સોરઠી બહારવટીયા - 2/૫.
દિવસ આથમે ને જેમ ટપોટપ આભમાં એક પછી એક તારલા ઉગતા આવે, તેમ અમરાપરના પાદરમાં પણ શ્રાવણ શુદ એકમની સાંજે દિવસ આથમવાની સાથે જ ગામડે ગામડેથી વાઘેરો આવવા લાગ્યા. દોઢસો વાઘેરોનો સંઘ, કેડીએ કેડીએથી આવીને અમરાપરને પાદર મુળુ માણેકના નેજા નીચે ખડો થયો. સામસામા જે રણછોડ! રણછોડ! ના સૂર બંધાઈ ગયા અને બધા બથો ભરી ભરી ભેટ્યા. આખું દળકટક અમરાપરથી ઉપડ્યું. અને જ્યાં સીમાડે પગ માંડ્યા ત્યાં ડાબી કોર ગધેડો ભૂંક્યો. “મુરૂભા! તારી ફતેના ડંકા જાણજે. ડાબો ગધેડો ભૂંક્યો. લાખ રૂપીઆનાં શુકન થાય છે.” બારાના ઠાકોર જેઠીજીએ શુકન પારખીને મુબારકી દીધી. “સવારને પહોર દ્વારકા આપણું સમજજે મુરૂભા." વસઈવાળાએ મુળુને ચડાવ્યો. “દ્વારકા મળે કે ન મળે, આપણું કામ તો હવે આ પાર કાં આ પાર મરી મટવાનું છે ભા!” મુળુભા પોરસ ખાઈને બોલ્યો. પ્રાગડના દોરા ફુટ્યા. અને દ્વારકાના ગઢ અગ્નિકોણથી મુળુ માણેકે “જે રણછેડ!” કહી નીસરણી ઉભી કરાવી. પણ નીસરણી એક હાથ ટુંકી પડી. ગઢ એટલો છેટો રહી ગયો. મુળુએ હાકલ પાડી કે “ભાઈ! ક્યો વાઘેર બચ્ચો માનું ધાવણ ધરાઈ ધરાઈને ધાવ્યો છે? છે કોઈ ઠેકનારો?” “હું!” કહીને પતરામલ માંયાણી નામનો જુવાન ચડ્યો. મ્હોંમાં તલવાર પકડીને એણે ઠેક મારી, “જે રણછોડ!” કરતો ગઢ માથે ગયો. ત્યાંથી ફાળીયું નાખીને બીજા સહુને ચડાવ્યા. અત્યાર સુધી છાનુંમાનું કામ ચાલ્યું. પણ જેમ ગઢને માથે બસો દાઢીમૂછાળા ચડી ગયા, અને છતાં પણ આખો કિલ્લો અડદના દાણા છાંટયા હોય તેવા ઘારણમાં ઘોંટાઈ રહ્યો છે એવું જોયું, તેમ તો ઓખામંડળ આખોય ઉમટ્યો : વાઘેરનું એકેએક ખેારડુ હલક્યું. જે રણછેડ! જે રણછોડ! ના લલકાર મચ્યા. હૈયેહૈયું દળાણું. દિવાલો સાથે આફળતા દરિયા ઉપર સૂરજ મહારાજે મ્હોં કાઢ્યું, સમુદ્રે શંખનાદ ગજાવ્યા અને મુળુએ ચસ્કો કર્યો : “જોધો કાકો અચેતો! પાંજો પે અચેતો! હણેં ફતે હુઈ વઈ!” જોધો માણેક ચાલ્યો આવે છે. ઓચીંતો આ વિજય-ટંકાર દેખીને એના મ્હોં પર વાદળી છવાઈ ગઈ છે. વાઘેરોને ઉન્માદે ચડ્યા દેખી, દારૂડીયા જાદવાના સરદાર કૃષ્ણની માફક એને વિમાસણ ઉપડી. પણ જોધો સમય વર્તી ગયો. “જે રણછેડ કાકા!” “જે રણછેડ મુંજા પેટ! રંગ રાખી ડીનો ડીકરા!” કહેતો જોધો નીસરણીએ ચડ્યો, આડસરની નીસરણી કડાકા લેવા માંડી. અને ભૈરવની ફોજ જેવા વાઘેરોએ બજારમાં ઓડા બાંધી લીધા. “નારાયણરાવ ક્યાં છે? એની મેડીમાં કો'ક પહોંચો. ઈ જુલમના કરનારાને પગે ઝાલીને બે