સોરઠી સંતવાણી/ગારુડી
Jump to navigation
Jump to search
ગારુડી
ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!
ગોકુળ ગામડાનો ગારડી રે, કાન કોયેં!
કાનુડો બતાવે એને નવનધ્ય આલું બેની!
આલું મારા હૈયા કેરી હારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
ટચલી આંગળીએ વા’લે ગોરધન તોળ્યો વા’લા!
ગૌધન ગાવડી ઉગારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
કાળીનાગનાં કરડ્યાં, બેની! કોઈ નવ ઉગરે વા’લા,
ઝીણી આવે મુને લેરડી રે : કાન કોયે — ભાળેલ રે બેની!.
પતાળે પેસીને વા’લે કાળીનાગ નાથ્યો બેની!
ઉપર કીધી છે અસવારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા,
તમને ભજીને થૈ છું ન્યાલડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.