અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/આ અમે નીકળ્યા—

Revision as of 10:17, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આ અમે નીકળ્યા—|રાજેન્દ્ર શુક્લ}} <poem> સાંજ ઢળતાં જ રોશન થતા,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આ અમે નીકળ્યા—

રાજેન્દ્ર શુક્લ

સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતા;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા,
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતા!

ઓશીકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા!

ચાર ખૂણા હજી સાચવીને ઊભા
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં,
જો ઊડે આભમાં પાંખ ફફડાવતાં!

સો અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે—
કોણ છલકી જતાં, કોણ છલકાવતાં!

ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતા સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભુલાવતાં!
(૧૭-૨૩ એપ્રિલ, ૧૯૭૭)