અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/પ્રોષિતભર્તૃકા

Revision as of 11:21, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રોષિતભર્તૃકા|વિનોદ જોશી}} <poem> આછાં આછાં રે તળાવ, એની ઘાટી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રોષિતભર્તૃકા

વિનોદ જોશી

આછાં આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર,
ચાટું ઓસડી બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુંને થઈ બેઠો વળગાડ...

મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયા બાવળઝાડ...

ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...