વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/H
H
Hard Core (pornography) અતિ અશ્લીલ એકદમ પ્રગટ અશ્લીલતાવાળું સાહિત્ય.
Hard Science દૃઢવિજ્ઞાન પ્રાકૃતિક કે ભૌતિકવિજ્ઞાન. જેમકે રસાયણશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, જીવશાસ્ત્ર.
Hasosismo આ-ગ્રહણકલા અનુઆધુનિક કવિતાનું ખાસ લક્ષણ. રચનાઓમાં આવતી સ્વયંઘાતક પંક્તિઓનો એમાં નિર્દેશ છે. આ પ્રક્રિયા ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ વચ્ચે હરેફરે છે, અને પૂર્વખંડમાં સ્થાપેલાને ઉત્તરખંડમાં ઉત્તેચ્છેદે છે. બીજી રીતે કહીએ તો રચનામાં આગલી પંક્તિ જે પુરસ્કારે છે એને પછીની પંક્તિમાં ગોપવી દેવાની કલા છે. આને પૂર્વની પંક્તિમાં જે ગોપવ્યું હોય અને પછીની પંક્તિમાં જે પ્રગટ કર્યું હોય એની સાથે કે પછીની પંક્તિમાં જેને પ્રગટ કરવાનું હોય એને આગલી પંક્તિમાં જે ગોપવ્યું હોય એની સાથે ગૂંચવવાની જરૂર નથી. જેમકે, ‘એ આવ્યો એ સ્થળે, જ્યાં એ હતો જ’ અહીં પૂર્વખંડ એક નિશ્ચિત અને પરિચિત જગતને સ્થાપે છે પણ ઉત્તરખંડમાં એને ઉસેટી લે છે. કેટલાક દક્ષિણ અમેરિકન કવિઓની અને ખાસ તો અમેરિકન કવિ જોન એશબરીની રચનાઓમાં આ કલાપ્રવિધિ વધુ અખત્યાર થયેલો જોવા મળે છે.
Herbraism હિબ્રૂચેતના જુઓ, Hellenism,
Hegemony આધિપત્ય અધિપત્યની વિભાવના માક્ર્સવાદી સિદ્ધાંતકાર એન્ટોનિયો ગ્રામ્સીએ ઉપયોગમાં લીધી છે, જે દર્શાવે છે કે કોઈ પણ મૂડીવાદી સમાજમાં શાસકવર્ગ કઈ રીતે પ્રજાસમુદાય પર પોતાની વિચારધારાને બળનો ઉપયોગ કર્યા વગર કઈ થોપે છે.
Hellenism ગ્રીકચેતના ગ્રીકચેતનાને અનુલક્ષીને આ સંજ્ઞા ગ્રીકસભ્યતા, સંસ્કૃતિ, ભાષા, કલા અને સાહિત્યને લાગુ પડે છે; તેમ જ ગ્રીક નમૂના પર આધારિત રુચિ અને સૌંદર્યભાવનાને સૂચવે છે. આ ગ્રીક ચેતનાની સામે મેથ્યુ આર્નલ્ડે હિબ્રૂચેતના (Hebraism) જેવી સંજ્ઞાને વિશેષ અર્થમાં પ્રયોજેલી અને વિરોધાવેલી. જો ગ્રીકચેતનાનો મુખ્ય વિચાર ચેતનાની સાહજિકતા છે તો હિબ્રૂચેતના અંતઃકરણના શિસ્ત પર ભાર મૂકે છે. હિબ્રૂચેતના વ્યવહાર અને અનુપાલન સાથે સંકળાયેલી છે. અલબત્ત ગ્રીકચેતના અને હિબ્રૂચેતના બંને મનુષ્યની પૂર્ણતાને, એની મુક્તિને ઝંખે છે. જીવનની પરિપક્વતા માટે બંને આવશ્યક છે.
Hendiadys વિશેષણવિશેષ બે વિશેષ્ય દ્વારા વ્યક્ત થતો એક વિચાર. વિશેષ રીતે જોઈએ તો સામાન્યતઃ વિશેષણ અને વિશેષ્યમાં સમાઈ શકે એવો સંકુલ વિચારને ‘અને’ સંયોજક દ્વારા જોડાતા બે શબ્દોથી વ્યક્ત કરવામાં આવે એવી અલંકાર-રીતિ, જેમકે ‘ફરકે હાથરૂમાલ અને સ્મિત.’
Hermeneutical cirde અર્થઘટનપરક ચક્ર રંગદર્શી અર્થઘટનશાસ્ત્રના પ્રણેતા ફિડરિક સ્લાયરમાકરે (૧૭૬૮-૧૮૩૪) દર્શાવ્યું છે કે કોઈ પણ વાચકનું પ્રમુખ કાર્ય ‘સમભાવ’ને સિદ્ધ કરવાનું છે. એટલે કે સર્જક અર્થપરત્વેની જે મનોઘટનામાંથી પસાર થયો હોય તેનો બરાબર વાચકે પુનરનુભવ કરવાનો છે. સ્લાયરમાકરે આ પ્રક્રિયાને ‘અર્થઘટનપરક ચક્ર’ તરીકે ઓળખાવી છે. આમ અંતઃક્ષેપના કાર્યથી અને ઐતિહાસિક પુનર્રચનાથી કૃતિ અને ભાવકને જુદા રાખતા ઐતિહાસિક અવકાશને અતિક્રમી શકાય છે.
