આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/O
O
Obituary મૃત્યુનોંધ આ નોંધ મોટે ભાગે વર્તમાનપત્રોમાં આવતી હોય છે અને એમાં સામાન્ય રીતે દિવંગતની જીવન ઝરમર રજૂ થતી હોય છે. Objective correlative વસ્તુલક્ષી સહસંયોજક ‘હેમ્લેટ’ના સંદર્ભે ટી.એસ. એલિયટે આ સંજ્ઞા આપી છે. પોતાને પ્રગટ કર્યા વગર પોતાની વાત કરવામાં, પોતાના અંગત ભાવને કલાત્મક ભાવમાં રૂપાન્તરિત કરવામાં, પોતાના અંગત ઇતિહાસમાં નહિ પણ કવિતા ખુદમાં ભાવનો પ્રાણ રોપવામાં એલિયટે વસ્તુલક્ષી સહસંયોજકને એક મહત્ત્વનું રચનાતંત્ર ગણ્યું છે. એલિયટે આપેલી આ સંજ્ઞા પાછળ એલિયટનો ભાવલોપ અને વ્યક્તિલોપનો સિદ્ધાંત, એનો બિનંગત કવિતાનો સિદ્ધાંત, પડેલો છે. Objective Fallacy પદાર્થપરક દોષ સાહિત્યકૃતિને પદાર્થ માનવાના દોષને પદાર્થપરક દોષ તરીકે અર્લ માઈનરે એળખાવ્યો છે. અર્લ માઈનરનું માનવું છે કે મગજની ક્રિયાનાં વીજાણુ-રાસાયણિક તત્ત્વોના ભૌતિક અસ્તિત્વ પર આધારિત ભાવકના અવબોધ કાર્યમાં સાહિત્ય હયાતી ધરાવે છે. અર્લ માઈનર સાહિત્યકૃતિને અવબોધકાર્ય સાથે અને માનવમગજની ક્રિયાઓ સાથે સઘન રીતે સાંકળે છે. Objectivity વસ્તુલક્ષિતા આત્મલક્ષિતાથી વિરુદ્ધની સંજ્ઞા. લેખક કોઈ પક્ષ લીધા વિના કે ટિપ્પણી કર્યા વગર હકીકતોને જ બોલવા દે એ પ્રકારનું લેખન. લેખકની લાગણી કે એના ભાવોથી મુક્ત વાસ્તવ અહીં અભિપ્રેત છે. Object theory વસ્તુસિદ્ધાંત જુઓ : Act Theory. Obligatory Scene અનિવાર્ય દૃશ્ય રજૂઆત થવા અગાઉ ભાવકને જેની અનિવાર્યતાની જાણ હોય એવું નાટક કે નવલકથાનું દૃશ્ય. જેમ કે ‘સરસ્વતીચંદ્ર’માં નવીનચંદ્રનું બુદ્ધિધનના ઘેર રોકાવું એ હકીકત સરસ્વતીચંદ્ર અને કુમુદના તે સ્થળે યોજાનાર મિલન-દૃશ્યની અનિવાર્યતા ઊભી કરે છે. Obscenity અશ્લીલતા શાલીનતા અને લાલિત્યનું વિરોધી, કશુંક કુત્સિત કશુંક બીભત્સ, અશ્લીલતા શું છે એની વ્યાખ્યા કરવી સહેલી છે પરંતુ કયું સાહિત્ય અશ્લીલ છે અને કયું નથી એનો વિવેક કરવો કઠિન છે. Obscurity દુર્બોધતા વ્યવહારભાષાનું ધ્યેય પ્રત્યાયન દ્વારા તાત્કાલિક અર્થસંક્રમણનું છે અને તેથી એ ભાષા સરખામણીએ સુગમ હોય છે; જ્યારે કવિતાભાષાનું ધ્યેય કેવળ અર્થસંક્રમણ નથી અને તાત્કાલિક અર્થસંક્રમણ પણ નથી અને તેથી એ ભાષા દુર્બોધ હોય છે. બીજી રીતે કહીએ તે વ્યવહારમાં દુર્બોધતા જે દોષરૂપ છે તે કવિતામાં ભાષાને તીવ્ર રીતે સંવેદિત કરાવવાના એક પ્રપંચ રૂપે ઉપસ્થિત થાય છે. આધુનિક સાહિત્યે આ પ્રપંચનો વિશેષ ઉપયોગ કર્યો છે. Occasional verse પ્રાસંગિક કાવ્ય કોઈ ચોક્કસ પ્રસંગ માટે લખાયેલી કૃતિ. પ્રાસંગિક કાવ્ય એમાં રહેલી એની સાહિત્યિક ગુણવત્તાને કારણે સ્મરણીય બને છે. જેમ કે ઝવેરચંદ મેઘાણીનું ‘છેલ્લો કટોરો’ કાવ્ય. Occultism ગૂઢવાદ સામાન્ય જ્ઞાનની સીમાની બહારનું, ગૂઢ બાબતોનું શાસ્ત્ર કે તે અંગેનો વાદ. જાદુ તથા જ્યોતિષશાસ્ત્રને પણ રહસ્યવાદમાં સમાવવાનું વલણ છે. અમેરિકન કથાકાર હોથોર્નની કેટલીક વાર્તાઓમાં રહસ્યવાદનો આધાર છે. ‘ગુજરાતનો નાથ’ (ક. મા. મુનથી)માં કીર્તિદેવની કાળભૈરવ સાથેની મુલાકાત સાહિત્યકૃતિઓમાં થતા આ વાદના વિનિયોગનું ઉદાહરણ છે. Octastich પંક્તિ અષ્ટક કવિતામાં આઠ પંક્તિનું જૂથ. Octave અષ્ટક પેટ્રાર્કશાઈ સૉનેટની પહેલી આઠ પંક્તિનો ખંડ. વિશેષતઃ ખંડની પ્રાસ યોજના આ પ્રમાણે હોય છે. अब अब अब कक. Ode સંબોધનકાવ્ય વ્યક્તિ કે કોઈકને ઉદ્દેશીને લખાયેલી આ રચના ગેય હોવી જરૂરી છે. ગ્રીક-ભાષામાં પિન્ડાર અને લૅટિન ભાષામાં હોરેસ આનાં પ્રશિષ્ટ ઉદાહરણો છે. અંગ્રેજીમાં બેન્જૉનસનથી ટેનિસન પર્યંત વિષયગાંભીર્ય સાથેના લાંબા ઊર્મિકાવ્યના પ્રકાર તરીકે એ જોવા મળે છે. ગુજરાતીમાં નરસિંહરાવ દિવેટિયાનું ‘ચંદાને’ કે કલાપીનું ‘કમલિનીને’ આનાં ઉદાહરણ છે. Omnibus આકરગ્રન્થ, સારસંગ્રહ એક જ લેખકનાં ઘણાં બધાં પુસ્તકોને એકમાં સમાવતો મોટો ગ્રન્થ. મોટે ભાગે પુનર્મુદ્રિત, બધા વાચકોને સહેલાઈથી પહોંચે એ માટે સસ્તી કિંમતે પ્રકાશન થયું હોય છે. ઉમાશંકર જોશીનો ‘સમગ્ર કવિતા’ આ પ્રકારનો ગ્રન્થ છે. One-Act-Play એકાંકી ઓગણીસમી સદીના યુરોપમાં પાંચ અંકી નાટકોના આરંભમાં રજૂ થતી એક અંકની નાટિકા તરીકે આ નાટ્ય-સ્વરૂપ સૌપ્રથમ અસ્તિત્વમાં આવ્યું. પ્રહસન સ્વરૂપની આ નાટિકા મુખ્ય નાટકની પૂર્વભૂમિકા તરીકે રજૂ થતી. ત્યાર બાદ વીસમી સદીના આરંભમાં સ્વતંત્ર નાટ્ય-સ્વરૂપ તરીકે તેનો વિકાસ સ્ટ્રિન્ડબર્ગ, શો, ઓનિલ વગેરે નાટ્યકારો દ્વારા થયો. ગુજરાતીસાહિત્યમાં ચુનીલાલ મડિયા, જયંતિ દલાલ, ઉમાશંકર જોશી વગેરેનું આ નાટ્યપ્રકારમાં મુખ્ય પ્રદાન છે. Onomastics વિશેષ નામવિદ્યા વિશેષ નામોનાં મૂળ અને તેના ઇતિહાસનું અધ્યયન કરતી વિદ્યાશાખા, વિશેષ નામોના પ્રવર્તમાન વિનિયોગો, તેમના ઉચ્ચાર અને તેમની જોડણી તથા અર્થ વગેરેનું અધ્યયન કરે છે. ૧૯૪૫માં પ્રગટ થયેલું જૉર્જ સ્ટુઅર્ટનું ‘Names of the land’ પુસ્તક આ વિષયનું ઉદાહરણ છે. Onomatopoeia રવાનુકરણ, અનુકરણધ્વનિ ધ્વનિ કે નાદમાંથી ઊભું થતું શબ્દનું સ્વરૂપ, શબ્દના અર્થને સૂચવે અથવા વધુ સ્થાપિત કરે ત્યારે એ ઘટના રવાનુકરણની છે. ખાસ કરીને કવિતામાં થતી શબ્દની પસંદગીમાં નાદ અર્થને