અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/સખી! મારો સાયબો...

Revision as of 11:13, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સખી! મારો સાયબો...| વિનોદ જોશી}} <poem> સખી! મારો સાયબો સૂતો ફળિયે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સખી! મારો સાયબો...

વિનોદ જોશી

સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.

એક તો માઝમ રાતની રજાઈ
ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.

એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીલી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢા જાઉં.