સુદામાચરિત્ર/કડવું ૯
[આ કડવામાં કૃષ્ણ-સુદામાનો વિરલ સંવાદ છે. વર્ષો પછી મિત્રને મળતા કૃષ્ણ સુદામાનો દુર્બળ દેહ જોઈને તેનાં કારણો અંગે પૃચ્છા કરે છે. કૃષ્ણે પૂછેલાં કારણો લગભગ સુદામાને લાગુ પડતાં હોવાં છતાં સુદામા એક ઋષિને છાજતો ઉત્તર વાળતાં કહે છે તેમ, કહેવું હોય તો તેમને એક જ દુઃખ છે, કૃષ્ણનાં વિયોગનું. પણ હવે કૃષ્ણ તેમને મળ્યા તેથી પોતે હૃષ્ટપુષ્ટ થઈ જશે એવું કહેતા સુદામાનું તાટસ્થ્ય અહીં સાક્ષાત થાય છે.]
રાગ-મલાર
ગોવિંદે માંડી ગોઠડી, ‘કહોને મિત્ર અમારા;
સાંભળવા આતુર છું, સમાચાર તમારા. ગો૦૧
શે દુઃખે તમે દૂબળા? એવી ચિંતા કેહી?
મન મૂકીને કહો મને, મારા બાળ સ્નેહી. ગો૦૨
કોઈ સદ્ગુરુ તમને મળ્યો, તેને કાન શું ફૂંક્યો?
વેરાગી ત્યાગી થયા, સંસાર શું મૂક્યો? ગો૦૩
શરીર પ્રજાળ્યું જોગથી, તપે દુઃખે દેહી;
તો તે કિયે દુઃખે દૂબળા? મારા પૂર્વસ્નેહી. ગો૦૪
કે શત્રુ કોઈ માથે થયો, ઘણાં દુઃખનો દાતા?
કે ઉપરાજ્યું ચોરીએ ગયું, તેણે નહિ સુખશાતા? ગો૦૫
કાંઈ ધાતુપાત્ર કને નહીં, આવ્યા તુંબડું લેઈ?
વસ્ત્ર નથી કાંઈ પહેરવા, મારા બાળસ્નેહી? ગો૦૬
કે સુખ નથી સંતાનનું, કાંઈ કર્મ દોષે?
ભાભી અમારાં વઢકણાં, તે લોહીડું શોષે? ગો૦૭
કે શું ઉદર ભરાતું નથી? તેણે સૂકી દેહી?
એ દુઃખમાં કિયું દુઃખ છે, મારા પૂર્વસ્નેહી?’ ગો૦૮
પછી સુદામોજી બોલિયા, પ્રભુને શીશ નામી;
‘તમારું અજાણ્યું કાંઈ નથી, છો અંતરજામી. ગો૦૯
અમને તો દુઃખ વિજોગનું, નહીં પ્રભુજી પાસે;
આજ હરિ હુંને જો મળ્યા, પિંડ પુષ્ટ જ થાશે.’ ગો૦૧૦