પ્રતિધ્વનિત કરે ત્યારે જ એનું મહત્ત્વ. જેમ કે, ‘કાન્ત’ના ‘ચક્રવાકમિથુન’ની પંક્તિઓ : “ઉદધિને રવિબિંબ હવે અડે અતિસમુચ્છિત તેય હવે ચડે” Ontology સત્તામીમાંસા અસ્તિત્વની સમસ્યાનું અધ્યયન કરતું વિજ્ઞાન. ભૌતિક, આધ્યાત્મિક કે સંવેદનજન્ય અસ્તિત્વથી પર, માત્ર અસ્તિત્વની પ્રકૃતિનો આ શાખા અભ્યાસ કરે છે. નવ્ય વિવેચનમાં આ સંજ્ઞા કાવ્યની સંરચના અને પોત જેમાં કાવ્યનો સંપૂર્ણ અર્થ સમાયેલો છે તેનો નિર્દેશ કરવા માટે પ્રયોજાય છે. Open couplet વિવૃત યુગ્મ કોઈ એક પંક્તિયુગ્મની બીજી પંક્તિ પોતાનો અર્થ પૂરો કરવા માટે પછીના પંક્તિયુગ્મની પહેલી પંક્તિ પર નિર્ભર હોય ત્યારે એ વિવૃત યુગ્મ કહેવાય. Opera સંગીતનાટક આ નાટકમાં સંગીત એના આકસ્મિક નહીં પણ અનુસ્યૂત અંગ રૂપે જોડાયેલું હોય છે. આ નાટક નાટકકાર અને સંગીતનિયોજના સક્રિય સહકાર્યનું ફલ હોય છે. વિવિધ દૃશ્યો અને વિવિધ પોષાકોમાં સજ્જ ગાનારાઓ દ્વારા આ નાટકનો પ્રયોગ થાય છે; અને આ પ્રયોગ વખતે મોટું વાદ્યવૃન્દ એની સાથે સંકળાયેલું રહે છે. Oral literature મૌખિક સાહિત્ય, લોકસાહિત્ય વાંચી લખી ન શક્તા લોકો દ્વારા મૌખિક પ્રવર્તન (Performance) પરંપરામાં રચાયેલું સાહિત્ય, બધી જ મૌખિક પરંપરાની રચનાઓ ગવાતી, ભજવાતી, બોલાતી આવી છે. મૌખિક સાહિત્ય પ્રવર્તનમૂલક છે. ગાનાર-સાંભળનારાઓનો જીવંત સંદર્ભ અને એમની સક્રિય સામિલગીરી આ પ્રકારના સાહિત્યનો વિશેષ છે. Oration વક્તૃત્વ ખાસ પ્રસંગે રજૂ કરવામાં આપતું ઔપચારિક વક્તૃત્વ, ‘જુલિયસ સિઝર’માં માર્ક ઍન્ટનીનું વક્તવ્ય આ પ્રવિધિના કલાત્મક વિનિયોગનું ઉદાહરણ છે. ‘ભદ્રંભદ્ર’માં ભદ્રંભદ્ર દ્વારા આગગાડીમાં કરાતું સંબોધન પણ આનું ઉદાહરણ છે. Oratio obliqua પરોક્ષ ઉક્તિ જુઓ : Indirect speech, Oratio Recta જુઓ : Indirect Speech. Organic Form સંઘટિત સ્વરૂપ સાહિત્યકૃતિનું નિયમન બે પ્રકારનાં સ્વરૂપો વડે થાય છે : સંઘટિત સ્વરૂપ અને યાંત્રિક સ્વરૂપ. સંઘટિત સ્વરૂપ ધરાવતી કૃતિનો વિકાસ સર્જકના ભાવ, વિચાર અને તેના સંપૂર્ણ વ્યક્તિત્વમાંથી થાય છે; જ્યારે યાંત્રિક સ્વરૂપ ધરાવતી કૃતિ પૂર્વ વિભાવિત બીબામાં યાદૃચ્છિક રીતે તૈયાર થાય છે. સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘જટાયું’ સંઘટિત સ્વરૂપનું ઉદાહરણ છે. Orientalist પૌરસ્ત્યવિદ્યાવિદ એશિયા ખંડની સંસ્કૃતિ, સાહિત્ય વગેરેનો અભ્યાસી. યુરોપ અને અમેરિકાની સરખામણીમાં પૂર્વના દેશોના સાંસ્કૃતિક ભેદોને લીધે પૂર્વની કેટલીક લાક્ષણિકતાઓએ અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું છે. આમ, પૂર્વ અને પશ્ચિમના સમાજોના ભિન્ન અભિગમોના તુલનાત્મક અધ્યયનનું સાહિત્યમાં સતત પ્રતિબિંબ પડતું રહ્યું છે. આ બંને અભિગમોને સાંકળવાનો પ્રયાસ ટાગોર જેવા સાહિત્યકારોએ કર્યો છે. Originality મૌલિકતા સાહિત્યના સંદર્ભમાં મૌલિકતા, વિચાર અને અભિવ્યક્તિની વૈયક્તિક ક્ષમતાનું સૂચન કરે છે. સાહિત્યકૃત્તિમાં પ્રગટ થતા સ્વતંત્ર અભિગમને પણ અહીં નિર્દેશ છે. આ પ્રકારની ક્ષમતાવાળો સર્જક એક એવા દૃષ્ટિબિંદુથી કૃતિના વસ્તુ અને સ્વરૂપની રજૂઆત કરે છે જે દૃષ્ટિબિંદુથી આજપર્યંત અન્ય કોઈ સર્જકે વસ્તુ કે સ્વરૂપની રજૂઆત ન કરી હોય. Ornamentation અલંકરણ કલા અને સાહિત્યના સંદર્ભમાં આ સંજ્ઞા અનેક સાહચર્યો જન્માવે છે. વિકસિત, સમૃદ્ધ સમાજના લક્ષણરૂપે ચિત્રકલા, નૃત્ય વગેરે લલિતકલાઓ મુખ્યત્વે અલંકારરૂપ હતી. આ પરિસ્થિતિમાં કવિતા જેવી કલા પણ આલંકારિક, અતિશયોક્તિપૂર્ણ હતી. જેને પરિણામે અલંકૃત શૈલી (Ornate Style)નો ઉદ્ભવ થયો. સાહિત્યમાં અલંકરણની પ્રક્રિયા ભાષાશૈલી, પાત્રાલેખન જેવા અનેક વિભાગોમાં વિકસી. પરંતુ સમાજ અને સાહિત્યનો સંબંધ જેમ વિકસતો ચાલ્યો તેમ અલંકરણને ભાષાડંબર તરીકે મૂલવવાનું વલણ વધતું ગયું. જેમ કે, સંસ્કૃત પ્રચૂર ભાષા જે એક સમયે અલંકરણની પ્રવિધિ તરીકે સ્વીકૃતિ પામેલી હતી તે ‘ભદ્રંભદ્ર’ જેવી કૃતિમાં વ્યંગ નીપજાવવા માટે પ્રયોજાઈ. Orphic બાહ્યનિર્ભર જુઓ : Hermetic. Orthoepy શુદ્ધ ઉચ્ચારવિજ્ઞાન શબ્દોના શુદ્ધ ઉચ્ચારો અંગે સૈદ્ધાન્તિક આધારો રજૂ કરી ઐતિહાસિક, સામાજિક તથા ભાષાશાસ્ત્રીય પદ્ધતિએ તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન. Orthography શુદ્ધ જોડણીવિચાર શુદ્ધ જોડણી કે રૂઢ થયેલી જોડણીને લગતા નિયમોનો અભ્યાસ, Outline રૂપરેખા કોઈ એક કૃતિનાં મુખ્ય લક્ષણોને તારવી લઈ તેના વસ્તુ અને સ્વરૂપનો ખ્યાલ આપતું ટૂંકું લખાણ. Overtones અધિ-અર્થ સંગીતક્ષેત્રમાં અધિસ્વર તરીકે જાણીતી આ સંજ્ઞા કવિતાક્ષેત્રે અધિ-અર્થના સંદર્ભમાં પ્રેયોજાય છે. શબ્દના સાહચર્યો એના અધિ-અર્થો છે. આ અધિ-અર્થ કવિતાને અર્થની વ્યાપક સીમાઓ પર મૂકી આપે છે. શબ્દો અધિ-અર્થો દ્વારા જ સતત સમૃદ્ધ થતા આવતા હોય છે. Oxymoron વિરોધાભાસ, વિપરીત લક્ષણ ચોક્કસ અસર ઉપસાવવા માટે એક જ અભિવ્યક્તિમાં વિરુદ્ધ અર્થના બે શબ્દો કે વાક્યખંડોનો ઉપયોગ. જેમ કે, સુરેશ દલાલના ‘અનુભૂતિ’માં કંપ્યું જળનું રેશમ પોત કિરણ તે ઝૂક્યું થઈ કપોત વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ! અથવા રાજેન્દ્ર શાહના કાવ્યસંગ્રહનું શીર્ષક : ‘શાન્ત કોલાહલ’