સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઘડપણ કેણે મોકલ્યું
નરસિંહ મહેતા
ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ટેક
ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
ગોળી તે ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડ૦
નહોતું જોઈતું ને શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ;
ઘરમાંથી હળવા થયા રે: એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડ૦
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે શેવ;
રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડ૦
પ્રાતઃકાળે પ્રાણ મારા રે, અન્ન વિના અકળાય;
ઘરના કહે, ‘મરતો નથી રે તને બેસી રહેતાં શું થાય?’ ઘડ૦
દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ; ૧૦
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડ૦
નવ નાડો જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં છોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડ૦
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર;
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બાર. ઘડ૦
એવું સાંભળી પ્રભુ ભજો રે, સંભારજો જગનાથ;
પરઉપકાર કીધે પામશો રે, ગુણ ગાયે નરસૈંયો દાસ. ઘડ૦
સ્વાધ્યાય