ગુજરાતી બાળવાર્તા સંપદા/બુદ્ધિશાળી છોકરો

Revision as of 02:05, 10 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બુદ્ધિશાળી છોકરો

સાકળચંદ. જે. પટેલ

એક મોટા શહેરની આ વાત છે. એ શહેર રેલવેનું મોટું જંકશન સ્ટેશન હતું. તેથી એ લાઈન ઉપર ઘણી ગાડીઓની આવ-જા થતી હતી. મોટરગાડી, ખટારા તથા બીજાં વાહનોની અવર-જવર માટે રેલવેલાઈનની નીચે એક ગરનાળું બનાવ્યું હતું. એ ગરનાળામાંથી વાહનો સહેલાઈથી પસાર થઈ શકતાં હતાં. એક વખતની વાત છે. રૂ ભરેલો એક ખટારો બરાબર ગરનાળાની વચ્ચે આવીને ફસાઈ ગયો. ખટારામાં રૂ વધારે ભર્યું હતું, એટલે એની ઊંચાઈ માપ કરતાં વધી ગઈ હતી. ડ્રાઈવરને એની ખબર ન રહી ને ખટારો ઉપરની છત સાથે અડકી ગયો. પછી ડ્રાઈવરે ખટારો બહાર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ ખટારો બહાર નીકળી ન શક્યો. ખટારો ઉપર-નીચે ફસાઈ ગયો હતો. બીજાં વાહનોની અવરજવર અટકી ગઈ. ધીરે ધીરે વાહનોની ઠઠ જામવા લાગી. હવે કાંઈક ઉપાય તો કરવો જ પડે. તરત જ ઈનજેરોને બોલાવવામાં આવ્યા. ખટારાના માલિકે કહ્યું : ‘ખટારાને જલદીમાં જલદી બહાર કાઢવાનો સહેલો ઉપાય બતાવો.’ એક ઈજનેરે કહ્યું : ‘મજૂરોને બોલાવીને ખટારાનાં પૈડાં આગળની સડક ખોદાવી નાખો. બે કલાકમાં કામ પતી જશે. મજૂરોનું અને સડક સમી કરવાનું કુલ ખર્ચ એક હજાર રૂપિયા થશે.’ બીજા ઈજનેરે કહ્યું : ‘સડક ખોદાવવાની જરૂર નથી. બીજો સહેલો ઉપાય હું બતાવું છું. ખટારાના બંધ કાપી નખાવીને એક પડખાનો ભાગ ખોલાવી નાખો. પછી ખટારામાંથી રૂ ખાલી કરી નખાવો. એક કલાકમાં કામ પતી જશે. રૂ ખાલી કરાવવાનું અને ફરીથી ખટારામાં ભરાવવાનું ખર્ચ રૂપિયા પાંચસો થશે.’ ખટારાનો માલિક મજૂરો બોલાવીને ખટારો ખાલી કરાવવાનો વિચાર કરતો હતો. ત્યાં એક ગામડિયો છોકરો ઊભો ઊભો આ બધું જોઈ સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું : ‘મને સો રૂપિયા આપો તો હું તમારો ખટારો દસ મિનિટમાં બહાર કઢાવી આપું !’ બધાંની નજર એ છોકરા પર પડી. પહેલાં તો કોઈને એ ગામડિયા છોકરા પર વિશ્વાસ ન આવ્યો. બધા એની વાત સાંભળીને હસવા લાગ્યા. છોકરાએ ફરીથી કહ્યું: બોલો, સો રૂપિયામાં ખટારો બહાર કાઢવો છે ?’ ખટારાના માલિકે કુતૂહલથી પૂછયું: ‘ખટારો બહાર કાઢતાં કેટલી વાર લાગશે ?’ છોકરાએ કહ્યું: ‘પહેલા હું દસ મિનિટ કહેતો હતો, પરંતુ હવે પાંચ જ મિનિટ લાગશે !’ ખટારાના માલિકે કહ્યું: છોકરા, તારો ઉપાય બતાવ, હું તને સો રૂપિયા આપીશ.’ છોકરાએ કહ્યું : ‘ખટારાનાં બધાં પૈડાંમાંથી અડધી અડધી હવા કાઢી નંખાવો !’ ડ્રાઈવરે દરેક પૈડામાંથી થોડી થોડી હવા કાઢી નાખી, એટલે પૈડાં દબાયાં. ખટારાની ઊંચાઈ ઓછી થઈ. ઉપર થોડી જગ્યા થઈ. પછી છોકરાએ કહ્યું : ‘હવે ખટારો ધીરેથી ચલાવો !’ ડ્રાઈવરે ખટારો ચાલુ કરીને આગળ લીધો. સહેલાઈથી ખટારો બહાર નીકળી ગયો ! ખટારાના માલિકે ખુશ થઈને છોકરાને બસો રૂપિયા આપ્યા. છોકરાની બુદ્ધિ પર આફરીન થઈને પેલા બે ઈજનેરોએ પણ છોકરાને સો-સો રૂપિયા ઈનામમાં આપ્યા.