અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ફળિયે ફૉરી દાડમડી

Revision as of 09:11, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફળિયે ફૉરી દાડમડી|મનોહર ત્રિવેદી}} <poem> ફળિયે ફૉરી દાડમડી ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ફળિયે ફૉરી દાડમડી

મનોહર ત્રિવેદી

ફળિયે ફૉરી દાડમડી ને દાડમડીનાં ફૂલ કે વાંકો ડોલરિયો.
ફૂલની ઊઘડી આંખ :
આંખની ઝલમલ ઝલમલ ઝૂલ કે વાંકો ડોલરિયો.

પગમાં ઊડશે સીમડી કાંઈ સીમે સૂકું ઘાસ કે વાંકો ડોલરિયો
છતાં તમારે હોઠે ફરક્યો ભીનો ચૈતર માસ કે વાંકો ડોલરિયો

વનવગડામાં વાડિયું એક વાડી લચકાલોળ કે વાંકો ડોલરિયો
પાણી સીંચશે પાતળિયો સખી ન્હાશે માથાબોળ કે વાંકો ડોલરિયો.

અડખેપડખે કેડિયુંમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
પછવાડેના ઓરડે કોણ ગૂંથશે સૈયર વાળ કે વાંકો ડોલરિયો

આગળપાછળ આંગણું ને વચાળ ઊભું ઘર કે વાંકો ડોલરિયો
ઘરહીંડોળે ઝૂલે સખી ને હૈડે રાજકુંવર કે વાંકો ડોલરિયો

ગામ ગોંદરે તલાવડી ને તલાવડીમાં નીર કે વાંકો ડોલરિયો
નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો