અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ધોમ ધખ્યા બપોર

Revision as of 09:24, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધોમ ધખ્યા બપોર|મનોહર ત્રિવેદી}} <poem> :: નળ્યના બાવળઝુંડથી ઊઠી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધોમ ધખ્યા બપોર

મનોહર ત્રિવેદી

નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક

આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું
ગોતણ્યે ચડેલ કોઈ માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું
કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી
આકાશથી ઝવે એકધારી તડકાળ આ શેડ્યું
એકલવાયું વાદળું એવું લાગતું જાણે
કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને કોય ઉખેડ્યું

છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક

ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી
એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર
ભેખડે-ભેડે સાદ ભલે ને દઈએ તોપણ
કાનસોરો ના આપશે અહીં ધોમધખ્યા બપ્પોર
એટલામાં તો પોપટ-મેના-કાબર-વૈયા-ચકલાં
ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર.

મોકળા મને જાય ક્‌હેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે,
આય તે અલ્યા આપણો મલક
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક.