અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/દિવસના રંગો
Revision as of 07:41, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દિવસના રંગો|યજ્ઞેશ દવે}} <poem> તે દિવસે તું મને મળેલો ત્યારે આ...")
દિવસના રંગો
યજ્ઞેશ દવે
તે દિવસે તું મને મળેલો
ત્યારે આખો દિવસ કેવો ગુલાબી ગયેલો!
ગઈ કાલની સાંજ સાવ ભૂખરી હતી,
તે પહેલાંની રાખોડી.
એક કાળી બપોરને તો મેં
એક ગીતની પંક્તિથી માંડ માંડ ઉજાળી.
આજની વૈભવી સવાર
સોનેરી લીલા રંગની હતી
તે દિવસે
મને ક્યાંક દૂર દૂર જવાની ઇચ્છા થયા કરેલી
તે દિવસનો રંગ
મને હવે લાગે છે કે
આછા આકાશ અને ઘેરા સમુદ્રની વચ્ચેનો નીલરંગ હતો.
તે દિવસે સાંજ કેવી જાંબલી હતી,
તેની પશ્ચાદ્ભૂમાં
નાની અમથી આછી વસ્તુ પણ કેવી ખીલી ઊઠેલી.
તારો આછો અમથો સ્પર્શ
અમથાં અમથાં એમ જ બોલાયેલા શબ્દો...!
ત્યારે તો જન્મોજન્મનું સુષુપ્ત સુરત
ઊગી આવેલું લીલું લીલું.
કોણ કહે છે કે દિવસોને રંગો નથી હોતા?
(ગુજરાતી કવિતાચયન: ૧૯૯૪, પૃ. ૯૫)