સિગ્નેચર પોયમ્સ/આતમરામ – રા. વિ. પાઠક ‘શેષ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આતમરામ

રામનારાયણ વિ. પાઠક ‘શેષ’


હજીયે ન જાગે મારો આતમરામ! (૨)
સમુંદર ઘુઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર!
સમજું ના ભરતી કે આવે છે તુફાન... હજીયે∘︎
સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે!
હાજર સૌ ટંડેલ એક મારાં સૂનાં છે સુકાન!
મારાં સૂનાં છે સુકાન! હજીયે∘︎
વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મારા મૂળગાય દામ! હજીયે∘︎
હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારે તો થાવા બેઠો છે ફેરો આ નકામ!
મારો ફેરો આ નકામ!...
જાગોજી જાગોજી મારા આતમરામ!
વ્હાલા આતમરામ!