સોરઠી બહારવટીયા - 2/૧૦
"કાંઈ શિકાર?” “શિકાર તો શિકાર! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભૂકો કરી નાખે એવો! આકડે મધ અને માખીયુ વિનાનું." “કોણ?” “ભાવનગરનાં રાણી નાનીબા.” “ક્યાં?” “દડવે જાય છે. એના ભાઈ કેસરીસિંહને ઘેરેઃ ભેળા કુંવ૨ડા છે; ભેળી ઘરેણાંની પેટી છે, અને સાથે અસવાર છે થોડા." “ચડો ત્યારે. કામ કરશું આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે મેલી. ભેખડાવી દઈએ.” [૧]આકડીયા ગામનો ઠુંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના ધંધા કરતાં કરતાં આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજેસંગજીનાં રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબી ગામની સીમમાં દડવાને
- કોઈ કહે છે રાઘો ચાવડો નહિ, પણ સરંભડાનો કાઠી મેરામતોતળો લુંટવા આવેલો.
માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યા છે. રણવગડામાં નાચ કરતી કોઈ અપસરા સરીખું હીંગળોકીયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે. સંધ્યાની રૂંઝયો રડી ગઈ છે. ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચીંતો છાપો મારીને રાધા ચાવડાના અસવારોએ નાનીબાનાકૈક અસવારોને બરછીથી પરોવી લીધા, કૈક ભાગ્યા, થોડાકને બાંધી લીધા અને રાધડે હાકલ કરી કે “બાઈ, ધરેણાંની પેટી બહાર ફગાવી દેજે.” થરથર કાંપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે “તમે કોણ છો બાપ?” “જોગીદાસ ખુમાણના માણસો.” “અરરર! જોગીદાસ ભાઈ અસ્ત્રીયું ને લુંટે ખરા? જોગીદાસ અખાજ ખાય? " “હા હા, ભૂખ્યે પેટે અખાજે ય ભાવે દાગીના લાવો.” “અખાજ ભાવે? ભૂખ્યા તોય સાવઝ! ઈ તરણાં જમે?” “કાઢી નાખો, ઝટ ઘરાણાં, વાદ પછી કરજો!” આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દેવગતિ બની કે ચાળીસ ઘોડાંની પડઘીઓ ગાજી અને છેટેથી ત્રાડ સંભળાણી કે “કોણ છે એ?” “કોણ જોગીદાસ ખુમાણ! હાલ્યો આવ. ભારે તાકડો થયો.” રાધે અવાજ પારખ્યો. “તું કોણ?” “હું રાધો ચાવડો.” “રાધડા! અટાણે અંધારે શું છે? કોની હારે વડચડ કરી રહ્યો છે?” “આપા જોગીદાસ ખુમાણ! હાલ્ય હાલ્ય, ઝટ હાલ્ય, આપણો બેયનો ભાગ. પેટી ભરીને ઘરાણાં.” “પણ કોણ છે?” “તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે, કરી નાખ ટુંકુ.” “રાઘા!” હસતા હસતા જોગીદાસ બોલ્યા, “તું કાઠી ખરો, પણ ચોર-કાઠી! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે, બોન નાનીબા હારે નહિ. ઈ તે મારી મા બો'ન ગણાય. અને વળી અબળા, અંતરીયાળ ઓધાર વગર ઉભેલી! એની કાયા માથે કરોડુંનો દાગીનો પણ હિન્દવાને ગા અને મુસલમાનને સુવર બરોબર સમજવો જોવે રાધા! હવે સમજતો જા!” “ઠીક તયીં. જોગીદાસ! તારાં ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારે રસ્તે પડ, અમે એકલા પતાવશું.” રાધો હજુ યે સમજતો નથી. “રાધા! હવે તો તને રસ્તે પાડીને પછેં જ અમથી પડાય. નાનીબાને કાંઈ અંતરીયાળ રઝળવા દેવાય?” “એટલે?” “એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાધો નાનીબાના વેલડાને હાથ અડાડે, તો જેઠા વડદરે એક હાથ તો ઠુંઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા!” “એમ છે? તયીં તો થાજે માટી જોગા!” “માટી તો