સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/ક્લાસરૂમ ‘સીક’ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ક્લાસરૂમ ‘સીક’ છે


કવિસમ્મેલનો કે ગઝલના મુશાયરા પોતાની શક્તિમર્યાદામાં સફળ થતા હોય છે. સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓને વિશેના વ્યાખ્યાન-કાર્યક્રમોમાં બારોબારિયાં વખાણ, કે ખાસ વાગે નહીં એવી મીઠી મુસ્કાનવાળી ટીકાટિપ્પણીઓ થતી હોય છે. અઘરા વિષયને વક્તાએ કેવોક ‘ન્યાય’ આપ્યો એની ખબર તો કોને પડે? સિવાય કે સભામાં જાણકારો બેઠા હોય અને મુક્ત ચર્ચાની જોગવાઈ હોય. આજકાલ એ જોગવાઈ ભાગ્યે જ હોય છે. વક્તાએ આસ્વાદ અને સમીક્ષા પછી કામચલાઉ મૂલ્યાંકન પીરસવાનું હોય. પણ એવું તો બહુ ઓછા કાર્યક્રમોમાં થતું હોય છે. કેમકે સાહિત્ય માટે સૌ પહેલાં તો ‘સહૃદયત્વ’ જોઈએ -અમસ્તો શૉખ કે કાર્યક્રમવેડા ન ચાલે. સાહિત્યની નાની કે મોટી વાત કરનાર વ્યક્તિ ‘રસાનુભવી’ હોવી જોઈએ. નર્મદનો શબ્દ વાપરું તો, એને ‘રસજ્ઞાન’ હોવું જોઈએ. મધુસૂદન ઢાંકીસાહેબ જેને ‘રસકારણ’ કહેતા તેની એને સૂઝબૂઝ હોવી જોઈએ. ‘રાજકારણ’-વાળાને એમાં લાંબી સફળતા ન મળે. આ તો જાણે, સમજ્યા. પણ માની લઈએ કે યુનિવર્સિટી-ડિપાર્ટમેન્ટ્સમાં ને કૉલેજોના વર્ગોમાં તો સાહિત્યનું બધું બરાબર જ ચાલતું હશે. કેમકે વર્ગખણ્ડ તો સાહિત્યવિદ્યાને માટેનું સુકલ્પિત અધિષ્ઠાન છે. વિધિવિધાન અનુસાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બધું યોગ્ય જ કરતા હશે. હા, કરે તો છે. અધ્યાપકો અભ્યાસક્રમનિયત બધું ભણાવે છે. વિદ્યાર્થીઓ ભણે છે. પરીક્ષાઓ લેવાય છે. પરિણામો આવે છે. દરેક યુનિવર્સિટીમાં બે-ત્રણ જણાંને ગોલ્ડ મૅડલ મળે છે. અનેકને ફર્સ્ટ ક્લાસ અને મોટાભાગનાંઓને સૅકન્ડ ક્લાસ. ચોરીઓ કરીને પાસ થનારાં વધતાં ચાલ્યાં છે. પકડાતાં નથી કે પકડતા નથી. કોક નસીબફૂટ્યો જ નાપાસ થાય છે! તો પછી દુખાવો શો છે? દુખાવો જાણવા વર્ગખણ્ડને અંદરથી જોવાની અને વાસ્તવમાં ત્યાં જે બને છે એનો ખુલ્લા મનથી સ્વીકાર કરવાની જરૂર છે. આખી વાતને હું ગુજરાતી સાહિત્યના અધ્યયન-અધ્યાપન પૂરતી સીમિત રાખું છું અને જે કહું છું એ એના સન્નિષ્ઠ અધ્યાપકો અને વિદ્યાર્થીઓના અપવાદે કહું છું. એઓ માટે મને માન-પ્રેમ છે. પહેલી વાસ્તવિકતા એ કે વર્ગમાં અધ્યાપક મુક્ત નથી. ટાઇમટેબલ અનુસાર, વ્યાખ્યાનો કરે. અભ્યાસક્રમ પૂરો કરે. પરીક્ષાઓ. પ્રશ્નપત્રો. સુપરવિઝન. વગેરે ક્રિયાકાણ્ડમાં