– અને ભૌમિતિકા/અળસિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અળસિયું


આ અળળળળસિયાને
ટેબલ પર મૂક્યું
ખચ્‌ એક
ખચ્‌ બે
ને એમ ફૂટપટ્ટીના
કપાયેલા ત્રણ અલગ અલગ ઈંચ
યરલવ કક્કો વલવલતા,
અલેવલે થઈ
એમ જ રહી ગયા.



વળી અળસિયાની વેંત લઈને
તારી હથેળીને
માપવા મથું છું
પણ આ અળસિયું તો
વળી વળીને
વર્તુળ જ થઈ જાય છે વળી!




‘ળ’એ અળસિયાને મોંમાં મૂકી
મોં બંધ કર્યું : અળસિયું મોંઢામાં મીંડું.
ક્ષણ પછી એણે
થર્મોમીટર કાઢીને
ટેબલ પરની પાણી ભરેલી બરણીમાં
પેન્સિલ મૂકી.




આ એક અળસિયું લીધું

આ બીજું અળસિયું લીધું

આ ત્રીજું અળસિયું લીધું

ને એમ કોરા કાગળ ઉપર
ત્રિકોણની માંડણી કરું છું
પણ અળળળ આ અળસિયાં તો અળવીતરાં!
ભૂમિતિ કે વ્યાકરણ
કાગળ પરથી લસરક લસરી જ
પડે છે ત્યાં!




તારા છૂટા કેશરાશિને
તેં બાંધી દેવાની હઠ લીધી.
એક અળસિયાની ગાંઠ દઈને
એને બાંધી દેતાં
મારાં
દશ અળસિયાં હવે
એમાં અવળસવળ.


૪-૯-૧૯૭૬