Heterocosm theory ભિન્નવિશ્વ સિદ્ધાંત અનુકરણના સિદ્ધાંતની સામેનો સાહિત્યસિદ્ધાંત કાવ્યના જગતથી અનુભવનું વાસ્તવ જગત જુદું છે એમ સિદ્ધાંતની દૃઢ માન્યતા છે અને આથી એ કાલ્પનિક રીતે પ્રક્ષિપ્ત જગતની ફરતે દૃઢ સીમાઓ બાંધે છે.
High cultural ભદ્રરુચિ જુઓ Mass culture.
Histoire/discours વૃત્તાંત/કથાનક વૃત્તાંત એ બનેલી ઘટનાઓનું કેવળ માળખું-હાડપિંજર છે, જ્યારે દૃષ્ટિબિંદુ ગતિશીલતા, સમય વગેરેના અનુસંધાનમાં રજૂ થયેલી ઘટનાઓ લોહીમજ્જાયુક્ત કથાનક છે. નવલકથાના સૌંદર્યશાસ્ત્ર માટેની આ સંજ્ઞાઓ રશિયન સ્વરૂપવાદી Fabula અને Sjuzet સંજ્ઞાઓની સમાંતર સંજ્ઞાઓ છે.
Holism અખિલવાદ કોઈ પણ સંકુલ સાવયવિક તંત્રમાં એના બધા ઘટકોના સરવાળા કરતાં સમસ્ત વધુ હોય છે એવું માનતો સંપ્રત્યય.
Holophrase શબ્દવાક્ય ઘણાબધા વિચારો સંયોજિત કરતો એક શબ્દ કે આખા વાક્યની ગરજ સારતો એક શબ્દ, જેમકે આજ્ઞાર્થ ‘જા’.
Homosociality સજાતીય સામાજિકતા ઈવ કોસોફસ્કી સેજવિક સજાતીય સામાજિકતા જેવી સંજ્ઞા હેઠળ સ્ત્રીપુરુષોના સજાતીય વ્યવહારોને આવરવા માગે છે. ઉપરાંત એ સજાતીય સામાજિકતા આ સંજ્ઞાને ‘સજાતીય લૈંગિકતા’ (homosexuality)થી જુદી પાડવા ઇચ્છે છે. ઈવનું માનવું છે કે સ્ત્રી અને પુરુષની સજાતીયતાનાં સ્વરૂપ વચ્ચે ભેદ છે. સજાતીય પુરુષવ્યવહારોમાં સજાતીય સામાજિકતા અને સજાતીય લૈંગિકતાની ઇચ્છા સજાતીયભીતિ (homophobia) દ્વારા વારંવાર વિચ્છેદ પામે છે, જ્યારે સજાતીય સ્ત્રીવ્યવહારોમાં સજાતીય સામાજિકતા અને સજાતીય લૈંગિકતા વચ્ચે ઓછી દ્વિધા છે.
Hypallage સંક્રમિત વિશેષણ આ અલંકાર ‘સંક્રમિત વિશેષણ’ (Trans-ferred epithet) તરીકે ઓળખાય છે. એમાં વિશેષણ એના ઉચિત વિશેષ્યથી ખસીને જેને લાગુ ન પડી શકે એવા વિશેષ્ય સાથે જોડાય છે. જેમકે, ‘અજંપાભરી રાત’ ‘પ્રસન્ન સવાર’.
Hypocorism લાડનામ હૂલામણા નામ માટે કે બાળકની વાતચીતનાં રૂપોનો પુખ્તો દ્વારા થતા ઉપયોગ માટે પણ આ સંજ્ઞા વપરાય છે. જેમકે, ‘પાર્વતી’નું ‘પારુ’ યા ‘રમા’નું ‘રમાડી’.
Hypoicon ઉપસંમૂર્તિ પિયર્સે સંમૂર્તિ (lcon)ના અર્થપરક પાસાથી અલગ સંમૂર્તિની નરી ભૌતિકતાને ચીંધવા માટે આ ઉપસંજ્ઞાનો કર્યો છે.
Hysteron proteron અપરપૂર્વ અમુક પ્રકારનું મહત્ત્વ ઊભું કરવા સ્વાભાવિક કે તાર્કિક ઘટનાઓના કાલક્રમનો જેમાં વ્યત્યય કરવામાં આવે છે તે અલંકારરીતિ. જેમકે, ‘તું તો ગુરુનો ગુરુ થયો,’ અથવા ‘તને ઉછેર્યો, તને જન્મ આપ્યો’.