The Kite Runner

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Kite Runner cover.jpg


The Kite Runner

Khaled Hosseini

કાઈટ રનર (પતંગ પકડનાર)

૧૯૭૦ના દાયકાના અફઘાનિસ્તાનની વિશ્વાસઘાત અને વિમુક્તિની એક લાગણીસભર દાસ્તાન...
ખાલેદ હોસૈની


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય :

ખાલેદ હોસૈની, કાબૂલમાં જન્મેલા, અફઘાન-અમેરિકન નવલકથાકાર અને તબીબ છે. આ નવલકથા The Kite Runner એમની પહેલી જ કલમ-પ્રસાદી છે, જે ૨૦૦૩માં પ્રગટ થતાં જ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બની ગઈ હતી, અને એમની યશસ્વી કૃતિ સાબિત થઈ હતી. એમની ત્યાર પછીની કૃતિઓ—છે: • A Thousand Splendid Suns • And the Mountains Echoed આ નવલકથાઓએ પણ વિવેચકોની પ્રશંસા જીતી છે, અને લેખકને અગ્રણી સમકાલીન સાહિત્યકાર બનાવ્યા છે. એમના લેખનમાં મહદ્અંશે અફઘાનિસ્તાન પરિવાર અને માનવીની દયા-કરુણા તથા વિમુક્તિની ક્ષમતા જેવાં વિષયવસ્તુબીજો જોવા મળે છે.

વિષયવસ્તુ :

The Kite Runner(૨૦૦૩) ખાલેદ હોસૈની દ્વારા લખાયેલી એક સશક્ત અને લાગણીભરી નવલકથા છે. જેમાં મિત્રતા, પરિવાર, મુક્તિ, વિશ્વાસઘાત જેવા વિષયવસ્તુની ફૂલગૂંથણી કરવામાં આવી છે. આમીર નામનો એક નેરેટર(કથક), અમેરિકામાં રહેતો અફઘાન યુવક છે. જે તેના બાળપણના કાબૂલ નિવાસનાં સંસ્મરણો વાગોળે છે અને એક જીવનપરિવર્તક ઘટનાનું નિરૂપણ કરે છે. આ નવલકથા બેસ્ટસેલર નીવડી હોઈ એના પરથી ફિલ્મ પણ બની છે.

પ્રસ્તાવના :

ભૂતકાળનાં કુકર્મોની જીવન પર અસર, પરિવાર, મૈત્રી, વિશ્વાસઘાત, વિમુક્તિ જેવાં વિષયબીજોને કથા માળખામાં વિકસાવતી આ નવલ અફઘાનિસ્તાનના તોફાની ઇતિહાસને પાશ્ચાદ્ભૂમિકામાં, કાબૂલનો આમીર નામનો કિશોર તેની વાત માંડે છે. એનો બાળપણનો લંગોટિયો મિત્ર હસન તેનો ખાસ દોસ્તાર હતો, પણ પછી વાર્તા આગળ વધતાં વિશ્વાસઘાતનાં પરિણામો, ક્ષમાભાવનાની શોધ અને પ્રેમના ચિરંજીવ બંધન જેવા વાર્તાવળાંકો આવતા જાય છે.

આ નવલકથામાં મારા રસનું શું છે?

કાબૂલમાં અપરાધભાવ-વિમોચનની ખોજ : ઈ.સ.૨૦૦૦ના દાયકાની આ એક સંવેદનશીલ સાહિત્યિક કૃતિ છે. જેની લાખો નકલો દુનિયાભરમાં વેચાઈ ને વંચાઈ ચૂકી છે અને બુક ક્લબની માનીતી, ચાહીતી કૃતિ પુરવાર થઈ છે. તો, ભાઈ, એવું તો શું છે આ નવલકથામાં કે તે આટલી પ્રખ્યાત થઈ છે? આંશિક રીતે કહીએ તો, અમેરિકામાં એ ૨૦૦૩માં પહેલીવાર પ્રગટ થઈ ત્યારે એમાં કંઇક પ્રકારની નવીનતા જોવા મળી કે તે અફઘાન-અમેરિકન લેખક-ખાલેદ હોસૈની દ્વારા, અફઘાન પાત્રો અને અફઘાન ભૂમિકામાં કાબૂલમાં, સેટ થયેલી કથા હતી. પશ્ચિમના ઘણા વાચકોને તો આ ‘કાઈટ રનર’, અગાઉ કદી ન જોયેલી-જાણેલી અફઘાન ભૂમિ અને તેની સંસ્કૃતિમાં ડોકિયું કરવાની બારી જેવી લાગી. એનો દૃષ્ટિકોણ તાજગીપૂર્ણ અને આંતરદૃષ્ટિ નવીન લાગ્યાં. આજે ૨૦ વર્ષ પછી પણ હોસૈનીની આ નવલ એટલા જ પ્રેમ ને પ્રશંસાથી વંચાય છે. અફઘાન ભૂમિકાના જોડાણ કરતાં તેની અપીલ વધુ વૈશ્વિક અને વાસ્તવિક છે. કારણ કે એમાં બાળપણની દોસ્તી, પિતા-પુત્ર સંબંધો અને વયમાં મોટા થવાની પીડાકારી પ્રક્રિયાની વાત ગૂંથાયેલી છે. લેખક, જીવનના કેટલાક મોટા પ્રશ્નો પ્રતિ પણ અંગૂલિનિર્દેશ કરતા જાય છે :- શું આપણો ભૂતકાળ આપણને ડીફાઈન કરે છે? શું સાચું પરિવર્તન શક્ય છે? અને વિમુક્તિનું શું? —આવા બધા પ્રશ્નોને જે રીતે લેખક ડીલ કરે છે, જે અસરકારક અને જકડ-પકડ વાર્તામાં તેને ગૂંથીને મૂકે છે. હૃદયસ્પર્શી વાર્તા અને લાગણીમાં પાત્રો પૂરાયાં છે તે જાણે આપણી જ વાત લાગે છે — માટે આ નવલ આટલી સફળ અને લોકપ્રિય થઈ છે. તો ચાલો, વાચકો! કાબૂલ ઉપડીએ અને કાઈટ રનરનાં પાત્રોને મળીએ. પણ બાય ધ વે, તમારે આની વાર્તા-લાઈન જાણવી હોય તો, છેલ્લા વિભાગમાં પહોંચી જજો.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. વિશ્વાસઘાત :

‘કાઈટ રનર’નો કથક(વાર્તા કહેનાર પાત્ર) અફઘાનિસ્તાનમાં વીતેલા તેના બાળપણ ઉપર એક દૃષ્ટિપાત કરાવે છે... ૧૯૭૫માં આમીર, ૧૨ વર્ષનો કિશોર હતો. કાબૂલમાં તેના પિતા(બાબા) સાથે તે સુખેથી રહેતો હતો. પણ તેમના બાપ-બેટાના સંબંધો હંમેશાં સરળ નહોતા રહ્યા, આમીર જે કાંઈ કરતો તેમાં પિતાની સંમતિ-ખુશી તે શોધ્યા કરતો. આમીરની માતા તો આ બાળજન્મ સમયે જ ગુજરી ગઈ હતી. તેથી પરિવારમાં બાપ-દીકરો બે જ જણા રહી ગયા હતા, તેમને અલી અને હસન(બીજા બાપ-બેટા) જોડે સારી દોસ્તી હતી. કારણ કે તે ગલીને નાકે જ પાસે રહેતા હતા. હસન-આમીર બંને બેસ્ટ ફ્રેન્ડ. પણ તેમના પરિવારનું સામાજિક સ્તર જુદું હતું. અને તેની બંનેને સભાનતાપૂર્વક જાણ હતી કે હસન, આમીરના પિતાના નોકરનો છોકરો હતો. એટલું જ નહિ, બંનેની જાતિ-વંશીયતા પણ ઊંચી-નીચી હતી. આમીર, અફઘાનની બહુમતી પઠાણ જાતિનો અને હસન, ત્યાંની જાતિગત ભેદભાવવાળી હઝારા જાતિનો ! આવા ભેદભાવ છતાં, બાળકોની દોસ્તી તો એનાથી પર હતી. તેઓ તો એકમેકના દિલોજાન જીગરી દોસ્ત હતા. સાથે જ રમવાનું, પતંગ ચગાવવાનું, કપાયેલી પતંગ લૂંટવા દોડવાનું એમને બહુ ગમે... વળી, હસન તો જબરો કુશળ ‘કાઈટ રનર’ — કટી પતંગ પકડનારો ખેલાડી ! પાછો માલિકપુત્ર આમીરનો વફાદાર અને સમર્પિત મિત્ર... તેને માટે ગમે તે સાહસ ખેડવા તૈયાર... પણ એક દિવસ થયું કંઈક એવું કે આમીરની વફાદારી જવાબ દઈ ગઈ, કંઈક અણબનાવ થઈ ગયો, દોસ્તીને નજર લાગી ગઈ... અને પછી બધું બદલાઈ ગયું ! એક વખત પતંગ ઉડાડવાની સ્પર્ધા થઈ. આમીર અને હસન બંનેને જીતવાનાં અરમાન હતાં. અમીરને તો એના પિતાને ઈમ્પ્રેસ કરવાની આ જાણે તક મળી ગઈ અને આખરે એણે એમની સ્વીકૃતિ, પ્રશંસા મેળવી પણ ખરી. તે દિવસે પતંગરસિયાઓ-સ્પર્ધકોની ભીડ વચ્ચેથી હસન કટી પતંગ પાછળ દોડતો દોડતો ક્યાંક અદૃશ્ય થઈ ગયો, દૂર નીકળી ગયો. આથી આમીર તેને શોધવા ગયો... તો થોડે દૂર જતાં એક આઘાતજનક દૃશ્ય જોઈ એ તો હેબતાઈ ગયો... અસફ નામનો એક મવાલી જેવો કદાવર છોકરો, હસનને મારીને હેરાન કરી રહ્યો હતો, કદાચ તેનું જાતીય શોષણ કરી રહ્યો હતો. આ જોઈને હસનને બચાવવાને બદલે, આમીર તો ડરનો માર્યો ત્યાંથી ભાગી આવ્યો... ‘આફતના સમયે કામ આવે તે જ સાચો મિત્ર’ એ કહેવત હસને ખોટી પડતી જોઈ... બસ, ત્યારથી એમની દોસ્તીમાં દરાર પડવી શરૂ થઈ ગઈ... હસન ને આમીર હવે એટલા નીકટના લાગણીભર્યા મિત્રો રહ્યા નહોતા. તેથી આમીરે, હસનનો પીછો છોડાવવા, હસનના ગાદલા નીચે થોડા પૈસા મૂકી દીધા... હસન, આમીરને બચાવવા જૂઠું બોલ્યો કે એ પૈસા એણે ચોર્યા હતા. હસનના પિતા અલીએ આમિરના પિતા-બાબાને કહ્યું