અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જવાહર બક્ષી/...વાર લાગી

Revision as of 05:38, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|...વાર લાગી|જવાહર બક્ષી}} <poem> બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


...વાર લાગી

જવાહર બક્ષી

બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગી
હાર ને જીતથી પર હતા એટલે ખેલતાં ખેલતાં વાર લાગી.

ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો
પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતાં, ગેલતાં ગેલતાં વાર લાગી.

કોઈ રાખ્યા નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની
ટહેલતાં ટહેલતાં છેક પ્હોંચી ગયા, સ્હેલતાં સ્હેલતાં વાર લાગી.

ચંદ્ર-સૂરજ વિના આમ અમને અમે ધીમે-ધીમેકથી ઓળખાયા
મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલતાં રેલતાં વાર લાગી.

ભૂલતાં ભૂલતાં ભાન ભૂલ્યા, પછી ઝૂલતાં ઝૂલતાં ખૂબ ખૂલ્યા
ખૂલતાં ખૂલતાં પણ તમારા સુધી ફેલતાં ફેલતાં વાર લાગી.

આમ અનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બેક પ્યાલા
ઝીલતાં, ઝાલતાં, મ્હાલતાં, માણતાં, મેલતાં મેલતાં વાર લાગી!
નવનીત સમર્પણ, જુલાઈ, ૨૦૧૦