અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/યુદ્ધ વિશે
Revision as of 11:18, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુદ્ધ વિશે|કમલ વોરા}} <poem> અડધી રાતે જોરજોરથી ખખડતા બારણાના...")
યુદ્ધ વિશે
કમલ વોરા
અડધી રાતે
જોરજોરથી ખખડતા બારણાના અવાજે
એ સફાળો બેઠો થઈ જતો
પથારીમાંથી માંડ ઊભો થતો
લાકડી ફંફોસી
લથડતી ચાલે બારણા સુધી પહોંચતો,
ઉઘાડતો અને
ડાબે જમણે જોઈ રહેતો
ક્યાંય કોઈ નહીં
આખું સચરાચર ભેંકાર
એક પાંદડું સુધ્ધાં ફરકતું ન હોય
આકાશમાં અજવાળું પણ થીજી ગયું હોય
કોણ હશે
કોઈ તો હશે
કોઈક નક્કી બારણે આવી
આ કાળોતરા અંધારામાં રાતવાસો કરવા
એકધારું ખખડાવતું હશે.
થોડી વાર રાહ જોતો એ ઊભો પણ રહેતો
પછી ભારે પગલે પથારી તરફ પાછો ફરતો
ઉઘાડા રાખેલા બારણામાંથી પથરાતા
સૂમસામ અંધારાની ગંધ એને જંપવા ન દેતી
કદાચ આગંતુક એ પોતે જ હોય અને
ક્યાંય સુધી એણે આ બારણું ખખડાવ્યું હોય
એ શંકા ઝબકી જતાં
એ ઘરની અંદર છે કે બ્હાર એ વિમાસણમાં
રાત પછી રાત જાગતો પડ્યો રહેતો.
સન્ધિ, ઑગસ્ટ