જ બધો સમય વપરાઈ જાય. વિષયમાં અધ્યાપકને ઊંડા ઊતરવું હોય, કોઈ વિદ્યાર્થીને વધારે જાણવું હોય, તો વર્ગમાં એ માટેનો અવકાશ નથી, સૅમિસ્ટર સિસ્ટમમાં એ અવકાશ ઝીરો ડીગ્રીએ છે. ‘સૅમિ’-નો અર્થ છે. ગૌણ, અરધુંપરધું ‘સ્ટર’-ને ‘સ્તર’ ગણીએ તો સૅમિસ્ટરમાં બધાં સ્તર અરધાંપરધાં થઈ ગયાં છે. બીજી મોટા કદની વાસ્તવિકતા એ છે કે વર્ગમાં અમુક અધ્યાપકો વિ-મુક્ત હોય છે. પોતાનાં કર્તવ્યો માટે એઓએ ભ્રાન્ત ઉપાયો અજમાવી લીધા છે: બહારના વિદ્વાનોનાં પુસ્તકોમાંથી નૉટો ઉતરાવી દેવી. મટિરિયલ્સનાં ઝેરોક્ષ પકડાવી દેવાં. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર લખાવી દેવા. કહે છે, કેટલાક તો ગાઈડોમાંથી ભણાવે છે. અમુક કૉલેજોની લાઇબ્રેરીઓમાં ગાઈડો જ ભરપૂરે હોય છે. એક ત્રીજી વાસ્તવિકતા પણ છે: ગામડાંગામની કૉલેજો. બહુ ઓછા લોકોને જાણ છે કે ગુજરાતીના મોટા ભાગના અધ્યાપકો ગામડાંની કૉલેજોમાં છે. ત્યાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ મુખ્ય વિષય તરીકે ગુજરાતી રાખે છે. જ્યારે, શ્હૅરોની કૉલેજોમાં ગુજરાતી વિષય લેનારાંની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે. કવિ ઉમાશંકર વર્ગને ‘સ્વર્ગ’ કહેતા. કેટલાક મિત્રો પોતાનાં વિદ્યાકીય પુણ્યોને પ્રતાપે સ્વર્ગીય વિદ્યાનન્દ અચૂક પામતા હોય છે. એનો મને ગર્વ છે. પણ ઘણી વાર પ્રશ્ન થાય કે ગામડાની કૉલેજના સરેરાશ અધ્યાપકને કયું સ્વર્ગ? એને વાતાવરણ કેવુંક મળ્યું હોય? કઈ સગવડો? વર્ગને સ્વર્ગમાં બદલી નાખનારું જ્ઞાનબળ ધારો કે એનામાં હોય, પણ એ બળનું ત્યાં શું ઊપજે? ૪૫ મિનિટને ઍળેબૅળે જ રોડવતો હશે ને? સઘળું પ્રતિકૂળથી પ્રતિકૂળ. બને કે એની કારકિર્દી ત્યાં ને ત્યાં ઠિંગરાઈ જતી હોય. આ વિસ્તરતું પલાયન છે: અધ્યાપક અને વિદ્યાર્થી બે ય એકદમના બદલાઈ રહ્યા છે. બન્નેનો આત્મા મૂરઝાઈ રહ્યો છે. બન્નેના આત્મવિશ્વાસનો ક્ષય થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ ટૅક્સ્ટ-બુક લાવે નહીં. ભાગ્યેજ લાઇબ્રેરીમાં જાય. અધ્યાપક એને જવલ્લે પૂછે કે સ્વાધ્યાય માટે તું શું કરું છું. વિદ્વત્તાની છત ધરાવનારા અધ્યાપકોની સંખ્યા ઘટી રહી છે. કહે છે, કોઈ કોઈ તો નાછૂટકે ભણાવે છે. ચીડાયેલા રહે. નિયમ ફરમાવે -કોઈએ મને પ્રશ્ન નહીં પૂછવાનો, મારી ‘લિન્ક’ તૂટી જાય. ગુજરાતી સાહિત્યજગતને મૂંગા ને ઠાવકા શ્રોતાઓ જે મળ્યા છે એ આમ યુનિવર્સિટીઓની દૅણ છે. એટલે ક્લાસરૂમને હું ઘણા