સ્વર્ગની નીચે મનુષ્ય/નિવેદન
(પુનર્મુદ્રણ પ્રસંગે)
નિજાનંદ ખાતર કરેલો આ અનુવાદ પ્રકટ થાય છે, ત્યારે કેટલાક મિત્રોનું સુખદ સ્મરણ થઈ આવે છે.
શ્રી રજનીકાંત રાવળે આ લઘુનવલ વાંચવાની ભલામણ સાથે ‘આનંદબજાર પત્રિકા’ના જે વાર્ષિકમાં તે પ્રગટ થઈ હતી, તે અંક હાથમાં મૂક્યો હતો. તેના વાચનના આનંદની પ્રતિક્રિયા ઝીલનાર મિત્રોમાં સૌ પ્રથમ હતા શ્રી ચંદ્રકાંત ટોપીવાળા, શ્રી ચિનુ મોદી અને શ્રી સુમન શાહ. ગૂજરાત વિદ્યાપીઠમાં ત્યારે મોટો સેમિનાર ચાલતો હતો, તેના અતિથિગૃહમાં.
અનુવાદ કર્યો ત્યારે, આ લઘુનવલ ગ્રંથાકારે પ્રગટ થઈ નહોતી. તે પછી આનંદ પબ્લિશર્સ તરફથી તે ગ્રંથાકારે પ્રગટ થઈ છે. તેમાં થોડા ફેરફારો છે, જેમાંથી કેટલાક અનુવાદમાં સામેલ કરી લીધા છે, પણ અંત વિશેનો મોટો ફેરફાર સ્વીકાર્યો નથી, એ મૂળ પ્રમાણે રાખ્યો છે, લેખકની ક્ષમાયાચના સાથે.
બંગાળીમાંથી કોઈ પણ અનુવાદ કરવાનો હોય ત્યારે મુ. નગીનદાસભાઈનું માર્ગદર્શન હોય છે જ. આ કૃતિના અનુવાદ અંગે મેં અમુક કઠિન સ્થળો વિશે જ પૃચ્છા કરી છે, એટલે દોષો રહી જવાનો સંભવ છે, જેની જવાબદારી મારી છે.
અનુવાદ પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ શ્રી સુનીલ ગંગોપાધ્યાયનો હૃદયથી આભાર માનું છું.
આ લઘુનવલનો મલયાલમમાં સચિત્ર અનુવાદ મલયાલમપત્રિકા ‘માતૃભૂમિ’માં ધારાવાહી રીતે પ્રગટ થયેલો, તેમાંથી કેટલાંક રેખાંકન અહીં લીધાં છે. એ માટે એ કલાકારનો પણ આભાર માનું છું.
જાણીતા વાર્તાકાર અને અનુવાદક શ્રી રજનીકાંત રાવળનો આભાર માનું છું. તેમણે આ રચના તરફ ધ્યાન દોર્યું હતું.
આમુક માટે શ્રી રમણલાલ જોશીનો આભાર માનું છું.
સુરુચિપૂર્ણ મુદ્રણ માટે શ્રી રોહિત કોઠારીનો અને પ્રકાશન માટે ગૂર્જરના શ્રી મનુભાઈનો આભર માનું છું.
૨-૨-૨૦૦૨
ભોળાભાઈ પટેલ