કે હવે તે એને ત્યાં કામ કરવા રોકાઈ શકે તેમ નથી કે પડોશમાં રહી શકે એમ પણ નથી... ભલા સ્વભાવનો બાબા, અલીને તેમ ન કરવા વીનવે છે, કે ભાઈ, જે થયું તે ભૂલી જા, અને અહીં જ રહેવાનું-કામ કરવાનું ચાલુ રાખ-છોકરા છે, એ તો ભૂલ કરે ! પણ અલી-હસન એકના બે ન થયા અને બસ્તી છોડી ગયા. બંને પરિવારો, કદાચ કાયમને માટે જુદા થઈ ગયા. આમીર અને હસનની દોસ્તી વિશ્વાસઘાતી કૃત્યથી અંત પામી. હસન મુસીબતમાં હતો ત્યારે આમીર તેને બચાવી તો ન શક્યો, પણ ત્યાર પછીયે તે હસનને હેરાન કરતો રહ્યો. તેના ગાદલા નીચે પૈસા છૂપાવીને, તેને ચોર ઠેરવવાનું કુકર્મ કર્યું. પછી તો આમીરને પોતાની કાયરતા કઠવા લાગી અને અપરાધભાવ પીડવા લાગ્યો. કિશોરાવસ્થામાં છોકરા આવું ન સમજાય તેવું વર્તન કરે. આપણને એમ થાય કે એક વખતનો જીગરી દોસ્ત તેના મિત્ર માટે આવું વર્તન કેમ કરે છે? હસન તો સદા વફાદાર અને સમર્પિત જ હતો, તોયે આમીરે તેનો વિશ્વાસઘાત કેમ કર્યો? અહીં, વાચક મિત્રો, હસન અને આમીર એટલે મનુષ્યમાં એક સાથે રહેલી, એક સિક્કાની બે બાજુઓ જેવી વૃત્તિઓના પ્રતિનિધિ-સારી અને ખરાબ વૃત્તિ-વ્યવહાર-વર્તન ! આપણામાં પણ આવું જ છે કે નહિ? જાતને પૂછી જુઓ. હસન બિચારો એટલો ભલો-ભોળો, નિર્દોષ બાળ જાણે સંત જેવો ! એનામાં બદલો લેવાની ભાવના તો નથી જ, પોતાનો બચાવ કરવાની પણ કોશિષ નથી કરતો. ઉલટાનું, પોતે પૈસા ન ચોર્યા હોવા છતાં, આમીરનું ખરાબ ન દેખાય તે માટે ચોરીનો આરોપ સ્વીકારી લે છે. જ્યારે બીજે પક્ષે, આમીરને નબળો, કાયર, સ્વ-કેન્દ્રી બતાવાયો છે, અને આવા અવગુણોથી તે વાકેફ પણ છે. આથી તે હસનની સચ્ચાઈ ને ભલાઈ સામે ટકી શકતો નથી, એ પોતાને હસનથી ઉતરતી કક્ષાનો માનવા લાગે છે. ‘હું આવા નિર્દોષ-ભોળા દોસ્તની દોસ્તીને લાયક નથી’ એવો અપરાધભાવ(guilt) અને શરમ તે અનુભવે છે. આ થીમ ‘કાઈટ રનર’માં સતત આવતું રહે છે. પણ હસન તો આ બસ્તી છોડી ગયો છે. એટલે એને મળવાનું થતું નથી, એ આમીરના જીવનમાંથી જાણે દૂર જતો રહ્યો છે... આ જાણે આમીરનું ધ્યેય જ હતું તે સિદ્ધ થઈ ગયું છે, છતાં અંદરખાને આમીર ખૂબ વ્યગ્ર, ત્રસ્ત રહે છે... પણ હવે ટૂંકમાં જ આપણે જોઈશું કે આ દેખાય છે એટલું સીધું-સરળ નથી. ભૂતકાળમાં કરેલી ભૂલ, અપરાધ માણસને જંપવા દેતાં નથી, એનો પીછો કરતાં રહે છે. “૧૨ વર્ષની ઉંમરે, હું આજે જેવો છું તેવો બની ગયો છું, ૧૯૭૫ના કાતિલ શિયાળાના દિવસોમાં... મને એ ક્ષણો બરાબર યાદ છે, થીજી ગયેલી ખાડી પાસેની ગલીમાં, નીચા નમીને ડોકિયાં કરતી, નિઃસહાય આંખો,(મારી મદદ ઝંખતી હતી, પણ મેં મોં ફેરવી લીધું ને હું પીઠ દેખાડીને ભાગ્યો !)”

