અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નાશાદ’/ઝરણ જેવું
Revision as of 07:42, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝરણ જેવું|નાશાદ}} <poem> ::::::::::::મને લાગ્યા કરે છે દિલ મહીં વહેતા ઝ...")
ઝરણ જેવું
નાશાદ
મને લાગ્યા કરે છે દિલ મહીં વહેતા ઝરણ જેવું,
નયન સામે છતાં દેખાય છે, એક આવરણ જેવું.
હજારો યુગ વિતાવ્યા મેં ફકત આ એક જીવનમાં,
કહ્યું કોણે કે, જીવન હોય છે બેચાર ક્ષણ જેવું?
મરકતું હાસ્ય તારા હોઠ પર આવ્યું ન આવ્યું ત્યાં
મળ્યું મુજને કવિતાના રૂપાળા એક ચરણ જેવું.
તમન્નાઓ, ઉમંગો, પ્રેમ, આશાઓ, નિરાશાઓ,
જીવન જાણે બન્યું આ સર્વના એકીકરણ જેવું.
બધું બીજાને આપી દે મને કંઈ દુઃખ નથી એનું,
મને બસ છે, મળી જાયે અગર તારા ચરણ જેવું.
જીવન પુસ્તકનાં પાનેપાન મેં પોતે વિખેર્યાં છે.
નથી રાખ્યું જીવનમાં મેં કશું બાહ્યાચરણ જેવું.
યદિ આવી જશું તુજ સ્વર્ગમાં તો જોઈ લેજે તું,
થશે ત્યાં પણ બધે સંસારના વાતાવરણ જેવું.
અમે ‘નાશાદ’ એવા યુગ મહીં જીવી રહ્યા આજે,
જીવન ક્યાં છે જીવન જેવું, મરણ ક્યાં છે મરણ જેવું!
ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૬૪)