અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/મેશ

Revision as of 05:19, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેશ|ઉષા ઉપાધ્યાય}} <poem> હું જન્મી ત્યારે છઠ્ઠીના દિવસે નાની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેશ

ઉષા ઉપાધ્યાય

હું જન્મી
ત્યારે છઠ્ઠીના દિવસે
નાનીમાએ ત્રાંબાની તરભાણી દીવા પર ધરી
હોંશે હોંશે કાજળ પાડીને
મારી આંખમાં આંજ્યું હતું.
હજુ ગયા વરસે જ
મારી દીકરીને ત્યાં દીકરી જન્મી
ત્યારે મેં પણ
છઠ્ઠીના દિવસે
હોંશભેર કાજળ પાડી
મારી દોહિત્રીની
સ્વપ્નભરી આંખોમાં આંજ્યું હતું.
આજે,
આ ઢળતી સાંજે
આગજનીમાં બળીને
કાળામેશ થઈ ગયેલાં
મારા શહેરનાં
મકાનોને જોતાં થાય છે
કોની છઠ્ઠી માટે
પડાઈ હશે
આટલી બધી મેશ?