૨. રહસ્યોનું પ્રગટીકરણ :

થોડાં વર્ષો પછી, સોવિયેત-અફઘાન યુદ્ધ શરુ થયું. અને બાબા તથા આમીરે કાબૂલથી ભાગી જવાનું નક્કી કર્યું... અને નસીબજોગે તેઓ અમેરિકા જતા રહેવામાં સફળ થયા, ને કેલિફોર્નિયામાં તેમનું નવું જીવન શરુ થયું. પછીનાં વર્ષોમાં આમીર મોટો થતાં, એક સાથી અફઘાન શરણાર્થીની દીકરી સોરાયાને પરણ્યો; પછી તો એ સફળ લેખક બન્યો... એના જીવનમાં સંઘર્ષો પણ આવ્યા... કેન્સરમાં બાબાનું અવસાન થયું. એના લગ્નજીવનમાં બાળકો ન થઈ શક્યા તેથી દમ્પતી ઉદાસ, હતાશ રહેવા લાગ્યું. અમીરને થયું કે આ એને ભૂતકાળનાં કામની સજા મળી રહી છે. હસનને કરેલો અન્યાય, બેવફાઈ એને ત્રીસીની ઉંમરમાંયે પીડી રહ્યો છે.

એક દિવસ, આમીરને જાણ થઈ કે એનો એક જૂનો ફેમીલીફ્રેન્ડ, પાકિસ્તાનમાં ગંભીર બીમારીમાં છે, તેથી તે એને મળવા પાકિસ્તાન ગયો. એ બીમાર મિત્ર રહીમખાને, હસનનું શું થયેલું તેની વાત આમીરને કરી... હસને લગ્ન કરેલાં અને એક પુત્ર થયેલો પણ કમનસીબે, હસન અને તેની પત્ની, તાલિબાનીઓના હાથે માર્યા ગયાં અને નાનો પુત્ર અનાથ થયેલો. આથી, રહીમખાને અમીરને વિનંતી કરી કે આમેય તારે સંતાન સુખ નથી, તો તું કાબૂલ જઈને અનાથાલયમાંથી હસનના દીકરાને દત્તક લઈ લે. પછી રહીમખાને એક ચોંકાવનારું પારિવારિક રહસ્ય ખોલ્યું... હસન એ વાસ્તવમાં અલીનો નહિ, પણ બાબાનો જ પુત્ર હતો, આમીરના બાપનો ! આનો અર્થ એ થયો કે હસન અને આમીર, એક જ પિતાના સંતાનો હતા—ભાઈઓ ! આનો બીજો અર્થ એ થયો કે બાબા(આમીરના બાપ)નું ચારિત્ર્ય ટકોરાબંધ નહોતું, તેણે તેના સેવક અલીની પત્ની જોડે સહશયન કરેલું અને હસન જન્મેલો... આથી આમીરને એના બાપ પ્રત્યેનું માન-ઈજ્જત સાવ તળિયે બેઠાં- કે મારા બાપ આવા? એમની જોડે શું નજર મિલાવવી? આમીર તો હતાશ, ઉદાસ રહેવા લાગ્યો, પણ રહીમખાને પુનઃ આગ્રહ ચાલુ રાખ્યો કે ‘તું હસનના અનાથ પુત્રને લઈ આવ, કાબૂલ જા... આ મારી આખરી ઇચ્છા છે.’ આમીરને પણ થયું કે, ચાલો પ્રાયશ્ચિતની આ સારી તક પણ છે. હું હસનપુત્રને ઉછેરીશ તો અપરાધભાવમાંથી મુક્ત પણ થઈશ. રહીમખાન યોગ્ય જ કહે છે કે ‘ફરીથી સારા બનવા માટે એક તક અવશ્ય આવે છે.’ ૧૯૭૫ના પેલા કમનસીબ દિવસ પછી પહેલીવાર આમીરના મનમાં નૈતિક ગડમથલ(દ્વન્દ્વ) ચાલી...એ ૧૨ વર્ષનો હતો ત્યારે મિત્રને મુશ્કેલીમાં મથતો જોઈને પણ તે ભાગી છૂટ્યો હતો... તો હવે આ ક્ષણે એણે શું કરવું જોઈએ? ભૂલનો પસ્તાવો કરીને પાવન થવું કે પાપના પડછાયાને લંબાવ્યા કરવો? મારે સારા સાબિત થવું છે તો હસનપુત્રને ઉગારી લઉં તો ચાલે... રહીમખાન જોડેના વાર્તાલાપમાં નવલકથાનું બીજું થીમ વિકાસ પામ્યું-તે છે-રહસ્ય ! રહીમખાને બાબાની ગુપ્ત જાણકારી તેના જ દીકરાને આપી... હસન અને આમીર કેવી રીતે... શા માટે સંબંધમાં હતા એ વાત પણ જણાવી... આમ માહિતી/જાણકારી અને પરિવર્તન-ની સ્વીકૃતિનો પણ સંકેત આપ્યો કે આમીરને સાચી જાણ થઈ કે તેના પિતા કેવા છે, પોતે કોણ છે, અને સૌથી અગત્યનું કે પોતે હવે કેવો બનવા ધારે તો બની શકે છે ! આગળ વધતાં પહેલાં—પિતા-પુત્રના સંબંધના થીમ ઉપર જરા વિચારી લઈએ. આમીરને જાણ થઈ કે બાબા જેવા દેખાય છે, લાગે છે તેવા સજ્જન, ચારિત્ર્યવાન નથી, એટલે કે આમીર અત્યાર સુધી પિતાના અસલ સ્વરૂપથી અંધારામાં જ હતો. પણ બંને વચ્ચે એક લખ્ખણ કૉમન નીકળ્યું કે બંનેએ પોતાના મિત્રોને છેતર્યા હતા. બાબાએ અલીને અને આમીરે હસનને... આથી હવે આમીરનું વલણ તેના પિતા પ્રત્યે બદલાયું એની જોડે આપણામાંના ઘણાનું આવું થયું હોય છે. એ તો ઉંમર, અનુભવ અને સમય જતાં સંતાનોને તેના મા-બાપ ‘કેવાં’ – ભૂલભરેલાં/ભૂલ કરેલાં અને જટિલ સ્વભાવ-વૃત્તિવાળાં હોય છે તેનો ખ્યાલ આવે છે. કદાચ આવી ક્ષણથી આપણે સાચા અર્થમાં ‘મોટા’ પરિપક્વ-થવાની શરૂઆત કરતા હોઈએ છીએ. એ ૧૨ વર્ષનો કિશોર આમીર, હવે ૪૦નો થયો તોયે હજી ‘વિકાસ’ પામી રહ્યો છે, પોતાને સ્વ-ને શોધી રહ્યો છે.. અને હવે એણે માત્ર ‘સારા બનવાની’ તક જ નથી ઝડપવાની, પણ સાથોસાથ, હસનપુત્રની પિતા તરીકેની જવાબદારી પણ નિભાવવાની છે. હવે આપણે એ જોવાનું છે કે હસનપુત્રને શોધવાનું ને દત્તક લેવાનું મિશન કેવું મુશ્કેલ અને ગૂંચવાડાભર્યું બનશે... લાગે છે એટલું સરળ નથી. “જેમણે અમને પોતાનું જીવન આપ્યું હોત, તેવી વ્યક્તિઓને અમે બંનેએ છેતરી હતી... આથી અમારામાં એ સમજદારી ઊગી કે રહીમખાને મને માત્ર મારા જ નહિ, મારા પિતાના પણ પ્રાયશ્ચિત માટે બોલાવ્યો હશે.”

