ભરત વિંઝુડાની ગઝલસંપદા/કાળી રાત છે
૨૬
કાળી રાત છે
કાળી રાત છે
તું ય કાળી છે ને કાળી રાત છે
પણ રૂપાળી છે ને કાળી રાત છે
કોણે કોની સાથે પાડી શું ખબર
હાથતાળી છે ને કાળી રાત છે
સામસામે ઝીલવા જેવી જણસ
મેં ઉછાળી છે ને કાળી રાત છે
તેજ કિરણે ચિત્ર એનું દોરીએ
બહુ નિરાળી છે ને કાળી રાત છે
કેમ આગળ ચાલવું કે આ જગા
ખીણવાળી છે ને કાળી રાત છે
પંખીઓ ઊડે તો અથડાઈ પડે
કંઈક ડાળી છે ને કાળી રાત છે
મા તું કાળી છે ને કાળી રાત છે
શક્તિશાળી છે ને કાળી રાત છે!
(મેં કહી કાનમાં જે વાત તને)