અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શાહ/બાને કાગળ

Revision as of 05:27, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાને કાગળ| ચંદ્રકાન્ત શાહ}} <poem> તેં જ અપાવેલ જીન પ્હેરીને બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બાને કાગળ

ચંદ્રકાન્ત શાહ

તેં જ અપાવેલ જીન પ્હેરીને બેઠી છું બહુ વખતે કાગળ લખવા
આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે સફેદ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા

અમે મજામાં છીએ
કેમ છે તું?
લખવા ખાતર લખી રહી છું
પૂછવા ખાતર પૂછું છું હું
લખવાનું બસ એ જ
આટલાં વરસે મેલાં થઈ થઈ
જીન્સ આ મારાં બની ગયાં છે મેલખાઉ તો એવાં
કે ધોવાનું મન થતું નથી
જીન ધોવાને અહીંયાં તો બા નથી નદીનું ખળખળ વહેતું છૂટું પાણી
સખી સાહેલી કોઈ નથી
નથી નજીક કોઈ ખેતર, કૂવા, કાબર, કોયલ
નથી નજીકમાં ધોળા બગલા

ધોળું વૉશર, ધોળું ડ્રાયર
બ્લૂ જીન ધોવા ધોળા વૉશિંગ પાઉડર
ઘડી ઘડીમાં static થાતાં જીનને માટે
Anti-static ધોળાં fabric softner

લીલાં વૃક્ષો લાગે ધોળાં
ધોળું બ્લૂ આકાશ
સાત રંગનું મેઘધનુષ પણ ધોળું લાગે
ધોળું કાજળ ધોળો સુરમો
ધોળું કંકુ ધોળા લાગે ધોળા ચોખા
ધોળો, ધોળો, સાવ સફેદ ધોળો ગુલાલ

ધોળાઓના દેશ મહીં આ કેવાં કાળાં ભાગ્ય
કરમથી કઠણાયુંને હું ધોળે દિવસે ખાંડ્યા કરતી બેઠી છું અહીં
બેઠી છું, બહુ વખતે વિહ્વળ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે બહુ ધોળો નહિ એવો, આગળ વધી રહેલો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે અટકળ લખવા
કાગળમાં હું ફરી ફરીને એ જ લખું છું બા

ધોયેલાં જીન સૂકવવા નથી અહીં કોઈ આંબાવાડી
તડકા પણ અહીંના છે sterilized
હવા અહીંની EPA controlled
Sprinklerના પાણીથી ઊગે થોડું થોડું લીલું લીલું ઘાસ
ઘાસ અહીંનું સૌનું નોખું, નોખું પાણી, નોખા તડકા

જીન્સ અહીં તો બોલચાલનાં નોખાં
નોખાં હળવાનાં મળવાનાં નોખાં રીતભાતનાં
એકબીજાને ગમવાનાં પણ નોખાં
નોખાં TV, નોખાં remote
નોખી pantry, નોખા vote
નોખી ગાડી, નોખા ફોન
નોખાં નામો, જશવંત જ્હોન
એક જ છતની નીચે સહુનાં નોખાં નોખાં ઘર
નોખી નોખી વહુઓના છ નોખા નોખા વર

મારા ઘરમાં મારાથી હું નોખી થઈને બેઠી છું મારાથી થોડે દૂર
દૂર દૂર થઈ બેઠી છું બહુ વખતે સાંધણ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે લખવા ધારેલ ટૂંકો પણ લાંબો થઈ ગયેલો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે સાંધણ લખવા
કાગળને ઊંધો કરતાં બીજી બાજુ પણ એ જ લખું છું બા

સ્હેજ સુકાયલ જીનને પૂરાં સૂકવવાને
ઊંધા કરતાં almost આ life થઈ ગઈ ઊંધી

ઊંધા રસ્તા, ઊંધી ગાડી
ઊંધા માણસ, ઊંધી લાડી
ઊંધી વાતો કરતાં કરતાં, રોજ વિતાવું ઊંધી રાતો
ઊંધા નળમાં રોજ રોજ હું ઊંધું પાણી સીંચું
ઊંધાં ઊંધાં અંધારાં, અજવાળાં કરવાની ઊંધી સ્વિચું.

અ આ ઈ ઉ અહીંનું ઊંધું
ઊંધા ય, ર, ઊંધા લ, વ
ઊંધા સ ની સાથે સીધી
બેઠી છું હું સૂમસામ થઈ
બેઠી છું બહુ વખતે ‘સાજણ’ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે પૂરેપૂરો અને આમ અધૂરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે ‘સાજણ’ લખવા
છેલ્લે છેલ્લે લખવાનું કે
ઘડી ઘડી ધોવાતાં આ
જીનની ચારે કોર દ્વિધાના
અકળામણના સળ પડ્યા છે ઊંડા

સળ પડ્યા છે જીનની ઉપર
USAમાં યેનકેન settle થવાના
Settle થવાની શરતોના
આધીન થઈ adjust થવાના
Medicalને વશ થવાના
Social Securityને પરવશ થવાના

USAમાં વડોદરાને વશ થઈને બેઠી છું હું
બેઠી છું બહુ વખતે વળગણ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે પૂરો લખેલ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા
(બ્લૂ જીન્સ, જાન્યુ. ૨૦૦૦, પૃ. ૭૬-૮૦)