અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગિની શુક્લ/ધાર કે

Revision as of 12:45, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધાર કે |યોગિની શુક્લ}} <poem> ધાર કે તારા ઘર સામે એક સમુદ્ર છે ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધાર કે

યોગિની શુક્લ

ધાર કે
તારા ઘર સામે એક સમુદ્ર છે

તારા ઘર સામે ઘૂઘવતા સમુદ્રમાં
સૂરજ
પૂરેપૂરો ડૂબી જાય પછી
સફરજનના વૃક્ષ નીચે મળવાનું
અમથું અમથું
મેં તને કહેલું —

ધાર કે
તારા ઘર ઉપર એક મેઘધનુષ છે

તારા ઘર ઉપર ઝળૂંબતું
મેઘધનુષ
પૂરેપૂરું ખીલી જાય પછી
રંગોનો મલ્હાર ગાવાનું
અમથું અમથું
મેં તને કહેલું —

ધાર કે તારા ઘર પાછળ
રાજગરાનું એક ખેતર છે

તારા ઘર પાછળ આવેલું
રાજગરાનું ખેતર
પૂરેપૂરું ઊભરાઈ જાય પછી
એની વચ્ચેથી જોડાજોડ ચાલવાનું
અમથું અમથું

મેં તને કહેલું —
તેં સાંભળેલું?