૩. સોહરાબનો ઉગારો :

આમીરે હવે કાબૂલ જઈને તેના ‘ભાઈ’(લંગોટિયા દોસ્ત) હસનનું ઋણ ફેડવાનું હતું. તેના માટે અનાથ દીકરાના નાથ બનવાનું હતું... માટે આમીર હવે ૨૦ વર્ષ પછી પહેલીવાર વતન અફઘાનિસ્તાન જાય છે... અને બે દાયકામાં, તાલિબાની શાસનમાં બદલાઈ ગયેલા અફઘાનિસ્તાનનાં દર્શન કરે છે.. આ તો પહેલાં જેવું તો રહ્યું જ નથી. ગરીબીએ, ગંદકીએ પછાતપણાએ કરવટ બદલી છે. નવો વિકાસ સહેજે નજરે ચઢે છે. આમીર, કાબૂલના અનાથાલય જઈને હસનપુત્ર સોહરાબની તપાસ કરે છે, પણ તે તો ત્યાં નહોતો, કદાચ એને તાલિબાનીઓ લઈ ગયા હશે? પણ તેની તપાસ તો કરવી જ રહી. માટે આમીર પોતાના જીવના જોખમે, તાલિબાની લીડર્સના ઘરે જાય છે. વિધિની વક્રતા જુઓ કે એ તાલિબાની નેતા બીજો કોઈ નહિ, પણ એક વખત હસન ઉપર હુમલો કરનાર અસફ જ નીકળ્યો... આમીરને એ જોઈને ખૂબ દુઃખ થયું કે આ અસફ પણ સોહરાબનો દુરુપયોગ જ કરતો હતો. એને ‘નાચણિયા છોકરા’ તરીકે એની પાસે વેશ્યાગીરીનું કામ કરાવતો હતો. આમીરે, સોહરાબને મુક્ત કરવા અસફ જોડે વાતચીત કરી, પણ અસફ જેવો મવાલી મસલમેન એમ માને ખરો? એ તો ઝઘડો અને મારામારી પર ઊતરી આવ્યો. અને આમીરને લોહીલુહાણ કરી નાખ્યો. એ જોઈને, સોહરાબ પણ વચ્ચે પડ્યો અને અસફને આજીજી કરવા લાગ્યો કે આમીરને છોડી દો, હવે વધુ મારો નહિ. પણ અસફે તેની જંગલિયત ચાલુ જ રાખી, એ જોતાં સોહરાબે તેને એવું લાકડું ફટકાર્યું કે અસફની આંખ ઘવાઈ ગઈ, તે આંખ દબાવીને નીચે પડ્યો. આ લાગ જોઈને આમીર-સોહરાબ ત્યાંથી ભાગી છૂટ્યા. પણ આમીર ખૂબ ઘવાયેલો હોઈ તેને થોડા દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડી. એ દરમ્યાન, આમીરે જોયું કે તેની સોહરાબને દત્તક લેવાની યોજના સાકાર થાય તેમ નથી, તેથી રહીમખાનની બીજી યોજના મુજબ તે સોહરાબને ચેરીટીમાં લઈ ગયો, પણ તે ચેરીટી પણ બંધ થઈ ગઈ હતી... આખરે, આમીરે, સોહરાબને સચ્ચાઈ બતાવી કે, ‘તું મારા ભાઈ હસનનો પુત્ર થાય છે, મારો ભત્રીજો થયો એટલે તું મારી જોડે અમેરિકા ચાલ અને અમારી સાથે પરિવારમાં રહેજે. સોહરાબને શરૂમાં ભરોસો ન પડ્યો, થોડો ડર પણ લાગ્યો, પણ આખરે તે જવા તૈયાર થયો. પણ એમ જવાનું યે સરળ નહોતું. પણ આમીર તેને દત્તક લેવાની વિધિ-કાગળિયાં કરશે અને સોહરાબને જેવું મળવું જોઈએ તેવું જીવન આપશે. બસ, આવી જ કાંઇક રહીમખાનની ગણતરી હતી કે આમીર સારો માણસ બનવા માગે છે તો, સોહરાબને તે પ્રેમથી ઉછેરશે અને એનો અપરાધભાવ દૂર થતો જશે. જોકે હસનને કરેલા અન્યાય, બેવફાઈને એ મિટાવી તો ન શકશે, પણ સોહરાબને માટે તે કંઇક સારું તો કરી શકશે, કંઈક જુદું કરી શકશે. તેમ છતાં, આમ અપરાધભાવમાંથી મુક્તિ માટે થોડો વ્યક્તિગત ત્યાગ, અને હિંમત પણ જોઈએ. પણ આમ નવા છોકરાને પોતાના ઘરમાં સેટ કરવામાં અમીરનું પોતાનું જીવન પણ ખોરવાતું લાગ્યું, તે પહેલાં જેવું રહ્યું નહોતું. જોકે એ જ તો પિતા બનવાની જવાબદારીની કિંમત એણે ચૂકવવાની હતી. તેણે હવે સોહરાબના દત્તક પિતા બનવાનું છે તેથી બધું પ્રાધાન્ય એણે નવા પુત્રને આપવું પડે... આપણે પણ સોહરાબને તાલિબાની ચૂંગાલમાંથી છોડાવી લાવવાની અમીરની હિંમતને દાદ દેવી પડે. એ યુવાન હતો ત્યારે પણ આવાં જોખમો ખેડતો નહોતો, જોખમથી દૂર ભાગતો હવે તે બદલાયો છે. નવલકથાના આ ભાગમાં આમીર હવે પોતાની જાતને અરીસામાં જુએ છે, ભૂતકાળમાં દૃષ્ટિ નાખે છે. અસફ પ્રત્યે આમીરનો પ્રતિભાવ કેવો હતો? એ જ્યારે હાલ વયસ્ક તરીકે મળ્યો અને જે કર્યું, તે એણે વર્ષો પહેલાં કરવા જેવું હતું. એણે અસફનો મુકાબલો બહુ મોડો કર્યો... અને અસફ એટલે બીજું કાંઈ નહિ, પણ એક પાત્રથી વિશેષ છે- આમીરની ભૂતકાળની નિષ્ફળતાઓ અને ડરનું પ્રતીક છે ! એનો મુકાબલો, એની સાથેની મુઠભેડ એ આમીરની વિજયની ક્ષણો હતી. આમીરે નવી મેળવેલી હિંમત અને તાકાતનું પ્રદર્શન હતું. એ બતાવે છે કે વ્યક્તિમાં બદલાવ આવી શકે છે. અંતે સ્વ-નું દર્પણ-દર્શન અને પ્રતીકાત્મકનું બીજું પણ ઉદાહરણ મળે છે. બાળક હતો ત્યારે હસનનો એક હોઠ ફાટેલો હતો, અને અસફ સાથેની મારામારીમાં આમીરનો ઉપલો હોઠ ફાટી ગયો છે, એ પણ શારીરિક સમાનતા એમની વચ્ચેના સંબંધનું સૂચક છે. હસનના મૃત્યુ પછી પણ આમીરનું તેની સાથે જોડાણ ચાલુ રહ્યું. તે તો ‘ભાઈ’ નીકળ્યો. આથી પારિવારિક ભાવના ઓર વધી. “આમીર જાન, અને હવે માનું છું કે એ જ ખરી વિમુક્તિ છે, જ્યારે અપરાધભાવ તમને સારા બનવા તરફ દોરી જાય છે.”