કાંઈ થયું થવાય છે બા? માએ જન્મયા ત્યારથી જેવા હોયીં એવાજ છીએ રાધડા! બાકી તારે માથે કાળ ભમે છે. માટે ભલે હાલ્યો આવ્ય.” રાધા અને જેગીદાસે પોતાની ફોજો ભેડવી, ખીસાણ મચી ગયું. પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખીને રાધો ભાંગી નીકળ્યો. કાંપતે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યાં છે. એને હજુ યે ભરોસો નથી કે બહારવટીયાના પેટમાં કુડ કપટ છે કે નહિ. ઉલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ છે. જોગીદાસે હાકલ કરી “એલા ગાડાખેડુ! માને પૂછ કે પાછું દડવે જાવું છે કે ભાવનગર? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહિ.” નાનીબાએ બહારવટીયાના મ્હોંમાંથી મોતી પડતાં હોય તેવાં વેણ સાંભળ્યાં. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવરાવ્યું કે “જોગીદાસભાઈ! વીરા! બો'ન આવડા કરજમાંથી કયે ભવ છૂટશે? ભાઈ, મને ભાવનગર ભેળી કરી દ્યો. હું આવડો ગણ કેદિ ભૂલીશ?” “વેલડાને વીંટી વળો ભાઈ!” જોગીદાસે હુકમ કર્યો. ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો. અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જ્યોતે ઝબુકી વગડાને ઉજમાળો કરવા મંડી પડ્યા, ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટીઆએ રજા લીધી કે “બોન! મા! હવે તમારી હદ આવી ગઈ છે હવે તમે ઘરને ઉંબરે ઉતરી ગયા બાપા! હવે મને રજા છે!” “જોગીદાસભાઈ!” નાનીબાની છાતી છલકી; “તમે ય મારી ભેળા હાલો હું મહારાજને કહીને તમારૂં બહારવટુ પાર પડાવું, તમારો વાળ વાંકો ન થાય.” “માડી! કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી. અને તમારી સિફારસે બહારવટું પાર પડે એમાં જોગીદાસની વષેકાઈ શી? મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીતે લઈશ - કાં મહારાજની સાથે સામસામા છાતીના ઝાટકા લઈ દઈને, ને કાં અરસ્પરસ પ્રીતિની બથું ભરીને, આજ તો રામ રામ! મહારાજને મારા રામ રામ કહેજો.” એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડાં અલોપ થયાં, અને જોગીદાસભાઈ! જોગીદાસભાઈ! એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા. ૧૦ એક દિવસે જોગી લપસ્યો હતો: આજે બહારવટીયો ખરચીખૂટ થઈ ગયો છે. સાથીઓને ખાવા દેવા માટે દાણા પણ નથી. અર્ધો વાલ પણ સોનું મળે તો તે લઈ લેવા માટે એ સનાળીના કાઠી રાઠોડ ધાધલને સાથે લઈને સીમમાં ભટકે છે. એના ત્રાસનો માર્યો કોઈ કણબી સાંતી તો જોડી શકતો નથી. સીમ ઉજ્જડ પડી છે. ઉનાળો ધખે છે, ત્યાં વીજપડી નામના ગામની સીમમાં ચાલતાં ચાલતાં એના ચકોર ભેરૂબંધે નજર નોંધીને જોયું. “શું જેછ રાઠોડ ધાધલ?” “પણે એક કણબી સાંઠીંઉ સૂડે છે. જોગીદાસ, એને જીવતો જાવા ન દેવાય હો!” ઘડીક જોગીદાસનું દિલ પાછું હઠ્યું. “રાઠોડ ધાધલ, ઘણીયું હત્યાયું કરી. હવે તો કાયર થઈ ગયો છું. એને ખેડવા દે હવે.” “અરે પણ એના કાનમાં કાંઈક સોનું હશે. લઈ લઈએ!" “હા, ઈ ઠીક સંભાર્યું, હાલો.” બને અસવારો એ મારગેને કાંઠે ઘોડીઓ ચડાવી અને પાધરી ખેતરમાં હાંકી ઘોડીઓ ઢૂકડી આવી ને જેવા એ ખેડુતે આઠ આઠ ડાબલાની પડઘી સાંભળી, તેવો એ કોદાળી ખંભે નાંખીને ભાગ્યો. ભાગતાની વાર તો રાઠોડ ધાધલે બરછી ઉગામી, ઘોડી દોડાવી, પડકારો