સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નિવેદન

‘સાહિત્યપલ્લવ’નો બીજો ભાગ વિદ્યાર્થીઓ, શિક્ષક અને સાહિત્યરસિકોના હાથમાં મૂકતાં, પહેલા ભાગના નિવેદનમાં કહ્યું છે તેથી વિશેષ અમારે ભાગ્યે જ કાંઈ કહેવાનું હોય. છતાં પુનરુક્તિનો ભય વહોરીને પણ સંપાદન પાછળના અમારા ખ્યાલો વિષે કાંઈક કહેવું અયોગ્ય નહિ ગણાય. આ સંગ્રહોનું સંપાદન અમે શિક્ષકો તરીકે કર્યું છે. નાના મોટા વિદ્યાર્થીઓ સાથે સાહિત્ય વાંચવાની અમને ઠીક ઠીક તક મળી છે. કુમળી વયનાં બાળકોમાં પણ વસ્તુના મૂળ સુધી પહોંચી જવાની જે ઉત્સુકતા હોય છે એનાં અમને સારા પ્રમાણમાં દર્શન થયાં છે. એ ઉત્સુકતાને ભલી રીતે સંતોષવી એ કેવું દુર્ઘટ છે એ શિક્ષક તરીકે અમારા અનુભવ બહારની વાત નથી. આપણી શિક્ષણપ્રથા સગવડ આપતી હોત તો સૌથી સારી રીત તો એ ગણાય કે, પોતાના વર્ગનાં બાળકોની રુચિ, કક્ષા, ગુંજાશ, વગેરે જોઈ શિક્ષક આપણા સાહિત્યભંડારમાંથી તેમના બરની વાનીઓ લઈ આવે, પાટિયા પર લખે, લખાવે અથવા સાઇક્લોસ્ટાઈલથી છાપીને વહેંચે. દર વરસે દરેક જુદા વર્ગ આગળ આ પ્રયોગ નવેસરથી કરવાનો રહે. પણ એ તો આદર્શ સ્થિતિ થઈ. તે સ્થિતિએ પહોંચીએ તે દરમ્યાન આવા સંગ્રહો કંઈક ઉપયોગના થઈ રહેશે એવી આશા છે. આમાંનું કેટલુંક બાળકો આગળ રજૂ કરી જોવાની અમે કાળજી રાખી છે. છતાં અમે શિક્ષકોને વિનંતી કરીએ છીએ કે આ સંગ્રહને ભૂમિકા તરીકે સ્વીકારી બીજા નમૂનાઓ પણ અનુકૂળતા પ્રમાણે પોતે આપવાના છે જ. દા. ત., પ્રથમ સત્ર શરૂ થાય, વર્ગો થાળે પડતાં પડતાં ગરમીના દિવસો વીતી ગયા હોય, ને વાદળાં દેખાવા માંડે ત્યારે આ સંગ્રહમાં જે મેઘ-કાવ્યો છે તે રજૂ કરવા ઉપરાંત બની શકે તો બીજાં પણ આપવા પ્રયત્ન કરવો એ ખોટું નહિ. શિક્ષકનું કામ અમે કરી આપ્યું એવો આરોપ વેઠીને પણ પ્રત્યેક પાઠની આગળ નોંધ આપી છે. દૂર કસબાઓમાં શિક્ષકો પાસે પૂરતાં સાધન હોતાં નથી, એટલે માત્ર પુસ્તકોમાંથી પાઠ કાપી કાઢી ભેગા કરી છપાવી દઈને હાથ ધોઈ નાખવાનો માર્ગ અમને ઠીક લાગ્યો નથી. ઉપરાંત સાહિત્યરુચિ અને ભાષાજ્ઞાનની દૃષ્ટિએ તે તે પાઠ વિષે અમારે શું કહેવાનું છે તે ચોરી રાખવું પણ અમે પસંદ કર્યું નથી. છતાં અમે માનીએ છીએ કે ૯૦ ટકા કામ તો હજી શિક્ષકને માટે બાકી જ છે. સામાન્ય રીતે ‘સાર્થ જોડણીકોશ’માં ન મળી શકે તેવા અને વિશેષ અર્થમાં વપરાયેલા શબ્દોના જ અર્થ આપ્યા છે. સ્વાધ્યાયમાં પણ ઘણુંખરું પાઠ તરફ કઈ દૃષ્ટિએ જોઈ શકાય છે તે સૂચવવા જ પ્રયત્ન કર્યો છે. આ સંપાદન અમે વિદ્યાર્થી તરીકે પણ કર્યું છે એમ કહીએ તો કોઈ આશ્ચર્ય ન પામે. અમે આ કક્ષાના વિદ્યાર્થી હતા ત્યારે અમને આવી આવી વસ્તુઓ મળી હોત તો?-એ દૃષ્ટિ પણ અમારા ખ્યાલ બહાર ન હતી. બીજું, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના ભાષા-જ્ઞાનનું ધોરણ વર્નાક્યુલર ફાઈનલ કરતાં ઓછું કેમ જોવામાં આવે છે એ પ્રશ્ન પણ અમને થતો હતો. મૅટ્રિકમાં અને તે પછી કૉલેજમાં શીખવી પડતી સામગ્રી એકાએક અઘરી માલૂમ પડે છે તેનું કારણ પણ શું? માધ્યમિક શાળામાં વાર્તા અને બીજી શીરાના કોળિયા જેવી સરળ સરળ સામગ્રીથી સંતોષ મનાતો હોવાને કારણે? છતાં અમે સામગ્રી અઘરી કરી દેવાની લાલચમાં પડ્યા નથી. જૂની ગુજરાતીમાંથી વર્ણનાત્મક અને કથાત્મક નમૂનાઓ જ આપ્યા છે. પણ અમુક વસ્તુનો વિવિધ રીતે અને ઊંડાણથી કેમ આસ્વાદ લઈ શકાય એ તરફ ધ્યાન દોરવાની તક લીધી છે. ઇતર વાંચનનું સૂચન કરી, પ્રસંગ મળ્યે શબ્દ અને અર્થના સાદા અલંકારો સમજાવી, શબ્દોના શરીરમાં પણ કેમ ફેરફાર થાય છે તે બતાવી, ભાષા મારફત મળતા ઉચ્ચ આનંદના રાજમાર્ગો તરફ આંગળી ચીંધવા પ્રયત્ન કર્યો છે. આ કે તે વિદ્યાર્થી આવા નાના અમથા ઈશારાથી પ્રેરાઈને ભવિષ્યમાં કોઈને કોઈ રાજમાર્ગ સર નહિ કરે એમ પણ શા માટે માનવું? ભવિષ્યના સંસ્કારી દેશજનોના સર્જનમાં યત્કિંચિત્ ફાળો આપવાની તક એ જ તો શિક્ષણના વ્યવસાયનું મોટું વળતર છે. જૂની ગુજરાતી – ‘ગુજરાતી’ ગુજરાતી – ઉપર અમારો પક્ષપાત છે? હા. છતાં દયારામ પછી આપણા ગદ્યનો વિકાસ થયો છે એ જોતાં ગદ્ય અને નર્મદ પછીના કવિઓનું પદ્ય તે સંગ્રહનો ૨/૩ ભાગ રોકે છે. જૂના ગુજરાતી સાહિત્યને માત્ર ૧/૩ ભાગ જ મળ્યો છે. ગુજરાતી ભાષાની શક્તિ સમજવા માટે એ ભાગ તરફ જ આપણે વળવું પડશે. આ સંગ્રહમાં પોતાની કૃતિઓનો સમાવેશ કરવાની અનુમતિ આપનાર લેખકોનો, અને મુદ્રણને આટલું શુદ્ધ અને સુઘડ બનાવવા માટે નવજીવન મુદ્રણાલયના સંચાલક શ્રી. જીવણજી દેસાઈનો સદ્ભાવ અમે ભૂલી શકીએ એમ નથી.

અમદાવાદ,
૨૧-૩-૧૯૪૧
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી