સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/કાનિયો ઝાંપડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાનિયો ઝાંપડો

મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો-સો બંદૂકો સાથે સુદામડા ભાંગવા ચાલ્યું આવે છે. સાંભળીને દરબાર શાદૂળ ખવડના માથામાં ચસકો નીકળી ગયો. આજ એને પોતાની આબરૂ ધૂળ મળવાનું ટાણું આવ્યું લાગ્યું. એના તમામ કાઠીઓ ગામતરે ગયા હતા. ગામમાં ઘરડાં-બુઢ્ઢાં વિના કોઈ લડનારો ન મળે. હથિયાર હતાં નહિ, તેમ હથિયાર બાંધી જાણે તેવી વસ્તીયે નહોતી. ઘડીક વાર તો લમણે હાથ દઈને શાદૂળ ખવડ બેસી રહ્યા. ‘પાળ આવે છે! મિયાણાનું મોટું પાળ આવે છે!’ એવો પોકાર આખા સુદામડામાં પડી ગયો, અને એ પોકાર સાંભળ્યા ભેળા તો લોકો ઘરમાંથી ધમાકા દેતાં બહાર આવ્યાં. કાઠિયાણીઓ સાંબેલાં લઈ લઈને ઉંબરે ઊભી રહી. છોકરાં તો પા’ણાની ઢગલી કરી શત્રુઓની સામે ધીંગાણું મચાવવા ટોળે વળ્યાં. કોઈએ કહ્યું કે “બાપુ મૂંઝાઈને બેઠા છે : હથિયાર નથી, માણસ નથી, ગામ લૂંટાશે, બાઈયુંને માથે તરકડાઓના હાથ પડશે. એટલે બાપુ તરવાર ખાઈને મરશે!” “અરે મર્યાં! મર્યાં! અમે શું ચૂડિયું પે’રી છે?” નાનાં નાનાં ટાબરિયાં અને ખોખડધજ બુઢ્ઢા બોલી ઊઠ્યાં. “અને અમે ચૂડલિયુંની પે’રનારિયું શું તાણી કાઢેલ છીએ તે એમ અમારે માથે પારકા હાથ પડવા દેશું? અમારો ચૂડલો જેને માથે ઝીંકશું એની ખોપરીનાં કાચલાં નહિ ઊડી જાય? જાવ બાપુ પાસે, અને એને હરમત આપો.” વસ્તીના જે દસ-વીસ માણસો હતા તે શાદૂળ ખવડની ડેલીએ ગયા; જઈને હોંકારા કરી ઊઠ્યા કે “એ આપા શાદૂળ! એલા શાદૂળો થઈને આમ ક્યારનો વિચાર શું કરછ? અમારાં ખોળિયાંમાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણા શું સુદામડાનો ઝાંપો વળોટી શકે? અરે, હથિયાર બાંધ્ય. તારા ગામની બાયડિયું કછોટા વાળીને ઊભી થઈ ગઈ છે!” ત્યાં એક વાઘરણ બોલી : “અરે બાપ શાદૂળ ખવડ! અમે બધાંય તો સુદામડાનાં ધણી છયેં. તે દી લાખા કરપડાએ નીંભણી નદીને કાંઠે ગામ બધાંને શું નહોતું કહ્યું કે ‘સુદામડા તો સમે માથે!’ તે દીથી આખી વસ્તી ગામની સરખી ભાગીદાર થઈ છે. તારી ડેલી અને અમારા કૂબા વચ્ચે ફરક નથી રહ્યો. સુદામડાને માથે માથાં જાય તોય શું? ધણી છૈંયેં!” ‘હા! હા! અમે બધાં સુદામડાનાં સરખે ભાગે ધણી છીએ!’ — એમ આખી વસ્તી ગરજી ઊઠી. સંવત 1806ની અંદર આખું ગામ એક શત્રુ સામે લડ્યું હતું. તે દિવસથી જ ‘સમે માથે સુદામડા’ના કરાર થયેલા. એટલે કે આખી વસ્તીને સરખે ભાગે ગામની જમીનની વહેંચણ થઈ હતી તે વાત ગામની વાઘરણ પણ નહોતી વીસરી. એક ઝાંપડો પણ એ વખતે ત્યાં ઊભો હતો. ‘એલા, છેટો રે’! છેટો રે’!’ એમ સહુ એને હુડકારતાં હતાં. ત્યાં તો એની સામે આંગળી ચીંધીને એની વહુ કહેવા લાગી : “અને, એ શાદૂળ બાપુ! આ મારો ધણી કાનિયો તમને શૂરાતન ચડાવવા બૂંગિયો વગાડશે. ઈયે સુદામડાનો ભાગદાર છે. અને રોયા! સુદામડા સારુ જો તું આજ મરીશ નહિ ને, તો હું તને ઘરમાં નહિ ગરવા દઉં!’ ઝાંપડો હસ્યો, કાંઈ બોલ્યો નહિ, પણ ગળામાં કોઠી જેવડો ઢોલ ટાંગીને પોતાના રાઠોડી હાથ વડે તરઘાયો વગાડવા માંડ્યો. એની જોરાવર દાંડી પડી, એટલે જાણે કે આસમાન ગુંજવા લાગ્યું. એનું નામ કાનિયો ઝાંપડો. “એલા, ગાડાં લાવો, ઝટ ગાડાં ભેળાં કરો.” એવી હાકલ પડી. કાનિયાને તરઘાયે કાયરને છાબડે પણ હરિ આવ્યા. હડેડાટ કરતાં ગાડાં આવી પહોંચ્યાં. ધબોધબ ગામના ઝાંપા બંધ થયા, અને ઝાંપા આડાં આખા ગામનાં ગાડાં ઠાંસી દીધાં. એની આડા દસ-દસ માણસો તરવાર લઈને ઊભા રહ્યા. ઝાલરટાણું થઈ ગયું. ગામનો બાવો ધ્યાન ધરીને ઠાકર મા’રાજની આરતી ઉતારવા માંડ્યો. પાંચ શેર પિત્તળની એ ઊજળી આરતીમાંથી દસ-દસ જ્યોતના ઝળેળાટ ઠાકર મા’રાજના મોઢા પર રમવા મંડ્યા. ટપૂડિયાં છોકરાં હાંફતાં હાંફતાં ચોરાના એ તોતિંગ નગારા ઉપર ડાંડીના ઘા દેવા લાગ્યાં. અને બીજી બાજુ ઝાંપા બહાર આછા આછા અંધારામાં નીંભણી નદીને કાંઠે દુશ્મનોની બંદૂકની જામગરીઓ ઝબૂકવા માંડી. ઓલી વાઘરણનો કૂબો બરાબર ઝાંપાને પડખે જ હતો. શિકાર કરવાની બંદૂકમાં દારૂગોળી ધરબીને જામગરી ઝેગવી વાઘરણે પોતાના ધણીના હાથમાં દીધી અને કહ્યું : “એય રોયા! તેતર ને સાંસલાં તો રોજ મારછ, તઈં આજ એકાદ મોવડીને મારીને ગામનું ધણીપણું તો સાચું કરી દેખાડ્ય!” વાઘરીને ચાનક ચડી. હાથમાં બંદૂક લઈને ગાડાના ગૂડિયા વચ્ચે ગોઠવાઈને એ બેસી ગયો. મિયાણા આવી પહોંચ્યા. મોખરે એનો સરદાર લખો પાડેર ચાલ્યો આવતો હતો. લખા પાડેરના હાથમાં જે જામગરી ઝગતી હતી તેના અજવાળામાં એની રાક્ષસી કાયા બરાબર ચોખ્ખી દેખાતી હતી. એને