૪. અપરાધભાવ-મુક્તિ :

આમીર, હસનપુત્ર સોહરાબને દત્તક લેવાની પ્રક્રિયામાં પડે છે ત્યારે એને ખબર પડે છે કે એ પ્રક્રિયા કેટલી જટિલ છે, ધારવા જેટલી સરળ નથી. એક તબક્કે તો એને થઈ જાય છે કે આવી બધી મોટી પળોજણ કરતાં તો થોડો વખત સોહરાબને અનાથ ગૃહમાં જ રહેવા દેવો જોઈતો હતો. એ તો એક વાર સોહરાબને લીધા વિના અમેરિકા આવી જાય અને પછી ત્યાંથી દત્તક લેવાની કાનૂની કાર્યવાહી કરે... તો એટલો સમય સોહરાબ કાબૂલ જ રહે... આમીરે આવી શક્યતાની વાત સોહરાબને કરી ત્યારે છોકરો તો હેરાન થઈ ગયો, એને પાછા અનાથાલયમાં જવાની વાત જ બિહામણી લાગી. તે રાત્રે તો એનું મન ડામાડોળ થઈ ગયું અને એણે આપઘાતનો પ્રયત્ન કર્યો. એ તો સારું કે આમીરને એની સમયસર જાણ થઈ ગઈ અને તેણે એમ્બ્યુલન્સ બોલાવી લીધી, પણ બંને માટે એ એક ભયાનક અનુભવ હતો. આથી આમીરે વચલો રસ્તો શોધ્યો કે સોહરાબ આ ઘટનામાંથી જરા રીકવર થયો એટલે એને અમેરિકા લઈ જવા ‘માનવતાના ધોરણે’ વીઝા મેળવવા અને પછી ત્યાંથી દત્તક લેવાની વિધિ કરવી. આમીરપત્ની સોરાયાને પણ આ યોગ્ય લાગ્યું કે બરાબર આ રીતે સોહરાબ એકવાર પરિવારમાં રહેતો થાય, હળેભળે તો સારું થાય. પરંતુ બધું આપણી ધારણા અને આયોજન મુજબ બનતું નથી... અમેરિકા પહોંચ્યા પછીના થોડા મહિનાઓ તો સોહરાબને અને કુટુંબને માટે ઉપાધિના જ રહ્યા... એ છોકરો તો આમ પણ ભયભીત હતો તેથી તે તો શૂન્યમનસ્ક થઈ ગયો. બરાબર બોલે-કરે નહિ અને લગભગ સૂઈ જ રહે... પણ એક દિવસ ૨૦૦૨ની વસંત ઋતુમાં એક ‘નાની પણ અદ્ભુત બીના’ બની... આમીર, સોહરાબને ખુશ રાખવા શક્ય પ્રયાસો કર્યા કરતો. એક દિવસ પાર્કની વિશાળ ખુલ્લી જગ્યામાં એ બંને પતંગ ચગાવી રહ્યા હતા, પહેલી વાર આમીરે આ પ્રયોગ કર્યો હતો કે ચાલ, તું પતંગથી ખુશ થશે ને? બાળપણની પતંગ ચગાવવાની કાબૂલની વાતો એને કરી કે તારા પપ્પા હસન જોડે અમે કેવી રીતે દોસ્તીમાં પતંગ ઉડાડતા, કટી પતંગ લેવા દોડતા, બહુ મઝા કરતા વગેરે... આ બધી વાતોથી કદાચ સોહરાબનું દિલ આનંદમાં રહે અને આમીર પરિવાર સાથે એનું બોન્ડીંગ વધુ થાય... આ યુક્તિ સફળ રહી... છોકરો ખુશ થયો.. પતંગમાં પરોવાયો અને પરિવારમાં પણ ! નવલકથા, આ રીતે સુખદ અને આનંદજનક વાતાવરણમાં, આશાવાદી સૂરમાં અંત પામે છે. સોહરાબની ખુશી પાછી મળી, આમીર કટી પતંગ પાછળ દોડતો બતાવાયો છે, બરાબર લંગોટિયો મિત્ર(ભાઈ) હસન તેને માટે પતંગ પકડવા દોડતો તેમ !