કર્યો કે “યાં ને યાં ઉભો રહી જાજે જુવાન! નીકર હમણાં પરોવી લીધો જાણજે!” ભયભીત કણબીએ પાછું વાળીને જોયું. બરછી ચમકતી દીઠી. બહારવટીયાઓની નિશાનબાજીને એ જાણતો હતો. ભાગે તો જીવનો ઉગારો નથી એમ સમજી થંભી ગયો. હાથમાંથી કોદાળી પડી ગઈ. હાથ જોડ્યા. બૂમ પાડી કે “એ બાપા! તમારી ગૌ! મને મારશો મા!” “એલા કેમ અમારાં ખેતર ખેડછ? અમારા રોટલા આાંચકીને શું તારો ઠાકોર પોતાની કોઠીયું ભરશે? બોલ, નીકર વીંધી લઉં છું.” જેગીદાસે ધમકી દીધી. “ભૂલ થઈ બાપા! અટાણ લગી મને કોઈએ કનડ્યો નો'તો તે ભૂલ થઈ. હવે મને મેલી દ્યો. ફરી વાર બાપાનું બારવટુ પાર પડ્યા મોર્ય હું આ દૃશ્યમાં ડગલું જ નહિ દઉં.” “ખા ઠાકરના સમ!" “ઠાકરના સમ!” “ઠીક, અને આ કાનનાં કોકરવાં ને ફુલીયાં ક્યાંથી પેર્યા છે? અમે રોટલા વિના રઝળીએ ને તમે સંધા અમારી જમીનું ના કસ કાઢીને સોને મઢ્યા ફરશો? કાઢી દે સટ. અમારે બે ત્રણ દિ'ની રાબ થાશે. કાઢ્ય.” “કાઢય સટ, નીકર હમણાં આ કાકી છૂટી જાણજે.” એવો રાઠોડ ધાધલનો અવાજ આવ્યો. કણબી જુવાન એ અવાજ દેનારની સામે જુવે તો રાઠોડ ધાધલના હાથની આંગળીઓ પર ચકર ચકર ફરતી બરછી ભાળી. ફડકીને બીજી બાજુ જુવે તો જોગીદાસને ડોળા તાણતો ઉભેલ દીઠો. જાણે કાળનાં બે જડબાં ફાટેલાં હતાં, વચ્ચોવચ્ચ પોતે ઉભો હતો. જરાયે આનાકાની કરે તો જીવ નીકળી જવાની વાર નહોતી. “ઓ બાપા!” આડા હાથ દઈને એ બેાલ્યો; “મને મારશો મા! હું કાઢી દઉં છું” અઢાર વર્ષનો દૂધમલીયો કણબી : મહેનતુ, ભોળુડો અને ભગવાનથી ડરીને ચાલનારો ખેડુત : જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોક્ખું લાલ ચણોંઠી જેવું લોહી ઉછાળા મારી રહ્યું છે : જેને અર્ધે માથે કપાળ ઝગારા મારે છે : એવા આભકપાળો જુવાન : કડીયા ને ચારણીની કોરી નકોર જોડી : કડીયાને છાતીએ કરચલીયાળી ઝાલર અને કસોનાં ઝુમખાં : પકતી ચોરણીની નાડીએ એક દોથો પચરંગી ઉનનાં ઝુમખાં ઝુલે છે : પગમાં નવી મોજડીઓ પહેરી છે : માથાની લાંબી ચોટલીમાંથી બે ઘાટી લટો બેય ખંભા ઉપર ઢળી છે : એવો, કાળી ભમ્મર ને સાફ બે આંખોવાળો રૂપાળો કણબી જુવાન “એ બાપા, મારશો મા!” કહીને પોતાના કાનમાં પહેરેલ પીળા હળદર જેવા રંગના સાચા સેાળવલા સોનાની ચાર ચીજો કાઢવા લાગ્યો : ફકત ચાર જ ચીજો : બે કોકરવાં ને બે ફુલીયાં : કાઢતો જાય છે, રાઠોડ ધાધલની બરછી માથા ઉપર તોળાઈ રહી હોવાથી હાંફળો થાતો જાય છે. કોકરવાં ઝટ ઝટ નીકળી શકતાં નથી. કાઢી કાઢીને એ જોગીદાસે પાથરેલી પછેડીની ખેાઈમાં નાખતો જાય છે. બહારવટીયા કોઈ આવી જવાની બ્હીકમાં “કાઢ્ય ઝટ!” એવો ડારો દે છે, જવાબમાં “મારશો મા બાપા! કાઢું છું!” કહી કણબી કોકરવાં કાઢે છે. એમ છેલ્લું કોકરવું નીકળી રહેવા આવ્યું છે, છૂટા પડવાની હવે વાર નથી. તે વખતે, “મારશો મા! એને મારશો મા! એ બાપા મારશો મા!” એવી આઘેરી રાડ સંભળાણી. બહારવટીયાના કાન ચમક્યા. આંખો એ અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી ચાલી આવે છે. વાજોવાજ દોડતી આવે છે. માથા પર કાંસાની તાંસળી, રોટલાની પોટકી ને છાશની નાની દોણી માંડી છે. તાંસળી ને દોણી ચમકતાં આવે છે. પાસે આવી. પંદર વર્ષની જુવાનડી પૂરેપૂરી વરતાણી. માથે ભાતીગળ ચુંદડી : ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડાનાં અને પેરણાનાં આભલાં ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે છે : ડોકમાં દાણીયું ને ઝરમર : હાથમાં ચાર ચાર તસુની હેમની ચીપો મઢેલ બલોયાં, ગુજરી ને ઠૈયા : પગમાં કડલાં ને કાંબી : આંગળીએ અણવટ ને વીંછીઆ : કપાળે દામણી : આંખડીમાં કાજળ : સેંથે હીંગળો પૂરેલો : એવી ફુલગુલાબી મ્હોંવાળી, ચાર ભેંસોની છાશ ફેરવનારા ધીંગા હાથવાળી, રૂપાળી કણબણ આવી. આવનારીના હૈયામાં શ્વાસ માતો નથી. “એ બાપુ! મારશો મા! એને મારશો મા!” “કોણ છે ઈ?” બહારવટીઆએ હાકલ દીધી. “બાપા! આ મારો વર થાય છે. હજી હમણાં જ હું આણું વળીને આવું છું. એને મારશો મા! અમારી જોડલી ખંડશો મા! કહો તો આ મારો એકોએક દાગીનો ઉતારી દઉં.” “કાઢ્ય, સટ કાઢ્ય!” કહીને જોગીદાસ બાઈ તરફ ફર્યો. એની સામે ખેાઈ ધરી. બહારવટીયો પોતાનું બિરદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરેથી કાંઈ ન ઉતરાવાય એ વાતનું ઓસાણ આ સુંડલો એક દાગીના દેખીને જોગીદાસને ન રહ્યું. એનું દિલ ચળી ગયું. એને ભાન જ ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું છે. કણબણ પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા. ને છતાં ય રાઠોડ ધાધલની ચકર ચકર ફરતી બરછી જુવાનની છાતી સામી તોળાઈ રહી છે. જુવાનની આંખો ઘડીક રાઠોડ ધાધલ તરફ, ઘડીક જોગીદાસ તરફ, ને ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે. ને ઘરાણું કાઢતી કાઢતી કણબણ ફોસલાવી રહી છે કે “બાપુ, એને હવે મારશે મા હો! હું તમને આ તમામ દાગીના ઉતારી દઈશ. અને બાપુ! તમારે વધુ જોતા હશે તે ઘેરે જઈને મારા પટારામાંથી કાઢી લાવીશ. મારા પીયરમાં બહુ સારૂં છે ને, તે મને ઘણો ય મેાટો કરીયાવર કર્યો છે, અને ઈ બધાને મારે શું કરવું છે બાપુ! મારા... એટલું વેણ અધુરૂં રહ્યું, અને રાઠોડ ધાધલના હાથમાંથી બરછી છૂટી. કેમ કરતાં છૂટી? રાઠોડ ધાધલને પોતાને પણ એ વાતની સરત ન રહી. બરછી છૂટી. જુવાનની પહોળી, લોહીછલકતી છાતીમાં પડી, આરપાર નીકળી. જુવાન ધરતી પર પટકાઈ ગયો. બેય બાજુએ લોહીની ધારો મંડાણી. તરફડ! તરફડ! કણબી તરફડવા લાગ્યો. “અરરર!” જોગીદાસના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એની ખોઈ હાથમાંથી વછૂટી પડી. જમીન પર દાગીનાનો ઢગલો થયો. ફાટી આંખે બેય જણા જોઈ રહ્યા. કણબણની બે કાળી કાળી આંખો તાકી રહી. જાણે હમણાં ડોળા નીકળી પડશે! એનું આખું અંગ કાંપી ઉઠ્યું. મરતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે. બાઈએ ધણીની કોદાળી ઉપાડી. ધડુસ ધડુસ પોતાના માથા પર ઝીંકવા માંડ્યું. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોવાળાની લટો ભીંજાણી. મોઢું રંગાઈ ગયું. “કેર કર્યો! કાળો ગજબ કર્યો! રાઠોડ! કમતીયા! કાળમુખા! કેર કર્યો!” જોગીદાસ પોકારી ઉઠ્યો. “કેર કર્યો! અરરર!” રાઠોડ ધાધલના મ્હોંમાંથી પડઘો નીકળ્યો. “રાઠોડ! તારૂ આવું જ મોત થાજો! તુંને ટીપુ પાણી ન મળજો!” જોગીદાસે શાપ ઉચ્ચાર્યો. ને આંહી ધડુસકારા વધ્યા. ન જેઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો. બન્ને બહારવટીયા ભાગી છૂટ્યા. નોખા ૫ડીને નાસી ગયા. ઉભા ન રહેવાયું. રાઠોડ ધાધલનું ભારી બુરૂં મોત થયું. અને જોગીદાસના વંશનું આજે સત્યાનાશ નીકળી ગયું છે.