દેખતાં જ કૂબાને ઓટે ઊભાં ઊભાં વાઘરણે વાઘરીને ચીસ પાડી : “એય પીટ્યા! જોઈ શું રિયો છો? દે, દે, ઈ મોવડીના કપાળની ટીલડીમાં નોંધીને કર ભડાકો! ને કાચલાં કરી નાખ્ય એની ખોપરીના. દે ઝટ! ચાર જુગ તારું નામ રે’શે.” પણ વાઘરીના હાથ કંપવા માંડ્યા. બંદૂક ફોડવાની એની છાતી ન ચાલી. માથે વીજળી પડી હોય એવો એ ત્યાં ને ત્યાં સજ્જડ થઈ ગયો. તે વખતે એક સુતાર હાથમાં હાથલો લઈને ઊભો હતો. કાનિયાએ તરઘાયા ઢોલ પર ડાંડી નાખી, ત્યાં સુતારનું સત જાગી ગયું. એના મનમાં અજવાળું થઈ ગયું કે ‘હાય હાય! હુંય સુદામડાનો સરખો ધણી! અને આવો લાગ જાય!’ એણે દોટ દીધી. વાઘરીના હાથમાંથી ઝૂંટવીને એણે બંદૂક ખભે ચડાવી. લખા પાડેરના કપાળ સામે નોંધી, દાગી, અને હડુડુડુ દેતી ગોળી છૂટતાં વાર જ લખાની ખોપરીમાં ‘ફડાક!’ અવાજ થયો. હરદ્વારના મેળામાં કોઈ જોરદાર હાથની થપાટ વાગતાં દૂબળા સાધુડાના હાથમાંથી સવાશેર ખીચડી સોતું રામપાતર ઊડી પડે તેમ લખાની ખોપરી ઊડી પડી. જીવતરમાં પહેલી જ વાર હાથમાં બંદૂક ઝાલનારા એ સુતારે રંગ રાખી દીધો. અને પછી તો ‘દ્યો! દ્યો!’ એમ દેકારો બોલ્યો. પાડેર પડ્યો અને અંધારામાં મિયાણા આકુળ વ્યાકુળ થયા. મનમાં લાગ્યું કે ઝાંપામાં કોણ જાણે કેટલા જોદ્ધા બેઠા હશે. ગોકીરો પણ કાળા ગજબનો થઈ પડ્યો. પથરા છૂટ્યા. મિયાણાની જામગરીઓ બંદૂકોના કાનમાં ચંપાવા લાગી. ભડાકા થયા. પણ ગોળીઓ ઠણણણ દેતી ગાડા સાથે ભટકાઈને ભોંયે પડવા માંડી. તોયે એ તો મિયાણાની બંદૂકો! કંઈકને ઘાયલ કરીને લખા પાડેરની લાશ લેતા કે મિયાણા રવાના થયા. ઝાંપા ઉપર તો રંગ દાખી દીધો. પણ કાનિયો ઢોલી ગોતે છે કે ‘આપો શાદૂળ ક્યાં?’ ઝાંપે ડંકતા ડંકતા જે ઘાયલો પડ્યા હતા તે કહે : “કાનિયા! આપા શાદૂળને ગોત, એને બચાવજે.” કાનિયો ઢોલી ધણીને ગોતવા લાગ્યો. હાથમાં ઉઘાડી તરવાર લઈને આપો શાદૂળ ગઢની રાંગે રાંગે અંદરથી તપાસતા તપાસતા ચાલ્યા જાય છે. બીજું કોઈ આદમી એની પાસે નથી. એને ફડકો હતો કે ક્યાંક શત્રુઓ ગઢ ઉપરથી ઠેકીને ગામમાં પેસી જાશે. મિયાણા પણ બહારને રસ્તે બરાબર ગઢની રાંગે રાંગે ચાલ્યા જતા હતા, એવામાં તેઓએ ગઢની દીવાલમાં એક નાનકડું ગરનાળું દીઠું. લાગ જોઈને મિયાણા અંદર પેસવા લાગ્યા, અને પડખે હાડકાંનો એક મોટો નળો પડ્યો હતો, એ ઉપાડીને મિયાણાએ આપા શાદૂળને માથે ઝીંક્યો. પહેલવાન મિયાણાના પ્રચંડ ઘાએ આપો શાદૂળ બેહોશ બનીને ધરતી ઉપર ઢળી પડ્યા. પણ ત્યાં તો ‘ધડ! ધડ! ધડ!’ — એમ કોણ જાણે એકસામટી કેટલી તરવારના ઝાટકા મિયાણાઓને માથે તૂટી પડ્યા. ભૂતનાથના ભેરવ જેવા કદાવર અને ખૂની મિયાણા, મોટા પહાડને માથેથી પથરા પડે તેમ ધરતી ઉપર પડવા લાગ્યા. આ કોની તલવારો ઝીંક બોલાવે છે તે જોવા ઊંચી નજર કરવાનીયે વેળા નહોતી. ‘આ લે! આ લે! લેતો જા!’ — એમ ચસકા થતા જાય છે ને તરવારના ઝાટકા પડતા જાય છે. શત્રુઓનો સોથ વળી ગયો. સામસામી તરવારોની તાળી બોલી ગઈ. પણ કોણ કોને મારે છે તેની અંધારે ગમ ન પડી. મિયાણા ભાગ્યા, અને ભાગ્યા તેટલા પણ દ્વારકાના જાત્રાળુની જેમ સુદામડાની જાત્રાનાં એંધાણ તરીકે તરવારના ઝાટકાની દ્વારકાછાપ લેતા ગયા. એ છાપો દેનારી ભુજા કોની હતી? એ અંધારામાં કોણ, કેટલા જણા વારે આવી પહોંચ્યા હતા? બીજું કોઈ નહિ. એકલો કાનિયો જ હતો. કાનિયો બાપુને ગોતતો હતો. બરાબર ટાણે એ આવી પહોંચ્યો. બાપુનો બેહોશ દેહ પટકાઈને પડ્યો હતો. તેની જ કંમરમાંથી કાનિયે તરવાર ખેંચી લીધી. અને અંધારામાં એની એકલી ભુજાએ પંદર-પંદર ઝાટકા સામટા પડતા હોય એટલી ઝડપથી તરવાર આછટી. એણે એકલાએ દેકારો બોલાવ્યો. સુદામડાને સહુથી વધુ બચાવનાર એ કાનિયો હતો. આપા શાદૂળની કળ ઊતરી, એણે આંખો ઉઘાડી. પડખે જુએ ત્યાં પચીસ-પચીસ ઘામાં કટકા થઈ ગયેલો કાનિયો પડ્યો છે. “બાપુ! સુદામડા — ” એટલું જ એ બોલી શક્યો. પછી એના પ્રાણનો દીવો ઓલવાઈ ગયો. સવારે ચોરામાં ડાયરો ભરાણો. મરેલાઓને દેન દેવાની તૈયારી થતી હતી. બધી લાશો સામે પડી હતી. એ ટાણે માણસોનો અફસોસ ઉડાડવા માટે ગઢવીએ પોરસનાં વેણ કાઢ્યાં : “ખમા! ખમા તને, આપા શાદૂળ! આજ તેં કાઠિયાણીની કૂખ ઉજાળી! જોગમાયાએ સુદામડાનું નાક રાખ્યું. વાહ રણના ખેલણહાર!”

[1]

છોહડાં રણભડાં કે’ એમ સાદો,
લોહ ઝડાકા બેસલડાં,
ભડ ઊભે ઝાંપો ભેળાયે,
(તો) ભઠ છે જીવન એહ ભડાં.

[શાદૂળ ખવડ કહે છે : “હે બળવાન જોદ્ધાઓ, હે તરવારોના સાધેલા વીર નરો, તમે હાજર હો છતાં જો ગામના દરવાજામાં દુશ્મનો દાખલ થઈ જાય, તો વીર એવા શૂરવીરોનું જીવતર ધૂળ મળ્યું.”]

[2]

એમ મરદ લુણાઓત આખે.
સણજો ગલ્લાં નરાં સરાં,
નર ઊભે ભેળાય નીંગરું,
તો નાનત છે એહ નરાં.