર્ચું તેમાં ખોટું નહિ એમ ધારી, મેં ચા પીવાની શરૂઆત કરી. થોડા દિવસ પછી થયું કે દરરોજનો આનો નહિ, પણ જવાઆવવાના મળી બે આના બચાવું છું એટલે કોઈક કોઈક દહાડો સાંજનું વર્તમાનપત્ર પણ ખરીદ કરું તો શું ખોટું? આ ઉપરાંત રસ્તે એકદમ પડતર ભાવે મળી જતી વસ્તુઓ જોઈને તે ખરીદ કરી લેવાનું મન થતું, અને કોઈક વિરલ પ્રસંગે મન ઉપર કાબૂ રાખી શકાતો, પણ ઘણી વાર તો એવી વસ્તુઓ ખરીદ કરવી જ પડતી. આમ માસિક સાડા ત્રણ રૂપિયાનો બચાવ કરી મેં દશ રૂપિયાનો ખર્ચ વધાર્યો! અંતે આ પાણીએ વાલ નહિ ચડે એમ ધારી ચાલતા જવા-આવવાની યોજના પડતી મૂકી, એક ચા ઓછી કરવાનો પ્રયોગ અજમાવ્યો. ચાનો પ્રયોગ તો બહુ કઠિન પડ્યો. ચાને વખતે ચા ન મળે ત્યારે શું થાય છે એ હું કેમ વર્ણવી શકું? ઘણી વાર મગજ અકળાઈ જાય છે ત્યારે ખાલી હવાને પેટ ભરીને ગાળ દીધાથી સંતોષ થાય છે, એ મારા અનુભવની વાત છે. પણ ચા ન મળે ત્યારે તો ગમે તેટલી ગાળ દીધે પણ સંતોષ નથી થતો. આમ છતાં થોડા દિવસ મેં ચા વગર ચલાવ્યું. પછી ચાને બદલે કૉફી લેવા માંડી અને છેવટે ચા કરતાં કૉફી મોંઘી છે એમ માલૂમ પડવાથી પાછી ચા શરૂ કરી. સામાન્ય રીતે હું ખોરાક ઓછો જ લઉં છું, છતાં ખોરાકમાંયે કંઈક ઘટાડો કરવાનો અખતરો મેં કર્યો. ભીંડા, પાપડી, પરવળ વગેરે શાકનો મોહ છોડી માત્ર મૂળા ને ભાજીથી ચલાવી જોયું, બે વાર ખાવાનું તજી, તબિયત સુધરશે ધારી, એક વાર ખાવાનું રાખ્યું, પણ તેથી તો તબિયત ઊલટી બગડવા માંડી. એક વાર ખાવાથી હોજરીને આરામ મળશે અને પચશે સારું, એમ મનને મનાવતો હતો તેને બદલે ઊલટો અપચો થવા માંડ્યો! ભૂખ્યો રહ્યો છું એવા ભાનને લીધે રાત્રે ઊંઘ આવતી નહિ ને રાત્રિના પ્રજાગરણને લીધે પાચનક્રિયા બરાબર થતી નહિ. આમ છતાં, રાત્રે ખાવાનું નથી એવા ભાનને લીધે સવારે દમ બાંધીને ખાતો ને પરિણામે એક વાર ઓછું ખાવાને લીધે મેં અપચાને નિમંત્રણ કર્યું. આથી ખોરાકના ખર્ચમાં મેં જે બચાવ્યું તેથી બમણું મેં દવા ને ડૉકટરને આપ્યું, અને છેવટે ‘મેલ કરવત, મોચીનો મોચી :’ એ ન્યાયે ‘હાશ’ કરીને મેં ફરી બે વાર જમવાનું શરૂ કર્યું. આ સિવાય કરકસરની બીજી અનેક યોજનાઓ ઘડી, અમલમાં મૂકી ને અંતે છોડી દીધી. હવે यत्ने कृते यदि न सिध्यति कोड़त्र दोषः (યત્ન કર્યા છતાં કાર્ય પાર ન પડે તો કોનો વાંક?) એમ માની ગીતા-ભાખ્યા નિષ્કામ ભાવે ખર્ચ કર્યા કરવો એવા નિશ્ચય પર હું આવ્યો છું. આ નિશ્ચયને લીધે કોઈક વાર દેવું થાય છે પણ તે સિવાય બીજું કોઈ મોટું નુકસાન થતું નથી, અને હું દેવું કરું છું અને તેમાંયે નુકસાન થાય છે તે મને નહિ, બીજાને – એમ મારા મનનું સમાધાન પણ હું ઘણી વખત કરી શકું છું. ખર્ચ પર કાપ મૂકવો એ સહેલી વાત નથી. શસ્ત્રકુશળ વૈદ્યની પેઠે કેટલાક એવા કાપ બહુ કાર્યસાધક રીતે મૂકી શકે છે. મારા એક ઓળખીતા પૈસાદાર ગૃહસ્થ છે. તે ખર્ચ પર કાપ મૂકવાની કળામાં અતીવ નિષ્ણાત છે. એમના બધા પૈસા કોઈ ને કોઈ જગ્યાએ રોકાયેલા જ હોય. જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં કંઈ પણ ખર્ચ કરવાની વાત આવે ત્યારે ત્યારે ને ત્યાં ત્યાં એમનો એક જ જવાબ હોય : ‘અરે! મારા ગજવામાં તો કંઈ નથી! પૈસા હું ઘેર ભૂલી આવ્યો.’ એમને માટે પણ આસપાસનાને ખર્ચ કરવો પડે. એમને ઘેર હોય ત્યારે એમની પાસે છૂટા પૈસા ન હોય ને નોટ હોય તોયે હજારની કે સોની જ હોય! આવી સ્થિતિમાં પૈસા બચે નહિ તો બીજું શું થાય? પરંતુ એમના જેવા ઓછા હોય છે. ઘણાને તો મારા જેવા જ અનુભવ થાય છે. અને હું અને મારા જેવા અનુભવે ઘડાયેલા પુરુષો સરકારને દોષ શી રીતે દઈ શકીએ? કરકસર કરવાનો પણ ખર્ચ થાય છે. કેટલીક વાર કરકસર કરીને બચાવેલા ખર્ચ કરતાં કરકસર કરવાનો ખર્ચ વધી જાય છે. પણ તેથી શું? કરકસર તો થઈ જ કેની! એ રીતનું મંતવ્ય જેટલું મારું છે તેટલું સરકારનું પણ છે તે જોઈ હું ઘણો પ્રસન્ન થાઉં છું. કહે છે કે હિંદી સરકાર દેવું બહુ કરે છે, પણ તેથી શું? એમ તો હું પણ દેવું કરું છું. દેવું કરવું એમાં પાપ નથી. દેવું કરવા છતાં ખર્ચ ન કરવો એમાં પાપ છે. દુનિયામાં કોઈ દેવાદાર ન હોય તો લેણદાર પણ કોણ રહે? ને તો પછી મારવાડીનું શું? પઠાણનું શું? બૅંકોનું શું? મારું શું?

સ્વાધ્યાય

૧. કરકસર કેમ મોંધી પડે છે?
૨. ‘ત્રેવડ ત્રીજો ભાઈ છે,’ એ કહેવત પર નિબંધ લખો.
૩. લેખકને શું કહેવું હોય એમ લાગે છે?