સ્વાધ્યાયલોક—૫/નરસિંહ મહેતા વિશે અંગત નોંધ
નરસિંહ વિશે આપણે કંઈ જ જાણતા નથી. બલવન્તરાય તો એના અસ્તિત્વને પણ પ્રશ્નાર્થે છે અને આપણા એ વાસ્તવપ્રિય કવિ-વિવેચક ‘પુરાવો ક્યાં છે?’ એમ પૂછીને હકીકતની નવેસરથી તપાસ માગે તો તે વાજબી પણ છે. આપણી પાસે નરસિંહના હસ્તાક્ષર નથી. એના હસ્તાક્ષરમાં એનાં સમગ્ર કાવ્યોની હસ્તપ્રત તો શું પણ એનું એકાદું કાવ્ય, અરે, એની એકાદી પંક્તિ પણ નથી. એટલું જ નહિ પણ કોઈ સમકાલીનના હસ્તાક્ષરમાં પણ એવું કશું પ્રાપ્ય નથી. નરસિંહે જે ભાષામાં, જે શબ્દોમાં, જે શબ્દક્રમમાં અને એમાંથી પ્રગટ થતા જે લયમાં કાવ્યો રચ્યાં હશે તે કશું ય આપણી પાસે નથી. એક જ શબ્દમાં કહેવું હોય તો નરસિંહનો ‘અવાજ’ આપણી પાસે નથી. અરે, એ ભાષા, એ શબ્દો, એ શબ્દક્રમ, એ લય, એ અવાજની નિકટ હોય એ ભાષામાં એ શબ્દોમાં એ શબ્દક્રમમાં એ લયમાં પણ કશુંય, નરસિંહના મૃત્યુ પછીના દીર્ઘકાળ દરમિયાન અન્ય કોઈ હસ્તપ્રતના અભાવે, આપણી પાસે નથી. ‘હારમાળા’ જો નરસિંહનું કાવ્ય હોય તો તેની હસ્તપ્રત છેક ૧૭૩૧ની છે. આવા કોઈ વિરલ અપવાદ સિવાય એનાં સમગ્ર કાવ્યોની વાચના અર્વાચીન છે. આપણી પાસે નરસિંહનું જીવનચરિત્ર પણ નથી. એની જન્મતિથિ નિશ્ચિત નથી. એના જીવનમાં મુખ્ય પ્રસંગો કયા, ક્યાં અને ક્યારે થયા એ પણ નિશ્ચિત નથી. નરસિંહે પોતે એવા કેટલાક પ્રસંગો — ઝારી, હૂંડી, હાર, મામેરું અને વિવાહ નોંધ્યા છે પણ તે કાવ્ય રૂપે. કૃષ્ણદાસ, ગોવિંદ, વિશ્વનાથ જાની અને સવિશેષ પ્રેમાનંદ અને ત્યાર પછીના કેટલાક અનુગામી કવિઓએ પણ એવા એક કે વધુ પ્રસંગો નોંધ્યા છે તે પણ કાવ્ય રૂપે. કોઈ પણ વ્યક્તિના જીવનના અંગત પ્રસંગો કાવ્ય રૂપે નોંધ્યા હોય તો કાવ્ય કહેવાય કે જીવનચરિત્ર એ એક મહાવિવાદનો વિષય છે. એને અહીં છેડ્યા છંછેડ્યા વિના એટલું જ કહેવું રહ્યું કે ‘જીવનચરિત્ર’ના અર્થમાં નરસિંહનું જીવનચરિત્ર આપણી પાસે નથી. આશ્ચર્યનું આશ્રર્ય તો એ છે કે નરસિંહના અનુગામીઓ જ નહિ પણ પુરોગામીઓ હોય એવા કેટલાક કવિઓનાં જીવનચરિત્ર અને એમનાં કાવ્યોની હસ્તપ્રત સુલભ છે અને એક નરસિંહ–નરસિંહ જેવા નરસિંહનું જ બધું અલભ્ય! ગુજરાતી ભાષાનો પ્રથમ મહાન કવિ નરસિંહ, સૌથી વધુ લોકપ્રિય કવિ નરસિંહ, કવિ તરીકે જ નહિ મનુષ્ય તરીકે, ભક્ત તરીકે પણ મહાન અને સૌથી વધુ લોકપ્રિય એવો નરસિંહ અને એનું જીવનચરિત્ર, એનાં કાવ્યોની હસ્તપ્રત અલભ્ય!
૧૯૬૮