વખતથી ‘સીક’ ગણું છું -વર્ગખણ્ડ માંદો છે. એ મંદવાડને નીરખવાનું યુનિવર્સિટીના સત્તાધીશોની પ્રાયોરિટીઝમાં નથી આવતું. પરિણામો સમયસર જાહેર નથી કરી શકાતાં એ વાતે ડખો છે: આન્સરબુક્સ તપાસનારા મળે, ન મળે; આવે, ન આવે. આમ તો એ અધ્યાપકની પાયાની ફરજ છે -શીખવે તે પરખે કે નહીં? જોકે, ૨૪ પેજની આન્સરબુક ૨૪-થી ઓછી સૅકન્ડમાં તપાસી આપનારા મળે છે! કહેવાય છે કે પરિણામો બાબતે કાર્યાલયમાં ય ખાસ્સી અટવામણ છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે ચિન્તાળુ જીવાત્માઓએ આ ત્રણેય વાસ્તવિકતાઓ પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે – એ પહેલાં કે ગુજરાતી વિષય લેનારાં અલોપ થઈ જાય અને વિષયને યુનિવર્સિટીઓ તાળાં મારી દે. આ બધું આવું બધું છે, તેમછતાં, હું આશાવાદી છું. મારું પહેલેથી માનવું રહ્યું છે કે ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસશીલ ભવિષ્યનો આધાર માત્ર યુનિવર્સિટીઓ જ હોઈ શકે છે. જુઓ, રોજ સવારે એ અધ્યાપક, જેવો હોય એવો, સાહિત્ય વિશે, સવિશેષે ગુજરાતી સાહિત્ય વિશે, જેવું આવડે એવું બોલતો હોય છે. એ વિદ્યાર્થી, જેવો હોય એવો, જે સાંભળે એ, હમેશાં સાહિત્ય બાબતે સાંભળતો હોય છે. સાહિત્યશિક્ષણની એ રોજિંદી ઘટમાળમાં મંદવાડ જરૂર છે. પણ એને ચાહત અને નિસબતથી જોવાની જરૂર છે. મને એ કંજૂસ બાપની આછીપાતળી પણ મોંઘી મૂડી લાગે છે -એવી કે જેમાંથી એક દિ એનાં સન્તાનો અને ભાવિ પેઢીઓ બ્હૉળા વેપારનાં ધણીધોરી બનવાનાં હોય. આ થઈ, દુખાવાની વીતકવારતા. ઇલાજ શું? ‘સન્નિધાન’ નામે ૨૫ વર્ષથી શિબિરો યોજીને મેં સારી પેઠે જમાવેલો એક ઇલાજ છે -દીવાલો વિનાની યુનિવર્સિટી. યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ. ‘સીક’ ક્લાસરૂમ, છે ત્યાં ભલે રહ્યો. ‘સન્નિધિ’ એટલે સમીપતા. અધ્યેતાઓ વિદ્યાની સમીપે હોય છે. વચ્ચે ‘દીવાલો’ નથી, નથી અવરોધો, નથી પરીક્ષા બાબતનાં નડતરો. વિદ્વાનો વિષયની વાત માંડે છે. ચર્ચાઓ થાય, પૂર્તિઓ થાય. કશી દિલચોરી વિના સૌ મૉકળા મને સાહિત્યકલાજ્ઞાન સાથે જોડાય. અધ્યાપકો, વિદ્યાર્થીઓ, અધ્યક્ષો, આચાર્યો-અધ્યયન કરનાર હર કોઈને ‘અધ્યેતા’ કહેવાય. જે કંઈ ભણ્યા હોઈએ, જે કંઈ જાણ્યું હોય, એને ‘અધીત’ કહેવાય. સૌના એ સંચિત અધીતનું ત્યાં સંશોધન થાય, સંવર્ધન થાય. ખુલ્લા આકાશ નીચે સાહિત્યવિદ્યાના નિર્ભેળ આનન્દ માટે સૌએ સન્નિધીકૃત થવાનું અને પછીના શિબિરમાં ફરીથી મળવા છૂટા પડવાનું.

= = =