સોરઠી બહારવટીયા - 2/૧૭
માવતર મદઈપણું કરે, જાય બારવટે જે
એનાં છોરૂને ચણ્ય દે, (તું) વેંડારછ વજપાળદે!
(હે વજેસંગ ઠાકોર! જેનાં માવતર તારી સાથે શત્રુતા કરીને બહારવટે નીકળ્યા છે, તે જ નાનાં બચ્ચાંને તું પોષણ આપીને તારે ઘેરે પાળી રહ્યો છે.] જોગીદાસનાં રાણી, બે દીકરા ને એક દીકરી, એમ ચારે જણાને ઝાલી લઈ મહારાજે ભાવનગર તેડાવી લીધાં હતાં. રાજ-રખાવટથી જ એ બંદીવાનોને રાખવામાં આવ્યાં હતાં. દરબારગઢની અંદર જ એ કુટુંબનો આવાસ હતો. આજે બહારવટીયાનો આદમી ત્યાં જઈ છુપી રીતે 'આઈ'ની પાસેથી સમાચાર લઈને ભાણગાળે આવેલ છે. જોગીદાસ પૂછે છે: “બાળબચ્ચાંના કાંઈ સમાચાર લાવ્યો છે ભાઈ?" “આપા! આજ તો આઈએ મોટે ટીપે આંસુડાં પાડતાં પાડતાં સમાચાર કહેવરાવ્યા છે.” “આંસુડા પાડ્યાં? કેમ? થાકી ગઈ કાઠીઆણી? ભાવનગરના રાજદરબારમાં કાંઈ રખાવટ મોળી પડી? ઠાકારે કાંઈ કહ્યું?” “આપા! કોઈએ કાંઈ કહ્યું નથી કે કારવ્યું નથી. આઈ થાક્યાં યે નથી. પણ આ આંસુડાં તો ઘણમૂલાં કે'વાય.” “શું કેવરાવ્યું છે?” “કેવરાવ્યું છે કે કાઠી! હવે બારવટુ કોના સામું કરો છો? મહારાજ તો દેવનો અવતાર છે. મહારાજે પોતે જ આપણી દીકરી કમરીબાઈને ડેડાણ કોટીલાને ઘેરે પરણાવી. અને એક લાખનો દાયજો દીધો. દુશ્મન ઉઠીને બાપ થયો!” “હા! ઈ વાત હું જાણું છું, મહારાજ આપણાં ગામ ખાય છે, તે દાયજો કરે, બાપ! બીજું કાંઈ?” “બીજું તો કાઠીને કે'જો કે થોડા દિ' પહેલાં આપણો લાખો ને હરસુર બેય જણા કુંવર નારૂભા ને અખુભાની સાથે રમતા'તા. એમાં લાખે કુંવર નારૂભાને લપાટ મારી. કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા. જઈને કહ્યું કે "મને લાખે ખુમાણે માર્યું.” તે ટાણે મહારાજના મ્હોંમાંથી શા શબ્દો નીકળ્યા કાઠી! મહારાજે કહ્યું કે “બેટા! એનો વાંધો નહિ. એનો બાપ રોજ અમને મારે છે, તો પછી દીકરો તને મારે એમાં નવાઈ શી? અમે ય વાંસો ચંચવાળી રહીએ છીએ!” “કાઠી! આખા દાયરાની વચ્ચે પોતાના ટીલાત કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડ ખડ હસી પડ્યા, પછી પોતે નારૂભાને હેતભર્યે હૈયે કહ્યું કે “ભાઈ! ઈ કેમ ન મારે? એને શું ખીજ ન આવે? એના બાપ આજ પંદર વરસથી ગામ ગરાસ ખોઇને ડુંગરામાં પાટકે છે. પાણાનાં ઓશીકાં કરેછે. ઈ દાઝનો માર્યો દીકરો આપણને ઠોંટઠાપલી કરે તે ખમી ખાઈએ ભાઈ! એને માથે દુ:ખનાં ઝાડ ઉગ્યાં છે.” કાઠી! આખો દાયરો થંભી ગયો. અને મહારાજે લાખાને ખોળામાં બેસારીને ઉલટું એના હાથની હથેળી પંપાળી, અને પૂછ્યું કે “બાપ! તુંને તો વાગ્યું નથી ને?” કાઠી! આવી રખાવટ રાખનારની સામે હવે કયાં સુધી ઝૂધ કરવાં છે? અાવા દેવશત્રુને ખોળે તરવાર મેલી દેતાં ના લાજીએ. અને હવે હાલ્યા આવો! મહારાજના ભેરૂ બનો. સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટીયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખુણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારે કોર અંધારાં છવાઈ ગયાં.