સાહિત્ય પલ્લવ – ભાગ ૨/રમણલાલ દેસાઈ
[આપણી શ્રેષ્ઠ નવલિકાઓમાં સ્થાન લઈ શકે એવી આ વાર્તા, લેખક ઊંડી સહાનુભૂતિપૂર્વક જગતનું અવલોકન કરી જે કુશળતાથી લોકોના મનોવ્યાપારને ઉકેલે છે, અને જે તેમની નવલકથાઓમાં પણ દેખાય છે, તેનો આપણને ખ્યાલ આપે છે. વાર્તામાં બે જ પાત્રો છે : કુસુમાયુધ અને અપર મા. કુસુમાયુધ ગભરુ નિર્દોષ બાળક છે. વહાલ કરવું ગમે એવો મીઠો છે. અપર મા પણ કાંઈ પ્રૌઢ નથી. લગ્નજીવનના પ્રથમ મધુર દિવસો માણવાના તેના દિલમાં કોડ છે – પણ તેના લગ્ન જેમ તેને એકાએક પત્નીત્વ અર્પ્યું. તેમ વગર બાળકે તેને માતા પણ બનાવી દીધી – પણ આ અપર મા ભાવનાશાળી છે. કુસુમાયુધની માતા બનવા એણે પ્રામાણિકપણે સંકલ્પ કર્યો છે. પણ આ સંકલ્પ કોણે કર્યો? બુદ્ધિએ કે હૃદયે? બુદ્ધિથી માતા બની શકાય? આ સુન્દર વાર્તાનો આ એક અતિ જટિલ કોયડો છે. એ કોયડાનો લેખક જે રીતે ઉકેલ કરે છે તે આ વાર્તાનું ક્લાકેન્દ્ર છે, અને તેમાં જ લેખકની ઊંડી સહાનુભૂતિ પણ નીતરી રહે છે. ટૂંકી વાર્તા માટે જે જે કસોટી યોજી શકાય તે બધીમાંથી આ વાર્તા સહેજે પાર પડી આદરભર્યું સ્થાન મેળવી શકે એવી હોઈ, જેમને ટૂંકી વાર્તા લખવાની કળા કેળવવી હોય તેમણે આ વાર્તાનો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ.]