અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/પરિરંભન

Revision as of 11:44, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિરંભન|વિનોદ જોશી}} <poem> નખશિખ અઘોરી વંઠેલી સરાસર, રાત આ સડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરિરંભન

વિનોદ જોશી

નખશિખ અઘોરી વંઠેલી સરાસર, રાત આ
સડકની વચાળે ચત્તીપાટ માંસલ ઘોરતી,
રગ રગ મહીં તાજી ત્રોફેલ સોડમ, નાભિમાં
મઘમઘ થતો લીંપ્યો ચાંદો, નિતંબ ઝળાંહળાં.

અટકળ સમું ધીમે ધીમે સર્યું કશું ભીતરે,
પડખું પસવારું હું — ખાલી અડીખમ ઢોલિયો!
નજર પ્રસરે ચારે પા, માત્ર ફાનસ ગોખલે
ટગરટગર જાગે, ડૂબ્યાં ભીંતડાં ભરનીંદરે.

ઈજન દઉં કે જાગી, ઊભી થઈ અભિસારિકા
અરવ પગલે આવે, આવે પરિચિત ઘેનમાં,
ધુસરિત બધું, લીલું લીલું, બધિર ત્વચા, તહીં
નજર મીંચકારે એકાએક ફાનસ જાગતું!

શગ કરું ધીમી, સંકેલાતું બધું ઘર ગોખલે,
બથ ભરું. ભુજા બેઉ ભોંઠી પડે પરિરંભને!