સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અંધ બાલા
બચુભાઈ રાવત
જીવતા જીવત માનવી ઉપર જો કોઈ સૌથી કરુણ આપત્તિ આવી પડેલી ગણાય તો તે અંધત્વ. એ અપંગતા માનવીના ચહેરા ઉપર જે દર્દભરી રેખાઓ આંકી જાય છે તેને અત્યંત અસરકારક રીતે રજૂ કરતું આ ચિત્ર ઇંગ્લેંડના એક સમર્થ ચિત્રકારની કૃતિ છે, અને ઓગણીસમી સદીના અંતભાગમાં આલેખાયેલાં ઇંગ્લેંડનાં ચિત્રોમાં સૌથી હૃદયદ્રાવક હોવાની એની ગણના થાય છે. એનો આલેખક જૉન એવરેટ મિલે ઓગણીસમી સદીના ઇંગ્લંડનો નામી કલાકાર હતો; અને ઉદ્યોગ, કલા તથા સંપત્તિની મંજરી મહોરતા એ યુગમાં કલાના ક્ષેત્રમાં નવવિચારની ક્રાન્તિ આણનારી ‘પ્રી-રાફેલાઈટ બ્રધરહૂડ’ નામની પ્રવૃત્તિનો એક જન્મદાતા અને અગ્રણી હતો. પોતાની મબલખ કૃતિઓથી ઇંગ્લંડની કળામાં એણે પૂરેલો ફાળો જેટલો વિપુલ છે તેટલો જ તેજસ્વી છે, અને એનાં ચિત્રો ધરાવવાં એ જગતનો કોઈ પણ કલાસંગ્રહ બહુમાન સમજે છે. ઇંગ્લંડની સર્વોચ્ચ અને જગનામી કલાસંસ્થા રૉયલ ઍકેડેમીના પ્રમુખ ચૂંટાવાનું શ્રેષ્ઠ ગૌરવ તે પામેલો. જોરદાર રેખાસામર્થ્ય અને અજબ રંગભભક ધરાવતું, હૃદયની લાગણીઓને હલાવી મૂકતું, આ ચિત્ર બીજાઓને મુકાબલે સંયોજનામાં જરા વિચિત્ર લાગે છે. પણ એમાં જ એનું બળ છે. આગલા ભાગમાં બેઠેલી બે બાળાઓ ચિત્રનો લગભગ અરધો ગાળો રોકી લેતી હોવા છતાં, બાકી રહેલી ઓછી જગ્યામાં ચિત્રકારે આકાશ અને ભૂમિભાગનો કેટલો વિશાળ વિસ્તાર દર્શાવ્યો છે! અને એ યોજનાપુરઃસર છે. બાલાના અંધત્વની દર્દભરી અસર પ્રેક્ષકના હૃદય પર તીવ્રપણે આંકવા એને બહાળી કુદરત વચ્ચે આકાશમાં મેઘધનુષ આલેખવું છે. એ બે સામસામાં તત્ત્વો જ ચિત્રને સામર્થ્ય આપે છે. એ મેઘધનુષના મથાળાના છેડાથી શરૂ થઈ, મેદાનમાંના ઝાડમાંથી પસાર થઈ, બાળાના ચહેરાને, ઓઢણી પરના પતંગિયાને અને ખોળામાંના હાથવાજાને આવરી લઈને પગ આગળ સમાપ્ત થતી એક કલ્પનારેખા તમારા મનોચક્ષુ આગળ ખડી કરો. મેઘધનુષની માફક જ આખા ચિત્રમાં અર્ધચંદ્રાકારે પથરાઈ રહેતી એ રેખા આ ચિત્રની રહસ્યરેખા છે. એ રેખાના માર્ગમાં આવતી એકેએક વસ્તુ ચિત્રના ભાવને ચોટદાર બનાવે છે, અને તે પર ધનુષાકારે ફરતી તમારી નજર તેના કરુણ વસ્તુથી તમારા હૃદયને ભરી દે છે. ઓહો! સૃષ્ટિમાં આટલી બધી સુંદરતા છે! હરિયાળાં ઘાસ ને લીલાં વૃક્ષઝુંડ, મનોરમ પંખીઓ ને ભભકરંગી પતંગિયાં, ભૂરું આકાશ ને તેમાં ખેંચાયેલું રંગની કવિતા સમું ઇન્દ્રધનુ; – પણ એ કશાને આનંદ એ બાળાને કાજે નથી, અરે, એના અંગ પરના આ કિરમજી ચણિયા, કથ્થાઈ ઓઢણી ને સોનેરી વાળનો પણ નહિ! ઈશ્વરની આ અદ્ભુત સૃષ્ટિમાં જે કાંઈ આનંદ લેવાનો તે આ વાજાના સૂરમાંથી, પંખીના ગાનમાંથી કે આ ઘાસ ને આ ફૂલના સ્પર્શમાંથી! એક પછી એક આ બધી વસ્તુઓ આ દર્દકથાને તમારા અંતરમાં ઉતારે છે. પણ ના; આ કરુણતામાં ખરું દર્શન તો એ બાળાના ચહેરા પર રહેલી ધારણશક્તિમાં છે, પોતાના અંધત્વનું એને ભાન છે, પણ એના દુ:ખથી જીવનને ખારું શા માટે કરવું? ઈશ્વરે આપેલાં બીજાં અંગ દ્વારા એની સૃષ્ટિના કાવ્યનું પાન કરવાની સ્વસ્થતા, સંતોષને સમાધાનવૃત્તિ એણે કેળવી લીધી છે. અને નાની બહેન મેઘધનુષની સુંદરતાનું જે દિલચસ્પ વર્ણન કરે છે તેને શ્રવણ વડે અને તેથીયે વધુ એના હાથમાં આંકડા ભીડેલા પોતાના હાથના સ્પર્શ દ્વારા તે પીએ છે. કલાકારનો સંદેશ અહીં સફળ બન્યો છે. એ મુખભાવમાં અને એ જકડી ભીડેલા હાથના આંકડામાં એના જીવનની ધારણશક્તિ છે.