ગુજરાતી બાળવાર્તા સંપદા/સાચાબોલા શિયાળભાઈ

Revision as of 02:24, 10 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાચાબોલા શિયાળભાઈ

ઈશ્વર પરમાર

એક હતા કાગડાભાઈ. એક હતા શિયાળભાઈ. કાગડાભાઈ ગામમાં રહે. શિયાળભાઈ જંગલમાં રહે. કાગડાભાઈ માળામાં રહે. શિયાળભાઈ કોતરમાં રહે. કાગડાભાઈ રંગે કાળા. શિયાળભાઈ રંગે બદામી. કાગડાભાઈ ઊડે. શિયાળભાઈ દોડે. કાગડાભાઈ ચતુર. શિયાળભાઈ વધુ ચતુર. કાગડાભાઈ આમ ઊડે ને તેમ ઊડે. ઉકરડે બેસે ને અગાસી પર જાય. અગાસીમાં અંજુબહેન બેઠાં છે. બેઠાં બેઠાં પૂરી ખાય છે. કાગડાભાઈએ જોયું. ઝપટ મારીને પૂરી લીધી ચાંચમાં. એ... ઊડીને બેઠા ઝાડ પર. અંજુબહેન રડે છે : ‘એં... એં... એં...’ થોડી વારે શિયાળભાઈ પધાર્યા. ‘કેમ છો કાગભાઈ?” કાગડાભાઈ ચૂપ; બોલે તો પૂરી પડે; પૂરી પડે તો શિયાળભાઈને જ મળે! શિયાળભાઈ : ‘કાગભાઈ, પેલું ગીત તો સંભળાવો, તમારો કંઠ તો સરસ છે.’ કાગડાભાઈ ચૂપ; બોલે તો પૂરી પડે; પૂરી પડે તો શિયાળભાઈને જ મળે. શિયાળભાઈ : ‘કાગભાઈ, રિસાઈ ગયા કે શું? કાગડાભાઈ ચતુર. એમણે પૂરી દબાવી પગ નીચે અને શરૂ કર્યું : ‘કા…કા…કા…કા…’ શિયાળભાઈ : ‘વાહ કાગભાઈ વાહ! હવે નાચ તો કરો.’ કાગડાભાઈ ન હલે કે ન ચલે; ચલે તો પૂરી પડે અને પૂરી પડે તો એ શિયાળભાઈને જ મળે. શિયાળભાઈ : ‘કાગભાઈ, રિસાઈ ગયા કે શું?’ કાગડાભાઈ ચતુર. પૂરી પાછી લીધી ચાંચમાં. કાગભાઈ નાચે-રૂમઝૂમ, રૂમઝૂમ ઠમકૂ, ઠમ્-ઠમક-ઠમ્. શિયાળભાઈ : ‘વાહ કાગભાઈ વાહ! દુનિયામાં સારું ગાનાર ઘણાં છે. દુનિયામાં સારું નાચનારાય ઘણાં છે; પણ એ બંને તો કેવળ તમને જ આવડે છે! હવે નાચગાન સાથે જ થવા દો, કાગભાઈ!’ કાગડાભાઈ ચતુર. પૂરી પાછી પગ નીચે દબાવીને કહે : ‘બેય કરું તો પૂરી પડે; પૂરી પડે તો તમને જ મળે!’ શિયાળભાઈ વધુ ચતુર : ‘અરે કાગભાઈ! પૂરીની મને શી જરૂર? મારી કોતરમાં આવો તો તમને પૂરી દઉં.’ કાગડાભાઈ લોભાયા : ‘હું તો વારે વારે પૂરી માંગીશ.’ શિયાળભાઈ : ‘તમે કહેશો એટલી વાર પૂરી દઈશ, બસ?’ કાગડાભાઈ : ‘જુઓ, કંઈ દગો કરતા નહિ.’ શિયાળભાઈ : ‘હું બોલું તે પાળું; કાગભાઈ ઊડો.’ ‘દોડો શિયાળભાઈ!’ કહીને પૂરી ચાંચમાં લઈને કાગડાભાઈ ઊડ્યા. ગામ છોડ્યું. નદી છોડી. નાની બોડ આગળ ઊભા. એ શિયાળભાઈનું ઘર. શિયાળભાઈ : ‘પધારો કાગભાઈ, આ મારી બોડ. હવે તમારી પૂરી બહાર મૂકી દો. અમારા જંગલની બોડમાં ગામની પૂરી કદી આવે જ નહિ.’ કાગડાભાઈ : ‘પછી મને પૂરી…’ શિયાળભાઈ : ‘મેં કીધું ને કે તમે કહેશો એટલી વાર પૂરી દઈશ.’ કાગડાભાઈ પૂરી બહાર મૂકીને શિયાળભાઈ સાથે બોડમાં ગયા. શિયાળભાઈ : ‘કાગભાઈ, અહીં બેસો, હું તમને પૂરી દઉં.’ કાગડાભાઈ બેઠા. શિયાળભાઈએ બોડ બહાર આવી બોડ આડાં ઝાંખરાં મૂકી દીધાં. કાગડાભાઈ પુરાઈ ગયા. અંદરથી કાગડાભાઈ કહે : ‘વાહ રે શિયાળભાઈ, તમે તો દગો દીધો.’ પૂરી ખાતાં ખાતાં શિયાળ કહે : ‘હું બોલું તે પાળું. તમે કહેશો એટલી વાર તમને પૂરી દઈશ.’ કાગડાભાઈ : ‘તમે કહેલું પૂરી દઈશ.’ શિયાળભાઈ : ‘ના. મેં કહેલું પૂરી દઈશ એટલે તમને પૂરી દીધા. હવે કહો તો તમને બહાર કાઢું.’ કાગડાભાઈ : ‘કાઢો, ભાઈ કાઢો.’ વધુ ચતુર શિયાળભાઈએ ઝાંખરું હટાવીને લોભી કાગડાભાઈને બહાર કાઢ્યા. પેલી પૂરી તો શિયાળભાઈના પેટમાં પહોંચી ગઈ હતી! બાબાભાઈ, વાર્તા થઈ પૂરી. કહો જોઈએ, કે કાગડાભાઈની શી સમજફેર થઈ? અને શિયાળભાઈ સાચાબોલા તો ખરા કે નહિ?