વિવરણ :

નવલકથાના આ છેલ્લા ભાગમાં આમીર, સોહરાબની જવાબદારી સ્વીકારવાનો પ્રયત્ન પૂરા મનથી કરે છે, અને નવી ઉપાધિ વહોરે છે. સોહરાબ ઘણા મહિના બરાબર ભળી શક્યો નહિ, ગુમસુમ રહ્યો, આપઘાતના ઊંબરે જઈ આવ્યો, પણ અંતે આમીરના પ્રયત્ને, ધીરજ અને ખંતથી સોહરાબના માનસિક ઘા રુઝાવા લાગ્યા, તે નોર્મલ થયો. આ બધાં દરમ્યાન આમીરમાં પણ ઘણું પરિવર્તન આવ્યું તે ખૂબ મહત્ત્વનું છે. રહીમખાને ધારેલું તે પ્રમાણે આમીર સારો માણસ બન્યો. એનો પાત્ર-વિકાસ નોંધપાત્ર રહ્યો. નવલકથામાં Mirroringની બીજી ઘટના અંતે પણ મૂકાઈ છે કે આમીર, પોતાના બાળપણને, ભૂતકાળને સમય-દર્પણમાં જુએ છે. બંને મિત્રો કેવા પતંગ ચગાવતા, હળતા-ભળતા, મઝા કરતા હતા. એમ જ તેણે મોટી ઉંમરે હસનપુત્ર સોહરાબ સાથે પાછું કર્યું. પોતાનું બાળપણ તાજું કર્યું જેથી સોહરાબમાં તેનું પ્રત્યારોપણ કર્યું. બાગમાં ખુશીની ચિચિયારી પાડતાં બાળકોની વચ્ચે આ વયસ્ક વ્યક્તિ-આમીર-પણ પુનઃ બાળક બની, બાળક(સોહરાબ)ને ખાતર, કટી પતંગ લેવા દોડવા લાગ્યો... જાણે ભૂતકાળનું પ્રાયશ્ચિત કરી ‘પાપી તેમાં પુણ્યશાળી બનવા’ દોડી રહ્યો છે. (હા. પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે... પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે ! —વાચકોને આ પંક્તિ યાદ હશે જ) વયસ્ક આમીર, પોતાની અંદર રહેલા બાળ-આમીરને જગાડીને અંતે એ બાળસહજ નિર્દોષતામાં, સાફદિલીમાં સાચું સુખ ને જીવનસંતોષ પામે છે. આ રીતે લેખકે, લાખો નિરાશાની કાળી કોરની પાછળ આશાભરી જિંદગીની રૂપેરી તેજરેખા દોરી બતાવી છે — પરિવારનું મહત્ત્વ, હકારાત્મક અને ધીરજપૂર્વકના પ્રયત્નો અને મુક્તિની શક્યતા ! એક સરસ સંદેશ પણ લેખક આપે છે :- ‘આપણે આપણા ભૂતકાળથી મુક્ત થઈ શકતા નથી, અને થવું પણ ન જોઈએ. ભૂતકાળ ભૂલાતો નથી... આપણે એના દ્વારા વ્યાખ્યાયિત પણ ન થવા જોઈએ... નવા આશાવાદી વિધાયક પરિવર્તનની બારી હંમેશા ખુલ્લી રહેતી હોય છે. બદલાવામાં ક્યારેય મોડું થતું નથી, ગમે ત્યારે તમે બદલાઈ શકો છો. આમીરની જેમ, આપણે પણ, ઇચ્છિત કાર્યવાહી કરી શકીએ, જવાબદારી સ્વીકારી શકીએ, અને જેવા બનવા ધારીએ તેવા બની શકીએ છીએ. આ જ છે ‘કાઈટ રનર’નો જીવન-સંદેશ ! “સોહરાબને શાંતિથી સુવાડવા એના રૂમનું બારણું બંધ કરતી વખતે મને થયું કે મારામાં ક્ષમાભાવના આ જ રીતે ઊગશે, એના બહુ ઢોલ પીટવાથી નહિ થાય, પણ મારી દુઃખતી વેદનાઓનું પોટલું બાંધી, મધરાતે કોઈ જાણે-જુએ નહિ તેમ, સરકી જવું સારું...”

ઉપસંહાર :

‘કાઈટ રનર’ એ ખાલેદ હોસૈનીની બહુ જ મર્મસ્પર્શી અને લાગણીપૂર્ણ નવલકથા છે. એમાં પ્રેમ, મૈત્રી, વિશ્વાસઘાત અને મુક્તિના તાણાવાણા ગૂંથાયેલા છે. લેખકની વાર્તાકથન કળા વાચકને અફઘાનિસ્તાનના તોફાની ઇતિહાસમાં યાત્રા કરાવતાં કરાવતાં, પાત્રોના સમૃદ્ધ ચરિત્રવિકાસનું નિદર્શન કરાવે છે. અપરાધભાવ, ક્ષમાભાવ અને મૈત્રીની ચિરસ્થાયી શક્તિ વાચકોના કાનમાં ગૂંજ્યા કરે તેવી રીતે વાર્તા કહેવાઈ છે. ઉંમર, ૧૨ વર્ષનો કાબૂલ નિવાસી આમીર વાર્તાનો કથક તેના લંગોટિયા દોસ્ત હસન સાથે રમતગમત અને પતંગ ઉડાડવા-પકડવામાં કિશોરાવસ્થાનો આનંદ માણે છે... પણ એક દિવસ રમત ટુર્નામેન્ટમાં હસનને જાતીય શોષણનો ભોગ બનતો જોતાં, તેને બચાવવાને બદલે આમીર પીઠ ફેરવી જાય છે, પછી તો બંને મિત્રો અને તેમનાં પરિવારો વચ્ચે દરાર પડી જાય છે, સંબંધો વણસી જાય છે... પછી તો આમીર અમેરિકા જતો રહ્યો, પણ દિલમાં દોસ્તીની દરારનું દર્દ એને દઝાડતું રહ્યું... વર્ષો પછી એને ખબર પડી કે હસન અને તેની પત્ની તાલિબાની આતંકમાં માર્યા ગયા, પણ એનો દીકરો સોહરાબ અનાથગૃહમાં કાબૂલમાં છે. આ સાથે આમીરને બીજું ચોંકાવનારું પારિવારિક રહસ્ય ખબર પડે છે કે દોસ્ત હસન, એ બીજો કોઈ નહિ, પણ પોતાના જ પિતા-બાબા-ના લગ્નેતર સંબંધનું સંતાન છે. એટલે એનો ‘ભાઈ’ થયો. આથી હસન સાથેના ગેરવર્તનનું પ્રાયશ્ચિત કરવા, તેના અનાથ બનેલા પુત્ર સોહરાબને મળવા-મેળવવાનું ગોઠવે છે. તેને તાલિબાની સકંજામાંથી છોડાવી પોતાની સાથે રાખી ઉછેરવાનું વિચારે છે. અને તેને કાબૂલથી છોડાવી અમેરિકા લાવી પરિવારનો પ્રેમ આપે છે. એક દિવસ પતંગ-રમતમાં આમીરનું પ્રતીકાત્મક પાત્ર-પરિવર્તન થાય છે, જે રીતે બાળપણમાં મિત્ર હસન કટી પતંગ પાછળ દોડતો હતો, તે જ રીતે આમીર હવે સોહરાબની કટી પતંગ પાછળ દોડે છે. અને સોહરાબને ખુશી આપી, પોતે પ્રાયશ્ચિત કરી પાવન થાય છે.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. મિત્રતા અને વિશ્વાસઘાત :

બે જુદા જુદા સામાજિક સ્તરના છોકરાઓ - આમીર અને હસનની પાક્કી દોસ્તી અને બાળસહજ રમતચેષ્ટાઓથી વાર્તા ઉઘડે છે. પણ એક નાની ઘટનાથી દોસ્તીમાં મોટું અંતર પડી ગયું, જેનો રંજ આમીરને જીવનભર રહ્યો.

૨. વળતરથી છોડવણી : (પ્રાયશ્ચિત થકી અપરાધભાવથી મુક્તિ)

પોતાના ભૂતકાળનાં અનિચ્છનીય કર્મો અને તેના અપરાધભાવથી મુક્તિ મેળવવા આમીર હવે પ્રયત્ન કરે છે. અમેરિકાથી કાબૂલ આવી સોહરાબનો કબજો લઈ, તેને દત્તક લેવા પ્રયત્ન કરે છે, જેથી એને તે ઉછેરીને હસન પ્રત્યે ક્ષમા વ્યક્ત કરી શકે.

૩. અફઘાનિસ્તાનનો તોફાની ઇતિહાસ :

અફઘાનિસ્તાનની રાજકીય ઉથલપાથલો અને સામાજિક અસ્થિરતાઓની ભૂમિકામાં આ વાર્તા સેટ થઈ છે. પાત્રોના જીવન ઉપર, ત્યાંના તત્કાલીન સમાજજીવન ઉપર રશિયન આક્રમણ અને તાલિબાનોના ઉદયની ભારે અસર છે.

૪. પિતા-પુત્ર સંબંધો :

વાર્તાનાં પાત્રોમાં પિતાઓ અને પુત્રોના સંબંધો, તેની સંકુલતાઓ અને ખાસ કરીને આમીરે પિતાનું (કુ)ચારિત્ર્ય જાણ્યા પછીના સંબંધોની સારી ચર્ચા થઈ છે.

૫. પતંગ-પકડ દોડ સ્પર્ધા :

કાબૂલમાં યોજાતી વાર્ષિક પતંગ-પકડ દોડ સ્પર્ધા એ વાર્તાનું કેન્દ્રીય રૂપક અને શીર્ષક આધાર સ્તંભ છે. જે સ્પર્ધાભાવ, વિજય અને પિતાનો પ્રેમ પામવાના પ્રતીકરૂપ છે.

નોંધનીય અવતરણો :

  • ‘પાપ કે કુકર્મ એક જ છે, અને તે છે ચોરી... જ્યારે તમે જૂઠું બોલો છે, ત્યારે તમે કોઈના સત્ય બોલવાના અધિકારની ચોરી કરો છો.’
  • ‘જ્યારે તમે માણસની હત્યા કરો છો, ત્યારે એક જીવ(ન)ની ચોરી કરો છો, પત્નીના પતિ પરના અધિકારની ચોરી છે એ, બાળકના એના પિતા ઉપરના અધિકારની ચોરી છે.’
  • ‘બાળકો એ કાંઈ ચિત્રમાં રંગપૂરણીની કિતાબ નથી કે જેમાં તમે તમારા ગમતા રંગો પૂરી શકો.’
  • ‘પોતે જે માને છે તે જ ખરું, એવું માનનારા લોકો એમ નથી વિચારતા કે સામેના પણ એવું જ માનતા હોય છે.’