અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/એણે કાંટો કાઢીને

Revision as of 11:35, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એણે કાંટો કાઢીને|વિનોદ જોશી}} <poem> એણે કાંટો કાઢીને મને દઈ દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એણે કાંટો કાઢીને

વિનોદ જોશી

એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...

પછી ઢોલિયે જરાક પડી આડી તો
અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો,
ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડી હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
કોઈ મારામાં ઑગળીને પરબારું ડૂલ...