સોરઠી સંતવાણી/મનવા, જપી લે!
આઠ પો’ર ને રેન દિવસ તમે રટણા રટજો ઘડી ઘડી,
મનવા! જપી લે હરિ! હરિ!
સાચું નામ સાહેબજીનું સમરું ને
ઉન કિરતારે મારી કાયા ઘડી,
ગવરીના નંદ ગણેશને સમરું તો
રિદ્ધિ-સિદ્ધિની વાલે કોઠી ભરી —
રે મનવા જપી લે હરિ! હરિ!
પાંચ તતવરા બન્યા પિસારા ને
સુન-ગઢ સુરતા જાય ચડી,
નૂરતીમેં સૂરતી, સૂરતીમેં રમ લે તો
પૂરણ પાયા તેની ખબર પડી —
રે મનવા! જપી લે હરિ! હરિ!
જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં;
તા બિચ હોજ ભરી;
ઉલટાં નીર સખિર પર ચડિયાં;
અમર લોકમાં લાગી ઝડી —
રે મનવા! જપી લે હરિ! હરિ!
ઇંગલા રે પિંગલા સેવા સાધની
સુખમણા નાડી તોરી સેજે ખડી;
ત્રિકુટી-મ્હેલમેં હુઆ ઉજવાલા,
જલમલ જલમલ જ્યોત જલી —
રે મનવા! જપી લે હરિ! હરિ!
રામગુરુ સ્વામી અમને પૂરણ મળિયા,
અમને બતાવી અમર જડી;
સદ્ગુરુ ચરણુંમાં બોલ્યા દેવારામ,
ખોલ દિયો સાધુ! તેરી કરમ-કડી.
રે મનવા! જપી લે હરિ! હરિ!
અર્થ : હે મન! આઠેય પહોર ને રાત્રિદિવસ તું ‘હરિ હરિ’નું રટણ કરી લેજે. સાચું નામ તો એ પ્રભુનું સ્મરું છું કે જેણે મારી કાયા ઘડી છે. સૃષ્ટિનો આ સમગ્ર પસારો પાંચ તત્ત્વોનો બનેલો છે. સુરતા અર્થાત્ આંતરદૃષ્ટિ શૂન્યના સર્વોચ્ચ મુકામે ચડી જાય. અને નૂરત–સુરત (ચિત્તદૃષ્ટિ)માં તું જો રમણ કરી શકે તો તને ખબર પડી જશે કે તું પૂર્ણ સ્વરૂપને પામ્યો કે નહીં. જલની વચ્ચે કમળ છે, કમળ વચ્ચે કળીઓ છે, ને તેની વચ્ચે હોજ ભર્યો છે. એનાં નીર નીચે જવાને બદલે ઊલટાં શિખર પર ચડે છે, ત્યારે અમર-લોકમાં વૃષ્ટિ થાય છે. ઇડા, પિંગલા ને સુષુમ્ણા નાડી તારી સેવામાં ખડી છે. ત્રિકૂટી મહેલ (લલાટ-પ્રદેશ)માં અજવાળાં થાય છે. ઝલમલ જ્યોત જલે છે. દેવારામ કહે છે કે અમને રામ ગુરુ મળ્યા. તેમણે સદાની જડીબુટ્ટી બતાવી છે. એથી કર્મની કેદ-કડી ઊઘડી ગઈ છે.