ફાડીયાં કરી નાખીએ, ઝાલો ઈ મહેતાને!” મુળુ માણેકે હુકમ દીધો. “નારાયણરાવને સજા મળી ગઈ, મુરૂભા!” મેડીએથી માણસે આવીને કહ્યું. “કાં?” “પાયખાનામાં થઈને ભુંડે હાલે ભાગી છૂટ્યો.” “ક્યાં ગયો?” “જામપુરામાં.” “જીવતો જાશે બેટો?” “જાવા દે મુરૂભા. બાપ, ભાગતલને માથે ઘા ન્હોય.” જોધાએ ધીરેથી શીખામણ દીધી. ત્યાં સામેથી ધડ! ધડ! ધડ! બંદુકોના ચંભા થાતા આવે છે. રીડીયા થાય છે. અને ભેરી ફુંકતો ફુંકતો ગાયકવાડી સૂબો બાપુ સખારામ ફોજ લઈ હાલ્યો આવે છે. “આ કોણ?” “બાપુ સખારામ. બીજો જાલીમ, જીવાઈને બદલે ગાળો દેનારો. એની તો જીવતી ચામડી ઉતરડી નાખીએ. " પાંચ દસ લડવૈયાને લઈને બાપુ સખારામ વાઘેરોના વાદળ સામે ધસ્યો આવે છે. અને મુળુ માણેક બંદુક લઈ એને ટુંકો કરવા દોડે છે. “ખમ્મા! ભાઈ, જાળવી જા!” કહીને જોધાએ મુળુનું બાવડું ઝાલ્યું; “એને મરાય? આટલી ફોજ સામે નીમકની રમત ખેલવા એકલો હાલ્યો આવે છે. છોડી દે એને.” મુળુ થંભી ગયો. છેટેથી અવાજ દીધો “હાલ્યો જા ભાઈ, ગાયકવાડના કુતરા, તને શું મારૂં?" પછી હુકમો દેવાયા. “ભીમા! તું વરવાળુ માથે પહોંચ ન જીતાય તો મ્હોં દેખાડતો મા. દરિયામાં ડુબી મરજે.” ભીમો માણેક ફોજ લઈને વરવાળુ ગામ પર ઉપડ્યો. “અને દેવા છબાણી! તું બેટનો કબ્જો લેજે. તોપને મોઢે ઉડી જાજે, પણ હાર્યાના વાવડ દેવા પાછા મ વળજે.” “જે રણછોડ!” કહીને દેવા છબાણી શંખોદ્ધાર બેટ પર છૂટ્યો. “પણ આ દ્વારકા ખાલી ક્યારે થઈ ગયું? સરકારી માણસો બધાં ક્યાં સમાણાં! " દૂતોએ દોડતા આવીને ખબર દીધાઃ “જોધાભા, જામપરામાં ચારસો સરકારી જણ બેઠા છે.” “લડવાની તૈયારી કરે છે? કે ઓખો છોડીને ભાગવા રાજી છે?” “ભાગવા." “અરે ભાગી રહ્યા. માંડો જામપરાને માથે તોપો! ફુંકી દ્યો! વડોદરે વાવડ દેવા એક છોકરૂં યે જીવતું ન નીકળે.” આવા રીડીયા થયા. અને જોધો ઝાંખો પડી ગયો, ગરવી વાણીમાં એ બોલ્યો: “ન ઘટે, મુંજા પે! એવી વાતું વાઘેરૂંના મ્હોંમાં ન સમાય. એ બચાડા તો ચિઠ્ઠીયુંના ચાકર! અને વળી પીઠ દેખાડીને ભાગે છે. એની ઓરતું, બાલ બચ્ચાં, ઘરડાં બુઢ્ઢાં રઝળી પડે. જાવા દો મારા ડીકરાઓ!” ચારસો ગાયકવાડી ચાકરો, દ્વારકા દુશ્મનોના હાથમાં સુખશાંતિથી સોંપીને સીમાડા બહાર નીકળી ગયા. નગર રાજ્યના મહાલ જામખંભાળીયામાં જઈને ચારસો જણાએ પડાવ કર્યો અને આંહી દ્વારકામાં તો ખંભે ખંભાતી ધોતીયાં, ધધકે લોહીની ધાર, ગોમતી લાલ ગુલાલ, માણેક રંગી મૂળવા! ગોમતી નદી સોલ્જરોના લોહીથી લાલ ગુલાલ બની ગઈ.